Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

બૂટલેગરો બેફામઃ રાજ્યની સરહદ ઉપરથી બે વર્ષમાં ૪૨.૨૨ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદમાં ૧૭,૩૧૧ અને વડોદરામાં ૧૫,૧૫૪ લોકો સામે વગર પરમીટે દારૂનું સેવન કરવા બદલ કેસ કરવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૦ માર્ચ ૨૦૨૬ — બૂટલેગરો બેફામ હોય તેમ રાજ્યની મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર જંગી જથ્થામાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ૪૨.૨૨ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર આ સરહદો પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં સંડોવાયેલા કુલ ૧૦૧૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી કેટલી કિંમતનો વિદેશી દારૂ અને બિયર પકડવામાં આવ્યો તે અંગેની જાણકારી માગતો સવાલ પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે પકડાયેલા વિદેશી દારૂની કિંમત ૩૮.૮૯ કરોડ અને બિયરની કિંમત ૩.૩૩ કરોડ રૂપિયા થવા જાય છે. કુલ ૧૦,૪૯,૮૫૫ વિદેશી દારૂની બોટલ અને ૧,૫૯,૨૬૫ બિયરની બોટલનો જથ્થો જપ્ત કરાયો છે. આ ગેરકાયદે કૃત્ય બદલ હજુ સુધી ૧૪૧ આરોપીઓને પકડવાના બાકી છે. જેમની ધરપકડ માટે વિવિધ ટીમની રચના કરાઇ છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા અમદાવાદ અને વડોદરામાં વગર પરમીટે દારૂ પીતા કેટલા લોકો સામે છેલ્લા બે વર્ષમાં કેસ કરાયા તે અંગે માહિતી માગવામાં આવી હતી. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૧૭,૩૧૧ અને વડોદરામાં ૧૫,૧૫૪ લોકો સામે વગર પરમીટે દારૂનું સેવન કરવા બદલ કેસ કરવામાં આવ્યા હતા. આપના ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને સુરત શહેરમાં પોલીસ સ્ટેશન સંકુલના સીસીટીવી ફૂટેજ માટે મળેલી અરજીઓ અંગે માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ ૧૪૮ અને સુરતમાં ૮૪ અરજી મળી હતી. તેમાંથી કેમેરા બંધ હોવાના કે ટેકનિકલ ખામીના કારણે અમદાવાદમાં ૧૨ અને સુરતમાં ૧૯ અરજીમાં ફૂટેજ અપાયા ન હતા.

 

Related posts

અમદાવાદમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોનું નુકસાન થશે?

Master Admin

યુથ એમ્બેસેડર વિદિત શર્માએ B.J. મેડિકલ કોલેજ ખાતે “No to Drugs | No to Suicide” સંદેશ સાથે માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાનને નવી દિશા આપી

Master Admin

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી

Master Admin

Leave a Comment

Translate »