હું પણ ક્યારેક તમારી જગ્યાએ હતો : મોદી
તેમણે પોતાના સંગઠન મંત્રી તરીકેના અનુભવો શેર કરી સંગઠન મજબૂત કરવા અને યુવાનો સુધી પહોંચ વધારવા પર ભાર મૂક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૬ — શનિવારે BJPની નવા પદાધિકારીઓની ટીમની બેઠક યોજાઈ હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, PMએ લગભગ સવા ચાર કલાક સુધી પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આજે BJPના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મહામંત્રીઓ અને પ્રભારીઓ સામેલ થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PMએ ગઈકાલની બેઠકમાં એક-એક પદાધિકારી સાથે વાત કરી હતી. તેમણે બેઠકમાં સંગઠન મંત્રી તરીકેના પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. PM મોદીએ જણાવ્યું કે, તે સમયે તેમણે કેવી રીતે કામ કર્યું હતું અને તેમની સામે કયા પડકારો હતા. બેઠકમાં ઁસ્એ પદાધિકારીઓની વાતો પણ ધ્યાનથી સાંભળી હતી.
બેઠકમાં વડાપ્રધાને પોતાના અનુભવો શેર કરવાની સાથે સંગઠનને આગળ લઈ જવાની વ્યૂહરચનાઓ પર પણ ચર્ચા કરી હતી. PMએ દરેક પદાધિકારીનો પરિચય લીધો અને તેમના અનુભવો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોલમાં હાજર તમામ ૬૫ પદાધિકારીઓ સાથે PMએ વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ નવી ટીમને સંગઠનને મજબૂત કરવા અને નવી વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમને જનતા સાથે ગાઢ સંબંધો બનાવવાની સલાહ પણ આપી હતી. PMએ પાયાના સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. સવા ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સાથે જ બેઠકમાં યુવાનો સુધી પહોંચ વધારવા પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી હતી. PMએ પદાધિકારીઓ સાથે મળીને મિલેટ્સમાંથી બનાવેલું ભોજન પણ લીધું હતું. આ ઉપરાંત PM મોદીએ નીતિન નવીન અને બી.એલ. સંતોષ સાથે અલગ-અલગ બેઠકો પણ કરી હતી, જેમાં નીતિન નવીન સાથે સંસદીય બોર્ડના સભ્યોના નામો અંગે પણ ચર્ચા થઈ હતી. આ નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
ગઈકાલની બેઠકમાં BJP અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમને યુવાનો સાથે સતત સંપર્ક વધારવા જણાવ્યું હતું. તેમણે આ માટે ‘યુવા સંવાદ’ કાર્યક્રમને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. પાર્ટી આગામી દિવસોમાં યુવાનો સુધી પહોંચવા માટે મોટા અભિયાનો શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
BJPનું ફોકસ ૧૪ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાનો પર રહેશે. તેમાં Gen Z અને Gen Alphaના યુવાનો સામેલ થશે. આ માટે દેશભરમાં વરિષ્ઠ નેતાઓની અલગ-અલગ ટીમો બનાવવાની તૈયારી છે. ભારતીય જનતા યુવા મોરચો આ ટીમોની રચના અને તેમને સક્રિય કરવામાં મદદ કરશે.

