Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of Indianational

આરબીઆઈના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં ૨.૧૯ અબજ ડૉલર ઘટી

ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી

સોનું વેચ્યું નથી, ભંડારમાં ઉલટો વધારો થયો છેઃ ગવર્નર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ જૂન ૨૦૨૬ — ભારતીય રિઝર્વ બૅંક (RBI)ના સોનાના રિઝર્વ વેલ્યૂમાં ૨ અબજ ડૉલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, ૨૯મી મે, ૨૦૨૬ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સોનાના રિઝર્વ વેલ્યૂમાં ૨.૧૯ અબજ ડૉલરનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

ગોલ્ડ રિઝર્વના વેલ્યૂમાં થયેલા આ મોટા ઘટાડાને પગલે બજારમાં એવી અટકળો શરૂ થઈ હતી કે મધ્યસ્થ બૅંકે સોનું વેચ્યું હશે, પરંતુ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તમામ અટકળોને નકારી કાઢી છે.

અહેવાલો અનુસાર, શુક્રવારે (પાંચમી જૂન) નાણાકીય નીતિની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ’RBIએ સોનું વેચ્યું હોવાના અહેવાલો આધારહીન છે. સેન્ટ્રલ બૅંકનું ગોલ્ડ રિઝર્વ યથાવત્‌ છે, એટલું જ નહીં, તેમાં થોડો વધારો પણ થયો છે.’

રિઝર્વ બૅંકે વિગતવાર સ્પષ્ટતા કરી છે કે સોનાના ભંડારના મૂલ્યમાં આ ઘટાડો સોનાના વેચાણને કારણે નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં થતાં ફેરફાર(વેલ્યુએશન લોસ)ના કારણે થયો છે. સોનાના ભંડારનો હિસાબ યુએસ ડૉલરમાં રાખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના આધારે તેનું સાપ્તાહિક ધોરણે પુનઃમૂલ્યાંકન થાય છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આવતી વધઘટ અને ચલણની હિલચાલને લીધે રિપોર્ટમાં મૂલ્ય ઓછું દેખાઈ શકે છે, ભલે બૅંક પાસે રહેલા સોનાના વાસ્તવિક જથ્થામાં કોઈ ફેરફાર ન થયો હોય.

અગાઉ ’બ્લૂમબર્ગ ઈકોનોમિક્સ’ના એક વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૨મી મેના રોજ પૂરા થયેલા બે અઠવાડિયાના ગાળામાં ભારતે રૂપિયાને ટેકો આપવા અથવા વિદેશી હૂંડિયામણ મજબૂત કરવા આશરે ૧૨ અબજ ડૉલરનું સોનું વેચ્યું હોઈ શકે છે. RBIએ આ વિશ્લેષણને ખોટું ગણાવી ફગાવી દીધું છે અને ઉમેર્યું છે કે ’ભંડારના મૂલ્યની વધઘટને વાસ્તવિક જથ્થાના ઘટાડા સાથે સરખાવવી જોઈએ નહીં. હાલના સોનાનો ભંડાર ૮૮૦.૫૨ ટનના સ્તરે યથાવત્‌ છે.’

સોનાના મૂલ્યમાં ઘટાડો થયો હોવા છતાં, દેશની એકંદર રિઝર્વ સ્થિતિ મજબૂત રહી છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ભારતની ફોરેન કરન્સી એસેટ્‌સ (FCA) (જે વિદેશી હૂંડિયામણનો સૌથી મોટો હિસ્સો છે) તે ૩.૧૨ અબજ ડૉલર વધીને ૫૪૬.૧૫ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ વધારાએ દેશની આર્થિક સ્થિતિને વધુ સ્થિરતા પ્રદાન કરી છે.

Related posts

બ્લેક ફ્રાઈડે : એક જ દિવસમાં સોનામાં ૧૬,૫૦૦નો કડાકો

Master Admin

જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય

Master Admin

અનંત ભાઈ અંબાણીની પરોપકારી તેમના લગ્ન પહેલા ચમકે છે– વંચિતો માટે સમૂહ લગ્નથી લઈને ઉદાર કોમન ભંડારા સુધી!

Reporter1

Leave a Comment

Translate »