સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
‘કાગનો વાઘ કરવો’!! અર્થાત વાત સાવ નાની હોય પણ વાત-વાતમાં કાગનો વાઘ કરી નાંખે!
જયારે, ’વાઘ આવ્યો રે વાઘ’! એટલે કે, મજાક કરવા માટે ખોટી જ બૂમો મચાવવી! “વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો! ધાજો રે ભાઈ ધાજો!” યાને કે, ક્યારેય ખોટું બોલવું નહીં, કારણ કે ખોટું બોલનારનો સાચું બોલે ત્યારે પણ કોઈ વિશ્વાસ કરતું નથી! મૂળે અને મુદ્દે…!
અને વાઘ એવો છે કે તેને કોઈ કહેતું નથી – તારું મોં ખોલ, તારા દાંત ગણાવ, તારું મોં ગંધાય છે! કારણ કે વાઘ નોહર વિનાનો નથી, દાંત વગરનો નથી. વાઘ જંગલનો રાજા છે – તેને પૂજવો પડે, તેની સામે બકરી બનીને લડવા ન જવાય.
દિવાળીનું પર્વ શરૂ થાય તે પહેલા આવે છે એક મહત્વનો દિવસ – આસો વદ બારસ. ગુજરાતમાં આ દિવસને વાક્ બારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી દિવાળીની શરૂઆત માનવામાં આવે છે. ઘરના ઉંબરા પૂજાવા લાગે છે, ચોપડા પૂજાવા લાગે છે, ઘરમાં દીવા પ્રગટે છે.
વાક્ શબ્દનો અર્થ શું છે? વાક્ એટલે વાણી. વાક્ એટલે વાણીની દેવી – માઁ સરસ્વતી. સંસ્કૃતમાં વાક્ દેવી એટલે સરસ્વતી. એટલે વાક્ બારસ એટલે વાણીની દેવીની બારસ. વિદ્યાની દેવીની બારસ.
પણ આજે સોશિયલ મીડિયાના જમાનામાં આ અર્થ ભુલાઈ રહ્યો છે. વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં વાક્ નો વાઘ થઈ ગયો છે. લોકો સવારથી “હેપ્પી વાઘ બારસ” લખીને વાઘના ફોટા, વાઘના સ્ટિકર મોકલે છે. જાણે આજે વાઘની પૂજા કરવાની હોય! આ ગેરસમજ નથી, આ અજ્ઞાન છે. કાગનો વાઘ સમજવાની વૃત્તિ છે.
આ ગેરસમજનું કારણ શું છે? તેનું કારણ એ છે કે આ એક જ તિથિએ અનેક પૂજાઓ થાય છે. લોકો બધી પૂજાઓને એક જ સમજી લે છે. એટલે જ ભૌતિક તપાસ જરૂરી બને છે. આ તિથિએ કઈ કઈ પૂજાઓ થાય છે, તે સમજીએ તો ગૂંચવાડો દૂર થાય.
૧. વાક્ બારસ – માઁ સરસ્વતીની પૂજા
આ દિવસે માઁ સરસ્વતીની પૂજા થાય છે. માઁ સરસ્વતી હાથમાં વીણા લઈને બેઠી છે, બીજા હાથમાં પુસ્તક છે. તે હંસ પર બિરાજે છે. હંસ એટલે વિવેક. દૂધમાંથી પાણી અલગ કરવાની શક્તિ. સાચું-ખોટું પારખવાની શક્તિ. સત્ય અને અસત્યને અલગ કરવાની શક્તિ.
આ દિવસે વેપારી પોતાના ચોપડાની પૂજા કરે છે. આખું વર્ષ જે ચોપડામાં હિસાબ લખ્યો, જે વાણીથી વેપાર કર્યો, તે ચોપડાને વંદન કરે છે. વિદ્યાર્થી પોતાના પુસ્તકની પૂજા કરે છે. લેખક પોતાની કલમની પૂજા કરે છે. કારણ કે વાણી વગર વેપાર નથી, વિદ્યા વગર જીવન નથી. જે વાણીથી આપણે રોજી કમાઈએ છીએ, જે વિદ્યાથી આપણે આગળ વધીએ છીએ, તેની દેવી છે માઁ સરસ્વતી.
પરંપરા મુજબ બારસે સરસ્વતી, તેરસે લક્ષ્મી, ચૌદસે મહાકાળી – આ ત્રિદેવી પૂજનનો ક્રમ છે. પહેલા વિદ્યા, પછી સંપત્તિ, પછી શક્તિ. વિદ્યા વગરની લક્ષ્મી ટકતી નથી, વિદ્યા વગરની શક્તિ વિનાશ કરે છે. એટલે જ દિવાળી પહેલા સરસ્વતીની પૂજા આવે છે.
વાક્ બારસ એ વાણીની શુદ્ધતાનો દિવસ છે. મીઠું બોલવું, સાચું બોલવું, પ્રિય બોલવું – આ જ વાણીની પૂજા છે. વાણીથી કોઈને દુઃખ ન આપવું, કલમથી કોઈનું અહિત ન કરવું – આ જ સરસ્વતીની સાચી ઉપાસના છે.
૨. વસુ બારસ / ગોવત્સ દ્વાદશી – ગાયની પૂજા
આ જ તિથિનું બીજું નામ છે વસુ બારસ. વસુ એટલે ગાય. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. તેને ગોવત્સ દ્વાદશી પણ કહે છે. નંદિની વ્રત પણ કહે છે.
મહારાષ્ટ્રમાં આ દિવસને વસુ બારસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ ઘણા પરિવારો આ દિવસે ગાયની પૂજા કરે છે. ગાયને માતા માનવામાં આવે છે. ગાયના દૂધથી જીવન ચાલે છે. એટલે ગાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.
પૌરાણિક કથા મુજબ બ્રહ્માજીએ શ્રીકૃષ્ણના ગોપબાળકો અને વાછરડાઓને આ જ દિવસે પરત કર્યા હતા. એટલે આ દિવસ ગોવત્સ દ્વાદશી તરીકે ઉજવાય છે.
૩. ગુરુ દ્વાદશી – ગુરુની પૂજા
આ જ તિથિએ ગુરુ દ્વાદશી પણ આવે છે. માન્યતા મુજબ શ્રી વલ્લભાચાર્યએ આ દિવસે દેહ છોડ્યો હતો. એટલે વૈષ્ણવ પરંપરામાં આ દિવસને ગુરુ દ્વાદશી તરીકે યાદ કરવામાં આવે છે. ગુરુ વગર વિદ્યા નથી, ગુરુ વગર માર્ગ નથી. એટલે આ દિવસે ગુરુને વંદન કરવાનો મહિમા છે.
૪. ઉંબરા પૂજન અને પોડા બારસ
ગુજરાતીઓ આ દિવસથી ઉંબરા પૂજવાની શરૂઆત કરે છે. ઘરના ઉંબરાને હળદર-કંકુથી પૂજવામાં આવે છે. ઉંબરો એટલે ઘરની મર્યાદા, ઘરની રક્ષા. સૌરાષ્ટ્રમાં આ દિવસને પોડા બારસ પણ કહે છે. ચોમાસામાં બગડેલા ઘરના લીંપણના પોપડા ઉખેડવાની બારસ. ઘરની સાફ-સફાઈની શરૂઆત આ દિવસથી થાય છે.
૫. આદિવાસીઓની વાઘદેવ પૂજા – સૌથી મહત્વની કડી
હવે પ્રશ્ન છે – આદિવાસીઓ પણ પૂજા કરે છે, પણ કોની?! આ પ્રશ્નનો જવાબ ભૌતિક તપાસ વગર મળે તેમ નથી. કારણ કે શહેરમાં બેઠેલા લોકોને આદિવાસી પરંપરાની ખબર નથી.
ભૌતિક તપાસ મુજબ ગુજરાતના પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં – ડાંગ, વલસાડ, ધરમપુર, કપરાડા, વાંસદા, ઉમરગામમાં વસતા વારલી, કુકણા, ઢોડિયા, ભીલ, ગામિત, કોકણા સમાજ આ દિવસે વાઘદેવ / વાઘોબાની પૂજા કરે છે!
આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. જળ, જંગલ, જમીન – આ ત્રણને તેઓ દેવ માને છે. વાઘ એ જંગલનો રાજા છે. જંગલમાં રહેતો વાઘ તેમના ગામનું રક્ષણ કરે છે, એવી તેમની શ્રદ્ધા છે. એટલે વાઘને તેઓ દેવ માને છે!
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સજનીબરડા ગામમાં વાઘબારસની ઉજવણી ખૂબ જ વિશિષ્ટ રીતે થાય છે. સવારે પહેલા ડુંગર પર માવલી માતાની પૂજા થાય છે. માવલી માતા એટલે ગામની રક્ષક દેવી, ડુંગરની દેવી. તે પછી ગામની વેશીએ વાઘદેવની આરાધના થાય છે!
ગામલોકો ઘરે ઘરેથી ચોખા, નાગલી, ભાત, બાજરી, વરઈ, ઉડદ, ઝેંડૂના ફૂલ એકઠા કરે છે. ગામની વેશીએ કે ખુલ્લી જગ્યાએ પથ્થર પર સિંદૂરથી વાઘનું ચિત્ર બનાવવામાં આવે છે. કેટલાક ગામોમાં લાકડા પર વાઘની આકૃતિ કોતરેલી હોય છે. તેની સામે પાંચ પાંદડા મૂકીને નવા પાકની ખીર, નાગલીનો રોટલો, દાળ-ભાતનું નૈવેદ્ય ધરાવાય છે. ધૂપ-દીપ કરવામાં આવે છે. પછી બધા ગામલોકો સાથે બેસીને જમે છે!
ઢોડિયા ગામોમાં તો એક અનોખી રમત પણ થાય છે. એક યુવાન શરીર પર પટ્ટા ચીતરીને વાઘ બને છે, બીજો યુવાન ગાય બનીને દોડે છે. વાઘ ગાયનો પીછો કરે છે. ગામલોકો તાળી પાડીને “દિન દિન દિવાળી, ગાય ભેંસ ઓવાળી” એવું ગીત ગાય છે. આ રમત પણ પૂજાનો જ ભાગ છે. તેનો સંદેશ છે – વાઘ અને ગાય, જંગલ અને ગામ – બંને સાથે રહેવા જોઈએ!
કુકણા અને વારલી સમાજ આસો સુદ બારસે, જ્યારે ઢોડિયા સમાજ આસો વદ બારસે આ પર્વ ઉજવે છે. તિથિમાં ફરક છે, ભાવમાં નહીં. ભાવ એક જ છે – પ્રકૃતિનું રક્ષણ, ગામનું રક્ષણ, ઢોરનું રક્ષણ!
મહારાષ્ટ્રના કોલી મહાદેવ સમાજમાં પણ આવી જ પરંપરા છે. તેઓ પથ્થર ધોઈને તેના પર સિંદૂરથી સિંહનું ચિત્ર બનાવીને ખીરનું નૈવેદ્ય ધરાવે છે. તેમની માન્યતા છે કે સિંહને પૂજવાથી તેમના ઢોરનું રક્ષણ થશે!
આ પરંપરાનો ઊંડો અર્થ છે. આદિવાસી સમાજ વાઘને મારતો નથી, વાઘને પૂજે છે. વાઘને દેવ માનવાથી જંગલનું રક્ષણ થાય છે. જો વાઘ રહેશે તો જંગલ રહેશે, જંગલ રહેશે તો ગામ રહેશે. આ જ પર્યાવરણનું સાચું વિજ્ઞાન છે. આજે શહેરોમાં વાઘ બચાવોની વાતો થાય છે, પણ આદિવાસીઓ તો સદીઓથી વાઘને પૂજીને બચાવે છે!
તો પછી ગેરસમજ ક્યાં થાય છે?
ગેરસમજ એ છે કે શહેરના લોકો વાક્ બારસને વાઘ બારસ સમજી લે છે અને આદિવાસીઓની વાઘદેવ પૂજાને ભૂલી જાય છે. અને આદિવાસીઓની પરંપરાને જાણ્યા વગર વાઘના ફોટા ફોરવર્ડ કરે છે!
સત્ય એ છે કે વાક્ બારસ અને વાઘ બારસ બંને સાચા છે. બંને એક જ તિથિએ આવે છે, પણ બંને અલગ પરંપરા છે. એક વાણીની પૂજા છે, બીજી પ્રકૃતિની પૂજા છે. એક સરસ્વતીની પૂજા છે, બીજી વાઘદેવની પૂજા છે. એક શહેરની પરંપરા છે, બીજી જંગલની પરંપરા છે. બંનેને તેના મૂળ અર્થમાં સમજવી જોઈએ.
કાગનો વાઘ ન સમજો. દરેક પરંપરાને તેના મૂળ અર્થમાં સમજો. વાણીની દેવીને વંદન કરો, ગાય માતાને વંદન કરો, ગુરુને વંદન કરો, માવલી માતાને વંદન કરો, વાઘદેવને વંદન કરો – આ જ ભારતની વિવિધતામાં એકતા છે.
આ વાક્ બારસે સંકલ્પ કરો – વાણી શુદ્ધ રાખીશું, વિદ્યાનું સન્માન કરીશું, પ્રકૃતિનું રક્ષણ કરીશું!
વાણી શુદ્ધ તો જીવન શુદ્ધ! વાક્ બારસની શુભેચ્છા! જય માઁ સરસ્વતી દેવી
