તંત્રીની કલમે….
ભારતીય લોકશાહી એ વિશ્વનું સૌથી મોટું અને જટિલ રાજકીય તંત્ર છે, જ્યાં સત્તાનું હસ્તાંતરણ બેલેટ પેપર અથવા ઇવીએમ દ્વારા મતદારોના અંગૂઠાના નિશાનથી નક્કી થાય છે. આ આખી પ્રક્રિયામાં જે સંસ્થા સૌથી મહત્વની અને કેન્દ્રસ્થાને છે, તે ‘ભારતીય ચૂંટણી પંચ’ છે. બંધારણના રક્ષક તરીકે ચૂંટણી પંચની ભૂમિકા માત્ર ચૂંટણી કરાવવા પૂરતી સીમિત નથી, પરંતુ દેશના દરેક નાગરિકના મતાધિકારની રક્ષા કરવી એ તેની પ્રાથમિક અને નૈતિક જવાબદારી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ, ખાસ કરીને મતદાર યાદીઓની શુદ્ધતા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે દેશભરમાં એક ગંભીર અને તાર્કિક વિવાદ ઊભો થયો છે, જે લોકશાહીની તંદુરસ્તી માટે ચિંતાનો વિષય છે.
મતદાર યાદી એ લોકશાહીનો પાયાનો દસ્તાવેજ છે. જો આ યાદી જ ખામીયુસ્ત હોય, તો ચૂંટણીના પરિણામો પણ પ્રશ્નાર્થ બની જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામ યાદીમાંથી અચાનક ગાયબ થઈ જાય છે, જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિઓ કે જેમના સ્થળાંતરને વર્ષો થઈ ગયા છે, તેમના નામ યાદીમાં કાયમ રહે છે. આ ભૂલભરેલી યાદીઓના કારણે સાચા મતદારો મતદાન કરવાથી વંચિત રહી જાય છે, જે એક ગંભીર અન્યાય છે. આ સમસ્યા પાછળ વહીવટી તંત્રની બેદરકારી છે કે કોઈ ચોક્કસ ઇરાદો, તે તપાસનો વિષય છે. પારદર્શિતાનો અભાવ ત્યારે જ વર્તાય છે જ્યારે મતદાર યાદીના પુનરાવર્તન કે સુધારણાની પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે પક્ષપાત થતો હોય. ચૂંટણી પંચે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે, છતાં આંકડાકીય વિસંગતતાઓ દૂર થવાનું નામ લેતી નથી.
પારદર્શિતાનો બીજો મોટો મુદ્દો ઇવીએમ અને વીવીપેટ મશીનોને લઈને છે. રાજકીય પક્ષો જ્યારે હારે છે ત્યારે હંમેશા મશીનો પર શંકા વ્યક્ત કરે છે, પરંતુ આ માત્ર રાજકીય દૂષણ નથી. નાગરિક સમાજ દ્વારા જ્યારે પણ વીવીપેટની સ્લિપનું ૧૦૦ ટકા મેળાપણું કરવાની માંગ કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવતી રક્ષણાત્મક અને ક્યારેક તર્કહીન દલીલો સામાન્ય મતદારના મનમાં શંકાના બીજ વાવે છે. પારદર્શિતા એટલે માત્ર પ્રક્રિયાને જટિલ બનાવી દેવી નહીં, પરંતુ પ્રક્રિયા એટલી સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ કે જેનું પરિણામ અસ્પષ્ટ ન રહે. જ્યારે સત્તાધારી પક્ષોના ઈશારે સંસ્થાઓ કામ કરતી હોય તેવો આભાસ થાય, ત્યારે ચૂંટણી પંચે પોતાની સ્વાયત્તતા સાબિત કરવા માટે બમણી મહેનત કરવી પડે છે.
ચૂંટણી પંચ માત્ર એક સરકારી વિભાગ નથી, પરંતુ તે દેશના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. જો આ પ્રતીક પર જ ડાઘ લાગે, તો સમગ્ર લોકશાહીની ઈમારત ડગમગી શકે છે. હાલમાં જ્યારે સોશિયલ મીડિયાના યુગમાં ભ્રામક માહિતી ખૂબ જ ઝડપથી ફેલાય છે, ત્યારે ચૂંટણી પંચની જવાબદારી વધી જાય છે કે તે દરેક આક્ષેપનો જવાબ હકીકતો અને ડેટા સાથે આપે. વિવાદોને દબાવવાને બદલે તેનું નિરાકરણ લાવવું એ જ સાચી લોકશાહી છે. મતદાર યાદીઓની ભૂલો સુધારવી, સ્થાનિક સ્તરે થતી ગેરરીતિઓ પર અંકુશ રાખવો અને ચૂંટણી પંચની નિયુક્તિ પ્રક્રિયામાં રહેલી પારદર્શિતા અંગેના પ્રશ્નોનું સમાધાન કરવું, આ સમયની માંગ છે.
અંતમાં, ભારતીય લોકશાહીની ભવ્યતા ત્યારે જ ટકી રહેશે જ્યારે દરેક મતદારને એવું લાગે કે તેનો મત સુરક્ષિત છે અને તેની ગણતરી કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર થઈ રહી છે. ચૂંટણી પંચે પોતાની કાર્યશૈલીમાં લોકભાગીદારી વધારવી જોઈએ. યાદી સુધારણાની પ્રક્રિયામાં સ્થાનિક નાગરિકો અને બિન-રાજકીય સંસ્થાઓને સામેલ કરવાથી વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ શકે છે. યાદ રાખવું ઘટે કે સત્તા બદલાતી રહે છે, પરંતુ બંધારણીય સંસ્થાઓની ગરિમા અકબંધ રહેવી જોઈએ. ચૂંટણી પંચ જો પોતાની કામગીરીમાં સૂર્ય જેવી સ્પષ્ટતા લાવશે, તો જ વિવાદોના વાદળો દૂર થશે અને લોકશાહીનો આ મહાયજ્ઞ વધુ પવિત્ર અને અર્થપૂર્ણ બની રહેશે. આજના સમયમાં ચૂંટણી પંચના ખભા પર માત્ર ચૂંટણી કરાવવાની નહીં, પણ દેશના કરોડો લોકોનો ભરોસો ટકાવી રાખવાની સૌથી મોટી જવાબદારી છે.
નરેન્દ્ર જોષી

