યુપીની ૪૦૩માંથી ૧૮૧ બેઠકની માંગ
દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક; રાહુલ ગાંધીએ સપા સાથે સન્માનજનક બેઠક વહેંચણી પર ભાર મૂક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ નવેમ્બર ૨૦૨૬ — આગામી વર્ષ ૨૦૨૭માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દિલ્હીમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ રણનીતિક બેઠક યોજાઈ હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સમાજવાદી પાર્ટી (સપા) અમારી મહત્વપૂર્ણ સહયોગી પાર્ટી છે અને અખિલેશ યાદવ સાથે બેઠકોની વહેંચણી સન્માનજનક હોવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, યુપી કોંગ્રેસ અધ્યક્ષ આરાધના મિશ્રા, સાંસદ ઈમરાન મસૂદ અને પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સૂત્રો મુજબ, અખિલેશ યાદવ સાથે બેઠકોની વહેંચણી અને ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર મંથન તેમજ સંકલન સાધવા માટે પ્રિયંકા ગાંધી સહિતના આ પાંચ વરિષ્ઠ નેતાઓની એક ખાસ કમિટી રચવામાં આવી છે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હાલ બે મુખ્ય મુદ્દાઓ પર મતભેદ જોવા મળી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, તાજેતરમાં અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે કોંગ્રેસે રાજ્યની ૪૦૩ બેઠકોમાંથી ૧૮૧ બેઠકોની માંગણી કરી છે. આ ઉપરાંત, રાહુલ ગાંધી સાથે સ્વામી પ્રસાદ મૌર્યની મુલાકાત બાદ તેમને ગઠબંધનમાં સામેલ કરવાની કોંગ્રેસની કવાયત સામે પણ અખિલેશ યાદવ અસંમતિ દર્શાવી ચૂક્યા છે. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણી દેશના રાજકારણને નવી દિશા આપશે. રાજ્યની જનતા સામાજિક ન્યાય અને સમાન તક માટે પરિવર્તનની અપેક્ષા રાખી રહી છે અને કોંગ્રેસ ’ૈંદ્ગડ્ઢૈંછ’ ગઠબંધન સાથે મળીને જનતા સમક્ષ એક મજબૂત વિકલ્પ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની ગત બે વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હતું. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં પાર્ટીને ૬.૨૫ ટકા મત સાથે ૭ બેઠકો મળી હતી, જ્યારે વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ ૨.૩૩ ટકા મત સાથે માત્ર ૨ બેઠકો જ જીતી શકી હતી.
