Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ

ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયાં

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. એક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા.મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંદાજે ૫ઃ૩૦ વાગ્યે નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ લીકેજ અંગેનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાયેલો હતો અને કોઈ કારણોસર તણખલો કે આગ મળતા આ મોટો ધડાકો થયો હતો.બ્લાસ્ટ સમયે મકાનમાં હાજર ૩૫ વર્ષીય રાજુભાઈ, ૪૫ વર્ષીય હીરાભાઈ, ૪૬ વર્ષીય મણિલાલ, ૫૦ વર્ષીય સોહનભાઈ અને અન્ય એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાનનો સામાન અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના છત અને દીવાલોના પોપડા ઉખડી ગયા હતા. આસપાસ રહેતા લોકોમાં પણ ફાળ પડી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Related posts

જ્યારે સિનેમા ભારતની ભાવના સાથે મળે છે

Master Admin

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બોડી બિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા તેમજ પ્રો કાર્ડ હાંસલ કર્યું

Master Admin

બોલીવુડ, આફ્રો હાઉસ અને ટેક્નો હોળીના નવા અવાજને વ્યાખ્યાયિત કરે છે : DJ યશ

Master Admin

Leave a Comment

Translate »