ગાંધીનગર અડાલજ | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | અડાલજ ખાતે આવેલા શનિ મંદિર નજીક શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર (JCARC), આવેલું છે. આ સંસ્થાની સ્થાપના ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરવા માટે કરવામાં આવી હતી. JCARC પરિસરમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર શ્રીક્ષેત્ર પુરીના શ્રી જગન્નાથ મંદિરના આદર્શ પર નિર્માણ પામેલું છે અને અહીં પુરી મંદિરની પરંપરા અનુસાર તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે. આ મંદિર ભગવાન જગન્નાથના સર્વધર્મ સમભાવ, સર્વજાતિ સમાનતા અને વૈશ્વિક ભાઈચારાના સંદેશને પ્રસારિત કરે છે.
જેેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીનો ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી શ્રી જગન્નાથ મંદિર, અડાલજ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રથયાત્રા મહોત્સવની શરૂઆત સ્નાન પૂર્ણિમા (29 જૂન, 2026) થી થઈ ચૂકી છે અને તે નીલાદ્રી વિજય (24 જુલાઈ, 2026) સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે ઉજવાશે.
અડાલજ ખાતે આવેલ શ્રી જગન્નાથનું મંદિર સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યા આસપાસના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના દિવસે અંદાજે 20,000થી વધુ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લેશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ ઉપરાંત રથયાત્રાના સાંજના સમયે મંદિર પરિસરમાં સમાજના સભ્યો તથા જાણીતા કલાકારો દ્વારા ભગવાન સમક્ષ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
રથયાત્રા દિવસની મુખ્ય ધાર્મિક વિધિઓ પુરી શ્રી જગન્નાથ મંદિરની પરંપરા મુજબ રથયાત્રાના દિવસે નીચે મુજબની વિધિઓ યોજાશે:
- નેત્રોત્સવ
- નવયૌવન દર્શન
- મંગળ આરતી
- રથનું શુદ્ધિકરણ (સુદ્ધિ કરણ)
- ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પહાંડી વિધિ
- અગ્યામાળાના આગમન બાદ મુખ્ય અતિથિ દ્વારા પરંપરાગત છેરા પહરા (સુવર્ણ ઝાડુ વડે રથની સફાઈ) વિધિ ત્યારબાદ મુખ્ય અતિથિ દ્વારા કપૂર આરતી
રથયાત્રા નિમિત્તે આ તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી જગન્નાથજી ભક્તોને રથ ઉપરથી દર્શન આપશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે.
પરંપરા અનુસાર ભગવાન શ્રી જગન્નાથજી તેમના મોટાભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે પોતાના મૌસીમા મંદિર (મા અન્નપૂર્ણા મંદિર) તરફ પ્રસ્થાન કરશે અને માર્ગમાં તમામ જાતિ, ધર્મ અને વર્ણના ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથની રથયાત્રા સર્વધર્મ સમભાવ, વિશ્વબંધુત્વ, શાંતિ, સમૃદ્ધિ અને સુખનો સંદેશ આપે છે.
ભગવાન જગન્નાથની આ વર્ષની રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિ તરીકે રાજ્ય સભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીન, માનનીય રાજ્યસભા સભ્ય તથા ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેમજ શ્રીમતી મીરાબેન પટેલ, મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા ઉપસ્થિત રહેશે.
આ રથયાત્રા અંગે વાત કરતા રાજ્ય સભાના પૂર્વ સાંસદશ્રી નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર અડાલજની રથયાત્રાનું આ પાંચમું વર્ષ છે. જે અન્નપુર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ખાતે રથયાત્રા પહોંચે છે. આ રથયાત્રામાં લગભગ 15થી 20 હજાર જેટલા ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે. આ વખતે રથયાત્રા 9 વાગ્યે શરુ થશે તેની વીધીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે. આ રથયાત્રાનું વિશેષ મહત્વ એ છે કે, ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના લોકો મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત રથયાત્રા પુર્ણ થયા બાદ અહીં સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
વધુમાં અડાલજ ખાતે આવેલ ભગવાન જગન્નાથની આ વર્ષની રથયાત્રા અંગે જાણકારી આપતા રિટાયર્ડ IAS અને JCARCના ચેરમેન શ્રી મહેશ્વર શાહુ એ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથના મંદિરે જે પણ દર્શન કરવા આવે છે તેમાંથી 90% લોકો મંદિરની આસપાસના ભાવિકો આવે છે , રથયાત્રાનો આ કાર્યક્રમ એક દિવસનો નથી આ કાર્યક્રમ 9 દિવસ સુધી ચાલશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવા જઈ રહ્યાં છે. આ આયોજનમાં 25 હજારથી પણ વધારે લોકો લાભ લેશે જેમાં તમામ ભક્તો માટે અહીં પ્રસાદનો બંદોબસ્ત પણ મંદીર તરફથી કરવામાં આવશે.
તેમના આગમન બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પૂજારી ભગવાનની અગ્યામાળા લઈને મુખ્ય અતિથિને પરંપરાગત છેરા પહરા વિધિ કરવા આમંત્રણ આપશે. આ ધાર્મિક વિધિઓ દરમિયાન JCARC તથા OSCAના વરિષ્ઠ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો માર્ગ શ્રી જગન્નાથ મંદિર, અડાલજથી પ્રારંભ થઈ શનિ મંદિર, ઉવારસદ બ્રિજ, અડાલજ સર્કલ થઈ મા અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચશે. રથના આગમન સમયે શ્રી નરહરિ અમીન તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા મા અન્નપૂર્ણાને ભેટ અર્પણ કરવામાં આવશે અને આરતી યોજાશે. ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરે ભક્તો માટે પ્રસાદ સેવનની વ્યવસ્થા કરવામાં આવશે.
મૌસીમા મંદિર (મા અન્નપૂર્ણા મંદિર) ખાતે આશરે બે કલાકના વિરામ બાદ ભગવાન શ્રી જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને દેવી સુભદ્રાજી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરત ફરશે. રથયાત્રાના સમગ્ર દિવસે શ્રી જગન્નાથ મંદિર ખાતે ભક્તો માટે મહાપ્રસાદ (પ્રસાદ સેવન)ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
== સમાપ્ત ==

