Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં

જાનથી મારવાની ધમકી મળી

દુકાનદારનો દાવો છે કે પાછલા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી રોજ તેને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૨ મે ૨૦૨૬ –– પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા દુકાનદાર વિક્રમ સાહૂ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન PM મોદીએ ઝારગ્રામમાં એક નાનકડી દુકાન પર ઝાલમુરી આરોગી હતી, અને દુકાનદાર સાથે વાતચીત કરી તેના વખાણ પણ કર્યા. હવે આ દુકાનદારને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા દુકાનદાર વિક્રમ સાહૂને જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઈ રહી છે, દુકાનદારનો દાવો છે કે પાછલા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી રોજ તેને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે. વિક્રમ સાહૂનું કહેવું છે કે, મને પાકિસ્તાનથી ફોન અને વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે, અને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ફોન કોલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે મને વીડિયો કોલ કરી ડરાવવા માટે ભયાનક ઈશારાઓની સાથે સાથે હથિયારો પણ બતાવવામાં આવી રહ્યા છે. ધમકી આપનારાઓએ એ પણ કહ્યુ છે કે તારે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. વિક્રમે જણાવ્યુ કે તેમણે કેટલાય કોલ નથી ઉપાડ્યા, પરંતુ સતત ફોન કોલ્સથી પરેશાન પણ થઈ રહ્યા છે. કારણ કે ફોન પર તેમને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઈ રહી છે, અને પુછવામાં આવી રહ્યુ છે કે તમે જીવતા છો કે મરી ગયા છો?

વડાપ્રધાન મોદીને ઝાલમુરી ખવડાવનારા વિક્રમ સાહૂ રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. વિક્રમ સાહૂ અને PM મોદી વચ્ચે થયેલી વાતચીત સમગ્ર દેશમાં બંગાળની ચૂંટણી દરમિયાન ચર્ચાનો વિષય બની હતી. જોકે રાતોરાત મળેલી પ્રસિદ્ધી હવે વિક્રમ સાહૂ માટે મુસીબત ઉભી કરી રહી છે. દુકાનદાર વિક્રમ સાહૂનું કહેવું છે કે ધમકીભર્યા કોલને લઈને તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે, કારણ કે તેમને ડર છે કે તેમને કોલ કરનારા કોઈપણ પ્રકારનું ષડયંત્ર રચી શકે છે. વિક્રમે જણાવ્યુ કે મને વોટ્‌સએપ પર પણ મેસેજ મળ્યા છે, જેમાં લખવામાં આવ્યુ છે કે તને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવશે. ધમકી આપનારાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના વીડિઓને લઈને કોઈ ધમકી નથી આપી, પરંતુ આ ધમકીઓ ત્યારથી શરૂ થઈ છે, જ્યારથી PM મોદીએ તેમની દુકાન પર ઝાલમુરીનો સ્વાદ ચાખ્યો હતો. વિક્રમે જણાવ્યું કે ફોન કરનારાઓ પહેલા ધાર્મિક અભિવાદન કરે છે, ત્યારબાદ તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપે છે. જેના કારણે તે અને તેમનો પરિવાર આંતરરાષ્ટ્રીય નંબરોથી આવતા ફોનકોલ્સથી ડરેલો છે. જોકે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સાહૂને મળી રહેલી ધમકીઓને લઈને તપાસ શરૂ કરી છે.

Related posts

પાંચ વર્ષમાં વિદેશમાં રોજ ૨૦ ભારતીય કામદારોનાં મોત થયાં છે

Master Admin

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’

Master Admin

ગુજરાત સહિત દેશભરમાં ચાલતી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »