કૌભાંડમાં સૌથી વધુ ભોગ ગુજરાતના શ્રદ્ધાળુઓ બન્યા
૧૨૬ બોગસ વેબસાઇટ બનાવી દેશના ૨૧ હજારથી વધુ લોકોને ઠગનારા ૩ આરોપીઓ ઝડપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ — દેશભરમાં ઓનલાઈન આઈડેન્ટિટિ થેફ્ટ ડેટા પાસવર્ડની ચોરી અને બોગસ દસ્તાવેજોના આધારે આર્થિક ષડયંત્ર રચતી ગેંગ સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લાલ આંખ કરીને મોટો સપાટો બોલાવ્યો છે.સાયબર પોલીસે અલગ-અલગ બે ગુનામાં કુલ ૩ સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.પ્રથમ ગુનામાં સાયબર પોલીસે ખોટી ઓળખ ઊભી કરી ધાર્મિક સ્થળોના નામે છેતરપિંડી આચરતા બે મુખ્ય સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ શાતિર ઠગોએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિવિધ પ્રખ્યાત ધર્મસ્થળોની ૧૨૬ જેટલી ફેક વેબસાઇટ્સ બનાવી હતી.
આ બોગસ પોર્ટલના માધ્યમથી આરોપીઓએ દેશના ૨૧૯૮૫ નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.આ ગેંગ સામે દેશભરમાં અત્યાર સુધીમાં ૭૦ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.આ કૌભાંડમાં સૌથી વધુ ભોગ ગુજરાતના શ્રદ્ધાળુઓ બન્યા છે કારણ કે ૧૨૬ વેબસાઇટ્સમાંથી ૪૦ વેબસાઇટ ગુજરાતના યાત્રાધામોની હતી.જેમાં સાળંગપુરની ૮,જ્યારે સોમનાથ, દ્વારકા, પાલીતાણા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા છે જેણે કોમ્પ્યુટર સાયન્સમાં મ્.્ીષ્ઠર કરેલું છે. તે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી જ આ તમામ વેબસાઇટોનું સંચાલન કરતો હતો.
છેલ્લા ૮ મહિનાથી સક્રિય આ ગેંગ પકડાવાના ડરથી અવારનવાર ડોમેઇન નેમ બદલી નાખતી હતી.પોલીસે ભરતપુર (રાજસ્થાન) ખાતેથી તેના સાગરીત શૈલેષ સૈનીની પણ ધરપકડ કરી છે.આ ૧૨૬ વેબસાઇટો કોણે ખરીદી અને કોના હાથમાં ઓપરેટ થતી હતી તે દિશામાં તપાસ માટે ગુજરાત પોલીસની બે ખાસ ટીમો રાજ્ય બહાર રવાના કરવામાં આવી છે.અન્ય એક કિસ્સામાં ફેબ્રુઆરી ૨૦૨૬માં સોમનાથમાં રોકાણ અને રૂમ બુકિંગ માટે ખોટી વેબસાઇટ બનાવવા અંગે દાખલ થયેલા ગુનામાં પોલીસે વધુ ૧ આરોપીની અટકાયત કરી છે.આ કેસમાં અગાઉ ૬ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.પોલીસને તપાસ દરમિયાન મળી આવેલા ૬ સીમકાર્ડ અને ૧૮ જેટલાં મ્યુલ બેંક એકાઉન્ટ્સ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

