Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

પોલીસ ધાનેરાથી અમદાવાદ સુધી દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરે છે

ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ

ભાજપ ધમકી આપે છે કે, મત નહીં તો ગ્રાન્ટ નહીં મળે, તેમની આ વાતો લોકશાહી અને બંધારણની વિરુદ્ધમાં છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા, તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બે જ દિવસની વાર છે ત્યારે તમામ પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ભાજપ પર મોટા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઘણાં ગામોમાંથી વાત મળી છે કે, ભાજપ ધમકી આપે છે કે, મત નહીં તો ગ્રાન્ટ નહીં મળે. તેમની આ વાતો લોકશાહી અને બંધારણની વિરુદ્ધમાં છે.

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, “ઘણાં ગામોમાંથી જાણવા મળ્યું છે કે, તમે ભાજપને વોટ નહીં આપો તો અમે વિકાસના કામો નહીં આપીએ, ગ્રાન્ટ નહીં આપીએ. આ લોકો જે વાત કરી રહ્યા છે તે બંધારણ અને લોકશાહીની વિરુદ્ધમાં વાત કરી રહ્યા છે. આ લોકો ધમકીની ભાષામાં વાત કરી રહ્યા છે. શાસન કોઈનું પણ હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય, લોકોની મહેરબાનીથી, લોકોના પરસેવાની કમાણી, ટેક્સના પૈસાથી વિવિધ બજેટ બનતું હોય છે અને યોજનાઓ બનતી હોય છે.”

આ સાથે તેમણે ગુજરાત પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, “રાજસ્થાન લાગુ બોર્ડરમાં રોજની હજારો ગાડીઓમાં દારૂ ગુજરાતમાં ઠલવાય છે. પોલીસ બુટલેગરોને મદદ કરે છે અને એમની પાસેથી કરોડો રૂપિયાના હપ્તા લેવામાં આવે છે. જેનાથી અમારા વિસ્તાર અને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.

ગેનીબેને વધુમાં જણાવ્યું છે કે, બોર્ડર વિસ્તારમાં પોલીસને ટાર્ગેટ આપવામાં આવે છે કે, તમારે આટલો દારૂ વેચવો જ પડશે. પોલીસ દારૂ માટે વોટ્‌સએપ ગ્રુપ પણ ચલાવે છે. પોલીસના વોટ્‌સએપ ગ્રુપ દારૂની લાઈનો માટે ચાલે છે, દારૂની ગાડીઓ કેટલે પહોંચી, આ ગાડીઓ કોઈએ રોકી તો નથી ને, બધા પર વોચ રાખે છે. પોલીસે ધાનેરાના બોર્ડરથી નીકળીને અમદાવાદ સુધી વોચ ગોઠવી હોય છે. જેમ રાજા મહારાજાના વરઘોડા નીકળે તેમ દારૂની ગાડીઓ નીકળે અને પોલીસ તેનું પાઇલોટિંગ કરે છે. ગરીબ માણસ ફરિયાદ કરવા જાય તો પોલીસને ટાઈમ નથી પણ બુટલેગરોની ગાડીઓ માટે પોલીસને ટાઈમ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, દારૂ વેચવાવાળા ચેલેન્જ મારીને કહે છે કે, અમને કોઈ કંઈ કહેવાનું નથી અમે હપ્તા આપીએ છીએ. તમારે જેટલી અમારી વિરોધ ફરિયાદ કરવી હોય તેટલી કરજો. બુટલેગરો પાસેથી કરોડોના હપ્તા લેવામાં આવે છે.”

બે દિવસ પહેલા પણ ગેનીબેન ઠાકોરે સુરેન્દ્રનગરની સભામાં અનેક આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે છતાં હજુ સુધી તેને લાગુ કરવામાં આવ્યું નથી. ચૂંટણી સમયે જ મત લેવા માટે સરકારને આ બિલ યાદ આવી રહ્યું છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ગેનીબેન ઠાકોરને સમર્થન જાહેર કર્યું હતું.

Related posts

મેકર ભવન ફાઉન્ડેશન™ દ્વારા IIT ગાંધીનગરના સહયોગથી InventXની 7મી આવૃત્તિ પૂર્ણ

Reporter1

નકુલ શેરદલાલને ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 યાદીમાં સ્થાન મળ્યું

Master Admin

અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ

Master Admin

1 comment

Willow4559 April 25, 2026 at 5:45 am Reply

Leave a Comment

Translate »