Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઝેરી દૂધ પીવાથી ૧૬ લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર

પૂર્વ ગોદાવરી જિલ્લામાં દૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ઝેર ભળતાં સર્જાઈ મોટી દુર્ઘટના : ૨૦ લોકો હોસ્પિટલમાં દાખલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરાવતી, તા.૨૨ માર્ચ ૨૦૨૬ — આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ભેળસેળવાળું દૂધ પીવાને કારણે ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ વચ્ચે સ્થાનિક ડેરીમાંથી આવતું આ ઝેરી દૂધ પીધા પછી લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ખતરનાક ઝેરી કેમિકલ ભળેલું હતું, જેનાથી લોકોની કિડની ફેલ થઈ ગઈ અને ધીમે ધીમે શરીરના અન્ય અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું. કુલ ૨૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૬ લોકોનાં મોત નિપજ્યા છે, ૧ વ્યક્તિ સાજો થઈને ઘરે પરત ફર્યો છે, જ્યારે ૩ લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં થઈ હતી. પૂર્વ ગોદાવરી જિલ્લાના લાલચેરુવુ, ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગર વિસ્તારના લોકો અચાનક બીમાર પડવા લાગ્યા. લોકોએ જેવું દૂધ પીધું કે તરત જ તેમને ઉલટી થવા લાગી, પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને પેશાબ બંધ થઈ જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ. આ લક્ષણો જોતા જ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા. ૨૨ ફેબ્રુઆરીના રોજ જ્યારે ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગરમાંથી કિડની ફેલ થવાના અનેક કેસ એકસાથે સામે આવ્યા, ત્યારે આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું અને રોગચાળાની તપાસના આદેશ આપ્યા.

જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીડિતોએ જે દૂધ પીધું હતું તેમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું અત્યંત ઝેરી તત્વ હતું. આ જ ઝેરના કારણે પીડિતોની કિડની ફેલ થઈ અને છેવટે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે તેમના મોત થયા. તપાસ કરતા ખબર પડી કે કોરુકોંડા મંડળના નરસાપુરમ ગામમાં આવેલી એક ડેરીમાંથી આસપાસના ૧૦૦ થી વધુ પરિવારોને આ દૂધ પૂરું પાડવામાં આવતું હતું. પ્રશાસને તાત્કાલિક અસરથી આ ડેરીમાંથી દૂધનો સપ્લાય બંધ કરાવી દીધો છે.

આ મામલે એક મૃતક મહિલાના પુત્ર, તાડી સીતારામૈયાએ ૨૨ ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે બીએનએસએસ (BNSS) ની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધીને શંકાસ્પદ દૂધ વેચનારની અટકાયત કરી લીધી છે. ફોરેન્સિક ટીમોએ ડેરીના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકઠા કર્યા છે. આ સાથે જ પશુપાલન વિભાગે પણ દૂધ, પશુઓનો ચારો અને પાણીના સેમ્પલ લીધા છે, જેથી ઝેર ક્યાંથી અને કેવી રીતે ભળ્યું તેની ચોક્કસ માહિતી મળી શકે.

હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણા દર્દીઓની હાલત એટલી નાજુક હતી કે તેમને ડાયાલિસિસ અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી મેડિકલ કેમ્પ લગાવ્યા છે.

કોઈપણ નવા કેસને ઝડપથી શોધી શકાય તે માટે તબીબી નિષ્ણાતો અને સર્વેલન્સ અધિકારીઓની એક રેપિડ રિસ્પોન્સ ટીમ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે હૈદરાબાદથી સિનિયર હેલ્થ ઓફિસરો અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Related posts

પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ

Master Admin

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ

Master Admin

સ્વિગી ડાઇનઆઉટથી GIRF રવિ કિશનના સંગાથમાં ધ ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલમાં ફેરવાયું

Master Admin

Leave a Comment

Translate »