તંત્રીની કલમે….
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અમુક ક્ષણો એવી આવે છે જે આવનારી સદીઓનો માર્ગ પ્રશસ્ત કરે છે અને ૨૦૨૩માં સંસદના બંને ગૃહોમાં પસાર થયેલો ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ ખરેખર એવી જ એક યુગપ્રવર્તક ઘટના સાબિત થઈ રહ્યો છે. આ માત્ર કોઈ સામાન્ય કાયદાકીય સુધારો નથી, પરંતુ ભારતના રાજકીય ફલક પર દેશની અડધી આબાદીને તેમનો વાસ્તવિક હક અને સન્માન અપાવવા માટેની એક અતૂટ મજબૂત પ્રતિબદ્ધતા છે. દાયકાઓથી ફાઈલોમાં અટવાયેલા અને અનેક સરકારોની મજબૂરીઓ વચ્ચે પેન્ડિંગ રહેલા આ મહિલા અનામત બિલનું આખરે કાયદામાં રૂપાંતર થવું એ ભારતીય નારીના સશક્તિકરણની દિશામાં એક વિરાટ છલાંગ સમાન છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરતો આ ૧૨૮મો બંધારણીય સુધારો લોકશાહીના પાયાને વધુ મજબૂત, ગતિશીલ અને સર્વસમાવેશી બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.
જોકે આ કાયદો પસાર થઈ ચૂક્યો છે, પરંતુ તેના પૂર્ણ અમલીકરણ માટે જનગણના અને સીમાંકનની પ્રક્રિયા જેવી ટેકનિકલ અનિવાર્યતાઓ પૂરી કરવાની બાકી છે, જેના કારણે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી ભારત માટે ખરા અર્થમાં એક ઐતિહાસિક વળાંક બની રહેશે. જ્યારે દેશની સંસદના ૩૩ ટકા સ્થાનો પર મહિલાઓ બિરાજમાન હશે, ત્યારે ભારતની નીતિ-નિર્માણ પ્રક્રિયામાં એક એવું આમૂલ પરિવર્તન આવશે જેની અત્યાર સુધી માત્ર કલ્પના જ કરવામાં આવતી હતી. અત્યાર સુધી જે નિર્ણયો મોટાભાગે પુરુષપ્રધાન માનસિકતા અને દ્રષ્ટિકોણથી લેવાતા હતા, તેમાં હવે મહિલાઓની કુદરતી સંવેદનશીલતા, ગહન કોઠાસૂઝ અને વ્યાવહારિક અભિગમનો સંગમ થશે. ૨૦૨૯માં જ્યારે ૧૮૦થી વધુ મહિલા સાંસદો લોકસભાના સદનમાં ગુંજશે, ત્યારે સ્ત્રી-પુરુષ સમાનતાનું સપનું કાગળ પરથી ઉતરીને વાસ્તવિક જીવનમાં સાકાર થતું જણાશે.
રાજકારણને દાયકાઓથી એક કઠિન અને માત્ર પુરુષોના વર્ચસ્વવાળા ક્ષેત્ર તરીકે જોવામાં આવતું હતું, જ્યાં મહિલાઓને ઘણીવાર માત્ર પ્રતીકાત્મક રીતે અથવા તો રાજકીય પરિવારવાદના સહારે જ ટિકિટો ફાળવવામાં આવતી હતી. પરંતુ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આ વર્ષો જૂની જડ પ્રથાને મૂળમાંથી તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ કાયદાની ફરજિયાત જોગવાઈઓને કારણે હવે દરેક રાજકીય પક્ષોએ લિંગ ભેદભાવ છોડીને ફરજિયાતપણે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જ પડશે. આ ક્રાંતિકારી ફેરફારથી છેવાડાના વિસ્તારોમાં અને ગ્રાસરૂટ લેવલ પર નિષ્ઠાપૂર્વક કામ કરતી મહિલા કાર્યકરોને પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવવાની સુવર્ણ તક સાંપડશે. જે રીતે વર્ષો પહેલા પંચાયતી રાજમાં મહિલા અનામત આવવાથી લાખો મહિલા સરપંચો તૈયાર થઈ અને ગ્રામીણ વિકાસની ધુરા સંભાળી, તેવી જ રીતે હવે સંસદ અને વિધાનસભામાં પણ મહિલા નેતૃત્વનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે.
જ્યારે મહિલાઓ પાસે કાયદા ઘડવાની અને દેશ ચલાવવાની વાસ્તવિક સત્તા આવશે, ત્યારે મહિલા સુરક્ષા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને સ્ત્રીઓના આર્થિક સ્વાતંત્ર્ય જેવા પાયાના વિષયો રાષ્ટ્રીય એજન્ડામાં અગ્રક્રમે આવશે. આ અધિનિયમ સમગ્ર સમાજને એક સ્પષ્ટ અને મક્કમ સંદેશ આપે છે કે દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો માત્ર ઘરકામ કે પૂરક ભૂમિકા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેઓ આખા રાષ્ટ્રનું નેતૃત્વ અને સંચાલન કરવા માટે પણ એટલી જ સક્ષમ અને પ્રબળ છે. જોકે, આ સફળતાના માર્ગમાં અમુક પડકારો પણ રહેલા છે, જેમ કે મહિલાઓના નામે તેમના પરિવારના પુરુષ સભ્યો સત્તા ચલાવે તેવી ’સરપંચ પતિ’ જેવી કુપ્રથાઓ રાષ્ટ્રીય સ્તરે ન પ્રવેશે તે જોવાની જવાબદારી સમાજ અને તંત્ર બંનેની રહેશે.
આમ નારી શક્તિ વંદન અધિનિયમ’ એ માત્ર કાયદો નથી પણ એક સામાજિક ક્રાંતિની મશાલ છે જે વિકસિત ભારતના નિર્માણનો પથ ઉજાળશે. ૨૦૨૯નો સમયગાળો ભારતની લોકશાહીને વિશ્વ સમક્ષ વધુ તેજસ્વી, ન્યાયી અને સંતુલિત દેશ તરીકે રજૂ કરશે. આ કાયદો કરોડો દીકરીઓ માટેની એક નવી આશા છે કે તેઓ પણ ભવિષ્યમાં આ દેશની ભાગ્યવિધાતા બની શકે છે. હવે સમય પાકી ગયો છે કે આપણે સૌ પૂર્વગ્રહો ત્યાગીને મહિલા નેતૃત્વનો સહર્ષ સ્વીકાર કરીએ, કારણ કે સાચા અર્થમાં સશક્ત અને સમૃદ્ધ ભારત ત્યારે જ બનશે જ્યારે તેની અડધી વસ્તી પાસે ગૌરવપૂર્ણ સત્તા અને સમાન સન્માન હશે.
નરેન્દ્ર જોષી

