સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
કાગને વાસ અને ગાયને ઘાસ! કાગડામાં પિતૃ અને ગૌમાં માતા તથા પથ્થરમાં ભગવાન દેખાય કિન્તુ ઘરમાં હયાત અને જીવિત માઈબાપ નહિ દેખાય વાહ રે દુનિયાવાળો…!
આ એક વાક્યમાં આખા ભારતીય સમાજની છબી છે. આપણે કેટલા ધાર્મિક છીએ અને કેટલા દંભી છીએ તેનો આરસો છે.
શ્રાદ્ધ પક્ષ શરૂ થાય એટલે આપણા સૌના ઘરમાં બ્રાહ્મણોને જમાડવાની, કાગડાને વાસ નાખવાની, ગાયને ઘાસ ખવડાવવાની ધમાલ શરૂ થઈ જાય. શાસ્ત્ર કહે છે કે આ દિવસોમાં પિતૃઓ કાગડાના રૂપમાં આવે છે, ગાયના રૂપમાં આવે છે. માન્યું. શાસ્ત્ર સાચું.
પણ મારો સવાલ સીધો છે. જે ઘરમાં ૮૦ વર્ષની જીવતી મા એકલી રસોડામાં રોટલી કરે છે અને દીકરો બહાર કાગડાને શોધે છે કે કાગડો કેમ આવતો નથી, તે દીકરાના શ્રાદ્ધનું શું પુણ્ય?
જે ઘરમાં જીવતો બાપ આખો દિવસ બારી પાસે બેસીને રાહ જુએ છે કે મારો દીકરો મને એક વાર પૂછે કે બાપુજી તબિયત કેમ છે, અને દીકરો ગાયને શોધીને તેને ઘાસ ખવડાવીને ફોટો પાડવામાં વ્યસ્ત છે, તે ફોટાનું શું કરવાનું?
વાહ રે દુનિયાવાળો!
આપણને પથ્થરમાં ભગવાન દેખાય છે. આપણે પથ્થરની મૂર્તિ પર દૂધનો અભિષેક કરીએ છીએ, ઘીનો દીવો કરીએ છીએ, સોનાના વરખ ચડાવીએ છીએ. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીએ છીએ. અને એ જ મંદિરના ઓટલા પર બેઠેલા ભિખારીને આપણે ધુત્કારીએ છીએ.
આપણને કાગડામાં પિતા દેખાય છે, પણ સામે ખુરશીમાં બેઠેલા જીવતા પિતામાં પિતા નથી દેખાતો. આપણને ગાયમાં માતા દેખાય છે, પણ ઘરમાં જે માતાએ નવ મહિના પેટમાં રાખી, પોતાનું લોહી પીવડાવીને મોટો કર્યો, તેમાં માતા નથી દેખાતી. આનાથી મોટો આંધળાપો બીજો કયો?
શ્રાદ્ધનો અર્થ શું? શ્રદ્ધા!
શ્રાદ્ધ શબ્દ બે શબ્દોથી બન્યો છે – શ્રદ્ધા + ધા. એટલે કે શ્રદ્ધાથી ધારણ કરવું, શ્રદ્ધાથી આપવું. શ્રદ્ધા વગરનું શ્રાદ્ધ એ માત્ર કર્મકાંડ છે, દેખાડો છે.
શ્રદ્ધા કોના પ્રત્યે? જે ગયા તેમના પ્રત્યે તો ખરી જ, પણ જે હયાત છે તેમના પ્રત્યે સૌથી પહેલા.
હું સંત સુરા એમ નથી કહેતો કે પિતૃ તર્પણ ન કરો. કરો, જરૂર કરો. આપણા મૂળને યાદ કરવા એ આપણી ફરજ છે. જે વડવાઓએ આપણા માટે જમીન તૈયાર કરી, તેમને યાદ કરવા જોઈએ. કાગને વાસ અને ગાયને ઘાસ પણ જરૂર આપો, કારણ કે તે પણ જીવદયા છે, પ્રકૃતિ સાથેનું જોડાણ છે.
પણ મારો વાંધો પ્રાયોરિટી સામે છે. પહેલું કોણ? જીવતું કે મરેલું?
શાસ્ત્રોમાં પણ કહ્યું છે – “જીવતો પિતૃ સેવા, મૃતે પિંડદાનમ”. જીવે ત્યાં સુધી સેવા કરો, મર્યા પછી પિંડદાન. આપણે ઉલટું કરી રહ્યા છીએ. જીવે ત્યાં સુધી અવગણના અને મર્યા પછી આડંબર.
આજના દીકરાની હાલત
આજના દીકરા પાસે બધું છે. મોટો બંગલો છે, ગાડી છે, આઈફોન છે. પણ માઁ-બાપ સાથે બેસીને પાંચ મિનિટ વાત કરવાનો સમય નથી. વોટ્સએપ પર દુનિયાભરના મેસેજ ફોરવર્ડ કરશે – માતા-પિતાની સેવા કરો, માતા-પિતા ભગવાન છે. પણ એ જ મેસેજ તેની બાજુના રૂમમાં બેઠેલી તેની માને નથી સંભળાવતો.
વૃદ્ધાશ્રમો કેમ વધી રહ્યા છે? કારણ કે આપણને કાગડામાં પિતૃ દેખાય છે, વૃદ્ધાશ્રમમાં રહેતા પિતામાં નહીં. આપણને ગૌશાળામાં ગાયમાં માતા દેખાય છે, પણ ઘરમાં આંસુ સારતી માતામાં માતા નથી દેખાતી.
શ્રાદ્ધ પક્ષ આપણને એક તક આપે છે. પસ્તાવાની તક. સુધરવાની તક.
આ પંદર દિવસ પિતૃઓને યાદ કરો, પણ સાથે સાથે સંકલ્પ કરો કે જે માઈબાપ હયાત છે, તેમને હવે કદી દુઃખી નહીં કરું. તેમને સમય આપીશ. તેમની સાથે જમીશ. તેમની વાત સાંભળીશ. તેમને ખભે હાથ મૂકીને કહીશ કે તમે છો તો હું છું.
જો તમે આ કર્યું તો સમજજો કે તમારું પિતૃ તર્પણ સફળ થયું. કાગડો ભલે આવે કે ન આવે, તમારા જીવતા પિતૃઓના આશીર્વાદ તમને જરૂર ફળશે. કારણ કે જીવતા માઈબાપના આશીર્વાદથી મોટું કોઈ તર્પણ નથી, કોઈ મંત્ર નથી, કોઈ પૂજા નથી.
બાકી તો વાહ રે દુનિયાવાળો…! પથ્થરમાં ભગવાન શોધતો ફરે છે અને ઘરમાં ભગવાન ભૂખ્યો બેઠો છે!કૃત સંકલ્પ : પિતૃ દેવો ભવઃ માતૃ દેવો ભવઃ
