પ્લાસ્ટિક નોટો સરળતાથી ફાટતી નથી
૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ રુપિયાની પ્લાસ્ટિકની નોટ લાવવા માટેની તૈયારીઓ લગભગ પૂરી કરી લેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ જુલાઈ ૨૦૨૬ — આજના સમયમાં આપણે નાનામાં નાના પેમેન્ટથી લઈને મોટી ચૂકવણી માટે પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતાં થયા છે, તેમ છતાં પણ હજી મોટી સંખ્યામાં લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યા છે. તમારા ખિસ્સા કે પાકીટમાં પણ ૧૦, ૨૦, ૧૦૦ કે ૫૦૦ ની નોટો ચોક્કસપણે પડી હશે. પરંતુ આવનારા સમયમાં આ તમામ નોટોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળી શકે છે. ભારતમાં હવે કાગળની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.
પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ :- મળતી વિગતો અનુસાર, RBI ની નોટ છાપનારી કંપની BRBNMPL એ હવે પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ખાસ પોલિમર શીટ ખરીદવાની અધિકૃત પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે કંપનીએ વિશ્વભરની સપ્લાયર કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI – પ્રસ્તાવ) મંગાવ્યા છે. આ પોલિમર શીટની મદદથી ભારતમાં પ્લાસ્ટિકની નોટો બનાવવાની દિશામાં ઝડપથી કામ આગળ વધારવામાં આવશે.
શું છે BRBNMPL? :- BRBNMPL એટલે કે Bhartiya Reserve Bank NOe Mudran Private Limited એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની જ એક સંપૂર્ણ માલિકીની સબસિડીયરી કંપની છે, જે દેશમાં કરન્સી નોટોની પ્રિન્ટિંગ અને છાપકામનું તમામ કામકાજ સંભાળે છે.
નોટોના ઉત્પાદનથી લઈને તેને લગતા તમામ નીતિવિષયક કામો આ જ કંપનીના શિરે છે. હવે જ્યારે આ કંપનીએ પોલિમર શીટ માટે EOI નોટિસ જાહેર કરી દીધી છે, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્લાસ્ટિક કરન્સી લાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે અને આવનારા સમયમાં આપણી જૂની કાગળની નોટોનું લુક સંપૂર્ણપણે બદલાઈ જશે. પ્લાસ્ટિકની નોટોના મુખ્ય ફાયદાઓ :- જો ભવિષ્યમાં સામાન્ય કાગળની નોટોની જગ્યાએ પ્લાસ્ટિક (પોલિમર) નોટો ચલણમાં આવે છે, તો ગ્રાહકો અને સરકાર બંનેને તેનાથી અનેક મોટા ફાયદાઓ થશે.
ફાટી જવાનો ભય નહીં :- અવારનવાર કાગળની નોટો જૂની થતાં કે ખેંચાતા ફાટી જતી હોય છે, પરંતુ પ્લાસ્ટિક નોટો સરળતાથી ફાટતી નથી.
વોટરપ્રૂફ :– ચોમાસામાં વરસાદના કારણે કે પાણીમાં પલળી જવાથી કાગળની નોટ ખરાબ થઈ જતી હોય છે, જ્યારે પ્લાસ્ટિક નોટ પર પાણી કે ભેજની કોઈ નકારાત્મક અસર થતી નથી.
નકલી નોટો પર લગામ :- પોલિમર શીટ પર સિક્યોરિટી ફીચર્સ પ્રિન્ટ કરવા વધુ આસાન હોય છે, જેથી નકલી નોટો બનાવવી અશક્ય બની જશે.

