તંત્રીની કલમે….
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ૪ મે, ૨૦૨૬નો દિવસ સત્તાના પરિવર્તન કરતાં વધુ એક રાજકીય સંસ્કૃતિના અંત અને નવી આશાઓના ઉદય તરીકે ઓળખાશે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી અજેય મનાતા મમતા બેનર્જીના ગઢને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ધરાશાયી કર્યો છે, તે ભારતીય રાજનીતિની સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. પશ્ચિમ બંગાળની સાથે પુડુચેરી અને અસમમાં પણ ભગવો લહેરાવીને ભાજપે સાબિત કરી દીધું છે કે તેની સ્વીકૃતિ હવે ભૌગોલિક સીમાઓ ઓળંગીને દેશના ખૂણેખૂણે વિસ્તરી ચૂકી છે. આ વિજય માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ એક ઊંડા વૈચારિક સંઘર્ષ અને જનતાની અપેક્ષાઓનું પરિણામ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની આ ઐતિહાસિક સફળતા પાછળ અનેક પરિબળો કામ કરી ગયા છે, પરંતુ તેમાં સૌથી મોટું કારણ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ છે. આર.જી. કર હોસ્પિટલની ઘટનાએ માત્ર બંગાળ જ નહીં, પણ આખા દેશના અંતરાત્માને હચમચાવી દીધો હતો. વર્ષોથી ‘મા, માટી અને માનુષ’નો નારો આપનાર તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં જ્યારે દીકરીઓ જ અસુરક્ષિતતા અનુભવવા લાગી, ત્યારે પરિવર્તન નિશ્ચિત બની ગયું હતું. મમતા બેનર્જીની જે મહિલા વોટબેંક તેમની સૌથી મોટી શક્તિ હતી, તે જ આ વખતે તેમની સૌથી મોટી નબળાઈ સાબિત થઈ. બંગાળની મહિલાઓએ ન્યાય અને સુરક્ષાના મુદ્દે ભાજપના ‘સુશાસન’ના મોડેલ પર પસંદગીની મહોર મારી છે.
રાજકીય વિશ્લેષણની દૃષ્ટિએ જોઈએ તો, ભાજપે આ ચૂંટણીમાં હિન્દુ મતોના ધ્રુવીકરણની સાથે સામાજિક ઈજનેરી નો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો હતો. મલુઆ, રાજબંશી અને આદિવાસી સમુદાયો જે અત્યાર સુધી ડાબેરી કે ટીએમસી સાથે હતા, તેમને ભાજપે પોતાની વિચારધારા સાથે જોડવામાં સફળતા મેળવી. કેન્દ્રીય નેતૃત્વએ જે રીતે પાયાના સ્તરે બૂથ મેનેજમેન્ટ કર્યું અને શુવેન્દુ અધિકારી જેવા મજબૂત સ્થાનિક ચહેરાઓને આગળ કર્યા, તેનાથી ટીએમસીના સંગઠનમાં ગાબડાં પડ્યાં. બીજી તરફ, વિરોધ પક્ષોનો અતિ-આત્મવિશ્વાસ તેમને નડ્યો છે. ટીએમસીને એવું હતું કે તેમની લોકકલ્યાણની યોજનાઓ ભ્રષ્ટાચાર અને હિંસાના ડાઘા ધોઈ નાખશે, પરંતુ મતદારોએ સાબિત કરી દીધું કે વિકાસ અને સુરક્ષા વિના માત્ર ‘રેવડી કલ્ચર’ લાંબુ ટકતું નથી.
વિપક્ષની સૌથી મોટી ભૂલ એ રહી કે તેઓ ભાજપના આક્રમક પ્રચારનો સામનો કરવા માટે કોઈ સચોટ વૈકલ્પિક એજન્ડા આપી શક્યા નહીં. ઈન્ડિયા (ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ.) ગઠબંધનમાં રહેલી આંતરિક ખટપટ અને પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ તથા કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ જવું ભાજપ માટે આશીર્વાદરૂપ બન્યું. મુસ્લિમ મતોમાં પણ આ વખતે વિભાજન જોવા મળ્યું, જેનો સીધો ફાયદો ભાજપને થયો. ભાજપે બંગાળની અસ્મિતા અને રાષ્ટ્રવાદને એક તાંતણે બાંધીને મતદારોને એક નવો વિકલ્પ આપ્યો, જેની સામે વિપક્ષ પાસે કોઈ નેતા કે નીતિ સ્પષ્ટ નહોતી.
પુડુચેરી અને અસમમાં ભાજપની જીત એ વાતની સાબિતી છે કે જ્યાં વિકાસ પહોંચ્યો છે ત્યાં જનતાએ સત્તા જાળવી રાખવામાં સંકોચ કર્યો નથી. અસમમાં હિમંત બિસ્વા સરમાએ જે રીતે રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી પારદર્શિતાનો સમન્વય કર્યો છે, તે ઉત્તર-પૂર્વના રાજ્યો માટે એક આદર્શ બન્યો છે. પુડુચેરીમાં એનડીએનો વિજય દક્ષિણ ભારતમાં ભાજપના વધતા પ્રભાવનો સંકેત છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે મતદાર હવે જ્ઞાતિ કે ધર્મના સમીકરણોથી ઉપર ઉઠીને ‘પરફોર્મન્સ’ જોઈ રહ્યો છે.
આ ચૂંટણીમાં ભાજપ માટે પ્લસ પોઈન્ટ એ રહ્યો કે તેની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું મજબૂત નેતૃત્વ અને અમિત શાહ જેવી રણનીતિક ચતુરતા હતી. ‘વિકસિત ભારત’નો સંકલ્પ અને દરેક વર્ગને સ્પર્શતી કેન્દ્રીય યોજનાઓએ જનતાના મનમાં વિશ્વાસ પેદા કર્યો કે ડબલ એન્જિનની સરકાર જ બંગાળને હિંસાના કાદવમાંથી બહાર કાઢી શકશે. બંગાળમાં જે રીતે સિન્ડિકેટ રાજ અને તોલાબાજીનો ત્રાસ હતો, તેની સામે ભાજપે ભયમુક્ત શાસનનું વચન આપ્યું હતું, જે જનતાના ગળે ઉતર્યું છે.
અંતમાં કહી શકાય કે ૨૦૨૬ની આ વિધાનસભા ચૂંટણીઓ ભારતીય રાજનીતિના નવા અધ્યાયની શરૂઆત છે. પશ્ચિમ બંગાળમાં વિજય એ માત્ર એક રાજ્યની જીત નથી, પરંતુ એક વિચારધારાની જીત છે જે રાષ્ટ્રીય એકતા અને સુશાસનને પ્રાધાન્ય આપે છે. વિરોધ પક્ષો માટે આ પરિણામો એક લાલબત્તી સમાન છે; જો તેઓ સમય સાથે પોતાની રણનીતિ નહીં બદલે અને જનતાના પાયાના પ્રશ્નોને અવગણશે, તો લોકશાહીમાં તેમની પ્રસ્તુતતા જોખમમાં આવી શકે છે. ભાજપ માટે આ જીત નવી જવાબદારીઓ લાવશે, કારણ કે હવે તેણે બંગાળની જનતાને આપેલા ‘સોનાર બાંગ્લા’ના વચનને સાકાર કરવાનું છે. બંગાળના આ પરિવર્તનનો પડઘો આવનારા વર્ષોમાં સમગ્ર દેશની રાજનીતિમાં સંભળાતો રહેશે.
નરેન્દ્ર જોષી


1 comment
https://shorturl.fm/S6Wzo