Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ક્રૂડ ઓઈલ અંગે ચિંતા વધી, હોર્મુઝ બંધ જ રહેશે

ટ્રમ્પનો પારો સાતમા આસમાને, ઓફર ઠુકરાવી

ઈરાનનો પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લખ્યું, મને આ પસંદ નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૧ મે ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૩%નો ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર હજુ પણ ઠપ્પ જેવી જ છે.

અમેરિકાએ વાટાઘાટો શરૂ કરવા માટે જે ઓફર આપી હતી, તેના જવાબમાં રવિવારે ઈરાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈરાનના આ પ્રસ્તાવમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને લેબનોનમાં, જ્યાં અમેરિકાના સાથી દેશ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે આર્થિક વળતરની માંગ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવાની જીદ કરી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવવી, સંપત્તિઓ અનફ્રીઝ કરવી અને ઈરાની તેલના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કરવો.
ઈરાનનો આ પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, મને આ પસંદ નથી. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે આ અંગે કોઈ વિસ્તૃત વિગતો આપી નથી, પરંતુ અમેરિકાની શરત સ્પષ્ટ છે કે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા યુદ્ધવિરામ કરવો પડશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ કાયદેસર છે. અમે યુદ્ધનો અંત, ચાંચિયાગીરી અને નાકાબંધી રોકવાની માંગ કરી છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે એક ઉદાર ઓફર છે.

આ ડેડલોકને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું તે પહેલા, વિશ્વના કુલ તેલ અને કુદરતી ગેસના પુરવઠાનો પાંચમો ભાગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતો હતો. હાલમાં અહીં ટ્રાફિક નહિવત છે. ગયા અઠવાડિયે માત્ર ત્રણ ટેન્કરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેઓએ ઈરાની હુમલાથી બચવા માટે પોતાના ટ્રેકર્સ બંધ રાખ્યા હતા.

સોમવારે તેલના ભાવમાં ૩% નો વધારો થયો. અમેરિકામાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે, યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ઈરાન પાસેથી સંવર્ધિત યુરેનિયમ હટાવવું અને તેમના પરમાણુ મથકોને તોડી પાડવા એ ઇઝરાયલની પ્રાથમિકતા છે. નેતન્યાહુએ રાજદ્વારી માર્ગની તરફેણ કરી છે, પરંતુ જરૂર પડ્યે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવાની પણ ચીમકી આપી છે.

આવતા બુધવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બેઇજિંગ પહોંચી રહ્યા છે. ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં ઈરાનનો મુદ્દો ટોચ પર હશે. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ઈરાનને નમતું જોખવા મજબૂર કરે. જોકે, ઈરાનને આશા છે કે ચીન અમેરિકાની દાદાગીરી સામે તેમનો પક્ષ લેશે.

રવિવારે યુએઈ (UAE) એ ઈરાન તરફથી આવતા બે ડ્રોન તોડી પાડ્યા હતા. કતાર અને કુવૈતે પણ તેમના હવાઈ ક્ષેત્રમાં શંકાસ્પદ ડ્રોન હુમલાની નિંદા કરી છે. લેબનોનમાં ૧૬ એપ્રિલે થયેલા યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે અથડામણો ચાલુ છે.

નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવે, તો આ સંઘર્ષ લાંબો ખેંચાઈ શકે છે, જેની અસર માત્ર મધ્ય પૂર્વ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ખિસ્સા પર પડશે.

Related posts

મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં, કુવૈત પર ઈરાન તરફથી મિસાઈલ-ડ્રોન એટેક

Master Admin

ટ્રમ્પનો યુ-ટર્નઃ પહેલીવાર વેનેઝુએલાનું જપ્ત કરેલું ઓઈલ ટેન્કર પાછું કરશે

Master Admin

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

Leave a Comment

Translate »