Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન સાથે MoU ફાઇનલ નથી, જો પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

G7 બેઠકમાં ગર્જ્‌યા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

બંને દેશો તરફથી એવા સંકેતો મળ્યા હતા કે, કરાર પર સહમતિ બની રહી છે પરંતુ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી દુનિયાને ચોંકાવી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સ, તા.૧૭ જૂન ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો સામે આવી રહી હતી. બંને દેશો તરફથી એવા સંકેતો મળ્યા હતા કે, કરાર પર સહમતિ બની રહી છે. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે હજુ MoU ફાઇનલ થયા નથી, જો ડીલમાં કંઈ પસંદ નહીં આવે તો અમેરિકા ફરી હુમલો કરશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે ઈરાન સાથેના સંભવિત કરાર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે દાવો કર્યો કે, અમે ઈરાનમાં બધું જ નષ્ટ કરી દીધું છે. ઈરાન સાથેનો MoU હજુ ફાઇનલ નથી. જો આ ડીલમાં મને કંઈપણ પસંદ નહીં આવે, તો અમે ઈરાન પર ફરીથી હુમલો કરીશું.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન સાથેની ડીલ અંગે વિગતવાર વાત કરવામાં આવશે. વૈશ્વિક બજાર આ ઈરાન ડીલથી ઘણું ખુશ છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) આગામી એક-બે દિવસમાં સંપૂર્ણપણે ખુલી જશે. આ માર્ગ અત્યારે પણ આંશિક રીતે ખુલ્લો જ છે, પરંતુ ટૂંક સમયમાં તે સામાન્ય થઈ જશે.

મહત્વનું છે કે આ ડીલની અસરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે. તેલના ભાવ ઘટવાથી લોકોની ખરીદશક્તિ પર સકારાત્મક અસર પડશે, અને કિંમતો યુદ્ધ પહેલાના સ્તર કરતા પણ નીચે જઈ શકે છે.

દરમિયાન, ફ્રાન્સના એવિયનમાં G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સમિટના આઉટરીચ સત્ર દરમિયાન પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. ૧૬ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જો કે, ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવતા કહ્યું કે, ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા.

G-7 સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજનું વિશ્વ પહેલા કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલું અને પરસ્પર નિર્ભર છે. કોઈ પણ દેશની ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ તેની સરહદો સુધી મર્યાદિત નથી. ગતિશીલતા, ડેટા, મૂડી અને ટેકનોલોજી આ બધું આપણને જોડે છે. આવા સમયમાં ભાગીદારીનું મહત્ત્વ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ ભાગીદારી ત્યારે જ સફળ થાય છે જ્યારે વિશ્વાસ તેના મૂળમાં હોય છે. આજે, સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટેકનોલોજીઓ કે બજારો નથી પરંતુ પરસ્પર વિશ્વાસ છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ટેકનોલોજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ શસ્ત્ર તરીકે નહીં, પણ વૈશ્વિક ભલા માટે થશે. વિકાસની તકો થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. વૈશ્વિક સંસ્થાઓ બધા દેશોની આકાંક્ષાઓ પૂરી કરી શકશે.

Related posts

લેબેનોનમાં યુદ્ધવિરામ અંગે અમેરિકાએ હાથ ઊંચા કર્યા

Master Admin

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ

Master Admin

હું પીએમ મોદીનું રાજકીય કરિયર ખતમ કરવા નથી માંગતો : ટ્રમ્પ

Master Admin

Leave a Comment

Translate »