અમદાવાદમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
પરિવાર ધાર્મિક પ્રસંગે વતન ગયો ત્યારે તસ્કરો રોકડ, સોનાના દાગીના અને લોકરની ચાવી લઈ ફરાર થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ — અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા આનંદનગર ફ્લેટમાં રહેતો પરિવાર વતનમાં ધાર્મિક પ્રસંગમાં ગયો હતો, તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૮.૫૦ લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી કુલ ૧૧.૨૦ લાખ રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા છે. આ અંગે મકાન માલિકે પરત ફરીને જાણ કરતાં આનંદનગર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદનગર ફ્લેટના મકાન નંબર ૨૦૫ (બ્લોક-૩૫)માં રહેતા ઘનશ્યામસિંહ દાયમા ૨૪ ઓક્ટોબરના રોજ બપોરે પરિવાર સાથે વતન સિમેજ ખાતે માતાજીના પ્રસંગમાં ગયા હતા. ૨૫મી ઓક્ટોબરના રોજ સાંજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને કબાટ ખુલ્લો હતો.કબાટમાં તપાસ કરતા નવી ગાડી ખરીદવા માટે મકાન વેચાણ, ખેતી અને બચતના રાખેલા ૮,૫૦,૦૦૦ રૂપિયા રોકડા, આશરે ૩ તોલાની સોનાની લક્કી (કિંમત ૨.૫૦ લાખ રૂપિયા) તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતની સોનાની કાનની શેર ગાયબ હતી. આ ઉપરાંત તસ્કરો એક્સિસ બૅંકના લોકરની ચાવી પણ ચોરી ગયા હતા. આ મામલે ઘનશ્યામસિંહ દાયમાએ આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
