અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની યુવા શાખા યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદ દ્વારા તેની ફ્લેગશિપ પહેલ Yi S.E.N.S.E. (Social Etiquette & Nurturing Social Ethics) અંતર્ગત અમદાવાદની વિવિધ શાળાઓમાં 20થી વધુ સત્રો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા, જેમાં માત્ર એક જ સપ્તાહમાં 11,453 વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.
આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ નાગરિક જવાબદારી, સામાજિક શિસ્ત, સહાનુભૂતિ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, માર્ગ સલામતી, ડિજિટલ શિસ્ત, જાહેર સંપત્તિ પ્રત્યે આદર અને નૈતિક મૂલ્યો જેવા જીવનમૂલ્યો વિકસાવવાનો છે.
ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, વાર્તાઓ, રમૂજી ઉદાહરણો અને ચર્ચાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે રોજિંદા જીવનમાં નાનાં-નાનાં સારા કાર્યો દ્વારા તેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને સાચા અર્થમાં “Everyday Hero” બની શકે છે.
વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવી, પાણી અને વીજળીનો બચાવ કરવો, ટ્રાફિક નિયમોનું પાલન કરવું, જાહેર સ્થળોની સંભાળ રાખવી, ડિજિટલ માધ્યમોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અને રોજિંદા જીવનમાં નૈતિક નિર્ણયો લેવાની પ્રેરણા આપવામાં આવે છે.
આ કાર્યક્રમને શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. શાળાઓએ કાર્યક્રમની રસપ્રદ રજૂઆત અને મૂલ્ય આધારિત શિક્ષણને ખૂબ સરાહ્યું છે.
આ પ્રસંગે Yi અમદાવાદ ટીમે જણાવ્યું: “શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં સફળતા મેળવવાનો નથી, પરંતુ જવાબદાર અને સંવેદનશીલ નાગરિકોનું ઘડતર કરવાનો પણ છે. Yi S.E.N.S.E. દ્વારા અમે દરેક બાળકમાં એવા મૂલ્યો વિકસાવવા માંગીએ છીએ કે જે તેમને જીવનભર એક જવાબદાર ‘Everyday Hero’ તરીકે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરણા આપે.”
યંગ ઇન્ડિયન્સ અમદાવાદ આગામી સમયમાં વધુ શાળાઓ સુધી આ પહેલ પહોંચાડીને મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા જવાબદાર અને સંસ્કારી નાગરિકોના નિર્માણ માટે સતત કાર્યરત રહેશે.
== સમાપ્ત ==

