Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજ 76 હજાર કિચન ગાર્ડનના રોપાંનું વિતરણ કરશે

હરિત ઘરસ્વસ્થ સમાજ અભિયાન હેઠળ ઘરે શાકભાજી ઉગાડવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહનપર્યાવરણ ક્ષેત્રે કાર્યરત 35 સ્ટાર્ટઅપ્સ દ્વારા એક વિશેષ પ્રદર્શન-વેચાણનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને i-Hubના સહયોગથી ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન અંતર્ગત 76 હજાર કિચન ગાર્ડનના રોપાંના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનનો હેતુ લોકોને પોતાના ઘરમાં શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો છે.

આ અભિયાન હેઠળ ટામેટાં, રીંગણની વિવિધ જાતો, મરચાં, દૂધી, તુરીયા અને કાકડી સહિતના રોપાંનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ આવનાર એક મહિના દરમિયાન રોપાંનું વિતરણ કરવામાં આવશે. રોપાં મેળવવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન બાદ રોપાં કયા સ્થળેથી મેળવવાના રહેશે તેની માહિતી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

આ પહેલ અંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખશ્રી ભાવેશ એસ. લખાણીએ જણાવ્યું હતું કે, “ઘરમાં થોડાં શાકભાજી ઉગાડવાનું પગલું કદાચ નાનું લાગે, પરંતુ જ્યારે હજારો લોકો તેમાં જોડાય ત્યારે તેની મોટી અસર થઇ શકે છે. ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ના માધ્યમથી લોકોમાં પોતાના માટે ખોરાક ઉગાડવાનું મહત્ત્વ સમજાવવા અને વધુ તંદુરસ્ત તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ ઉજવણીને હરિયાળા અને સ્વસ્થ સમાજ તરફ એક સકારાત્મક પગલાં સાથે જોડવાની આ એક તક પણ છે.”

પ્રદર્શન બાદ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી અને વિશ્વ ગુજરાતી સમાજના મુખ્ય સંરક્ષક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કિચન ગાર્ડનના રોપાંનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી સુધીર એસ. રાવલ, સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન અમિતભાઈ પારેખ અને પર્યાવરણ કમિટીના ચેરમેન નીતેશભાઈ શાહ પણ મંચ પર ઉપસ્થિત રહેશે.

વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાત અને ગુજરાતીઓના હિત તથા કલ્યાણ માટે કાર્યરત બિનરાજકીય સંસ્થા છે. સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભારત તેમજ વિદેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવવા ઉપરાંત ગુજરાત, ગુજરાતી ભાષા, ગુજરાતી અસ્મિતા અને ગુજરાતી સંસ્કૃતિના જતન તથા પ્રોત્સાહન માટે પણ સંસ્થા કાર્યરત છે.

વિશ્વના 100થી વધુ દેશોમાં ગુજરાતીઓ વસવાટ કરે છે ત્યારે વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાત સાથે તેમનું જોડાણ વધુ મજબૂત બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને મંચ પુરા પાડે છે. સાથે જ વ્યાપક સામાજિક હેતુઓ માટે પણ વિવિધ પહેલ હાથ ધરવામાં આવે છે. ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન દ્વારા ઘરેલુ સ્તરે સરળતાથી અપનાવી શકાય તેવી પહેલો તરફ ધ્યાન દોરવા સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રજિસ્ટ્રેશન લિંક: www.rxeventsreg.com/event/vishwagujaratisamaj

== સમાપ્ત ==

Related posts

અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનરનો ખુલાસો

Master Admin

વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ

Master Admin

EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક ૨૭મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ

Master Admin

Leave a Comment

Translate »