Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ખાડી યુદ્ધથી ભારતમાં ૨૫ લાખ લોકો પર ગરીબીમાં ધકેલાવાનું જોખમઃ UNDP

યુદ્ધને લીધે એશિયા-પેસિફિક પર ૨૯૯ અબજ ડોલરનો બોજ પડશેઃ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા

યુએનડીપીના અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ભારત તેની જરૂરિયાત પૈકીનું ૯૦ ટકા ઓઈલ આયાત કરે છે જે પૈકીનું ૫૦ ટકા ક્રૂડ અને ૯૦ ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સંયુક્ત રાષ્ટ્ર, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં છેલ્લાં દોઢ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલી લડાઈની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર વર્તાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ પ્રમાણે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં કુલ ૮૮ લાખ જ્યારે ભારતમાં ૨૫ લાખથી વધુ લોકો ગરીબીમાં ધકેલાવાનું જોખમ સર્જાયું છે. આ ઉપરાંત તેની અસર માનવ વિકાસની વૃદ્ધિ પર પણ પડશે. રિપોર્ટ અનુસાર, આ યુદ્ધને કારણે એશિયા-પેસિફિક પર ૨૯૯ અબજ ડોલરનો જંગી બોજ આવશે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા તૈયાર કરાયેલાં ‘મધ્યપૂર્વમાં સૈન્ય કાર્યવાહીઃ સમગ્ર એશિયા અને એશિયા પેસિફિકના માનવ વિકાસ પર અસર’ નામના અહેવાલમાં જણાવ્યાં અનુસાર, આ યુદ્ધને કારણે ઈંધણ, નૂર ભાડાં તથા પડતર ખર્ચમાં વધારો થવાને કારણે તથા લોકોની ખરીદશક્તિમાં થનારા ઘટાડાને કારણે એશિયા તથા એશિયા પેસિફિકમાં માનવ વિકાસ પર દબાણ સર્જાશે. અહેવાલ અનુસાર, સૈન્ય સંઘર્ષ અને તેની અસરોને કારણે ભારતમાં ગરીબીમાં મોટો વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. ભારતમાં ગરીબોની સંખ્યા ૪ લાખથી વધીને ૨૫ લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ સંઘર્ષના પરિણામે ગરીબીમાં ધકેલાનારા લોકોની સંખ્યા ૧૯ લાખથી વધીને આશરે ૮૮ લાખ થવાનો અંદાજ છે, જેમાં દક્ષિણ એશિયાનો હિસ્સો સૌથી મોટો રહેશે. દક્ષિણ એશિયામાં ૧૭ લાખથી ૮૦ લાખ લોકો ગરીબીનો ભોગ બની શકે છે. અહેવાલમાં વધુમાં જણાવ્યાં અનુસાર, સૈન્ય સંઘર્ષને પરિણામે, ભારતમાં ગરીબીનો દર ૨૩.૯ ટકાથી વધીને ૨૪.૨ ટકા થવાનો અંદાજ છે, જેના કારણે અંદાજે ૨૪,૨૪,૬૯૮ લોકો ગરીબીમાં ધકેલાશે.આ કટોકટી પૂર્વે દેશમાં ૩૫,૧૫,૬૯,૦૦૦ લોકો ગરીબીમાં જીવતા હતા, જે આંકડો વધીને ૩૫,૪૦,૩૩,૬૯૮ થવાની શક્યતા છે. બીજી તરફ, ચીનમાં આ અસર મધ્યમ રહેશે, જ્યાં ગરીબીનું જોખમ ધરાવતા લોકોની સંખ્યા ૧,૧૫,૦૦૦થી વધીને ૬,૨૦,૦૦૦ થવાનો અંદાજ છે, જે તેની વિશાળ વસ્તીના પ્રમાણમાં નાનો ફેરફાર ગણાય છે.યુએનડીપીના અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ભારત તેની જરૂરિયાત પૈકીનું ૯૦ ટકા ઓઈલ આયાત કરે છે. જે પૈકીનું ૫૦ ટકા ક્રૂડ અને ૯૦ ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. આ ઉપરાંત ભારતની ફર્ટિલાઈઝરની કુલ આયાત પૈકીની ૪૫ ટકા જરૂરિયાત પણ પશ્ચિમ એશિયન દેશોમાંથી કરાતી આયાતમાંથી સંતોષાય છે. ખેતી માટે જરૂરી યુરિયાના સ્થાનિક ઉત્પાદનનો ૮૫ ટકા હિસ્સો આયાતી રિગેસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસ (આરએલએનજી) પર નિર્ભર છે.

Related posts

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ

Master Admin

ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે ખરીદ કિંમતમાં કર્યો વધારો

Master Admin

દિલ્હીમાં મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ, ISIના ૯ એજન્ટની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »