Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

સિનિયર સિટીઝન સુરક્ષા કવચઃ “ઘરમાં જ દીવો ઝગેમગે, તો અંધારું કોણ ભગાડે?!ત્રાસ સહન નહીં કરો,કાયદો સાથે છે”!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ઉંમરની સાથે શરીર થાકે, પણ દિલ હજુ જીવવા માંગે છે. આપણે જેમણે આખી જિંદગી ઘર, પરિવાર, સમાજ માટે દોડી દોડીને જીવ્યું, એમને જ જો ઘરમાં ત્રાસ સહન કરવો પડે તો એના જેવો દુઃખ બીજો કોઈ નહીં.

ત્રાસ એટલે શું?
ત્રાસ માત્ર મારપીટ જ નહીં સાહેબ, દીકરો-વહુ વાત ન કરે એ ત્રાસ. પેન્શન પડાવી લેવું એ ત્રાસ. દવા માટે પૈસા ન આપે એ ત્રાસ. “ઘરમાંથી નીકળી જા” એમ કહે એ ત્રાસ. દુઃખની વાત કરે તો “તમને કંઈ સમજાતું નથી” એમ કહીને અપમાન કરે એ પણ ત્રાસ જ છે. કાયદાની ભાષામાં એને “એબ્યુઝ” કહે છે.

ડરવાની જરૂર નથી, કાયદો તમારી સાથે છે
ભારત સરકારે સને ૨૦૦૭માં એક ખાસ કાયદો બનાવ્યો – “માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭”. ટૂંકમાં કહીએ તો “સિનિયર સિટીઝન એક્ટ”. આ કાયદો એટલા માટે જ બન્યો કે ૬૦ વર્ષ પછી કોઈને આર્થિક કે માનસિક રીતે કોઈ ત્રાસ ન આપે.

કાયદાની ૫ મોટી તાકાતઃ
૧. ભરણપોષણ મેળવવાનો અધિકાર – કલમ ૫
દીકરો-દીકરી, પૌત્ર-પૌત્રી – જે કોઈ તમારી મિલકતના વારસદાર છે, એ બધાની ફરજ છે તમને ખાવા-પીવા, દવા, રહેવાની જગ્યા આપવી. જો ન આપે તો તમે “ટ્રિબ્યુનલ” માં અરજી કરી શકો. ટ્રિબ્યુનલ એટલે મામલતદાર કચેરી. ત્યાં વકીલની જરૂર નથી. તમે જાતે જઈને કહોઃ “મારો દીકરો મને રોટલો નથી આપતો”. ટ્રિબ્યુનલ ૯૦ દિવસમાં ચુકાદો આપી દે. મહિનાના ૧૦,૦૦૦ રૂપિયા સુધી ભરણપોષણ અપાવે. પેન્શન, ભાડું, બચત – જે કંઈ હોય એમાંથી આપવું પડે.
૨. ઘરમાંથી કાઢી ન મુકાય – કલમ ૨૩
જો તમે તમારું ઘર, મિલકત દીકરા-વહુના નામે કરી દીધી હોય અને શરત હતી કે “તમે મારી સંભાળ રાખશો”, તો જો એ સંભાળ ન રાખે તો એ ગિફ્ટ ડીડ રદ થઈ શકે. મતલબ ઘર પાછું તમારા નામે. કોઈ તમને ઘરમાંથી કાઢી ન શકે. પોલીસને ફોન કરો, ૧૦૦ નંબર ડાયલ કરો. પોલીસ તમને ઘરમાં પાછા બેસાડશે.
૩. તાત્કાલિક મદદ – પોલીસ પ્રોટેક્શન ઓફિસર
દરેક જિલ્લામાં “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી” હોય. એને “પ્રોટેક્શન ઓફિસર” કહે. તમે એમને સીધા મળો. ફોન કરો. એ પોલીસને સાથે લઈને આવશે. તમારી ફરિયાદ લખશે. જો તાત્કાલિક ખતરો હોય તો ૨૪ કલાકમાં તમને વૃદ્ધાશ્રમ કે સલામત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા પણ કરે. ૧૦૯૧ – મહિલા હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો. ૧૧૨ – ઇમરજન્સી નંબર છે.
૪. અપમાન-મારપીટ પર સજા – કલમ ૨૪
જો કોઈ દીકરો-વહુ તમને ગાળો આપે, મારે, ભૂખ્યા રાખે, દવા ન આપે તો એને ૩ મહિના સુધી જેલ અને ૫૦૦૦ રૂપિયા દંડ થઈ શકે. આ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાય. “કોગ્નિઝેબલ” છે મતલબ પોલીસ જાતે જ તપાસ કરે.
૫. વિનામૂલ્યે વકીલ અને ઝડપી ન્યાય
ટ્રિબ્યુનલમાં કેસ માટે ફી નથી. વકીલની જરૂર નથી. જો તમારી પાસે પૈસા ન હોય તો “લીગલ એઇડ” વાળા વકીલ મફત મળે. કોર્ટમાં ૬ મહિનાની અંદર કેસ પતાવવો પડે એવો કાયદો છે.

પગલાં શું લેવા? ૪ સ્ટેપમાં રક્ષણઃ
સ્ટેપ ૧ઃ બોલો
સૌથી પહેલો ઘા ચૂપ રહેવાનો છે. પડોશીને, મંદિરના પૂજારીને, સોસાયટીના ચેરમેનને વાત કરો. “ઘરની વાત ઘરમાં” રાખવાથી ત્રાસ વધે છે.
સ્ટેપ ૨ઃ લખો
એક ડાયરીમાં તારીખ સાથે લખોઃ “આજે વહુએ રોટલો નથી આપ્યો”, “આજે દીકરાએ ગાળ દીધી”. આ ડાયરી જ કોર્ટમાં પુરાવો બને.
સ્ટેપ ૩ઃ જાઓ
મામલતદાર કચેરી – ટ્રિબ્યુનલમાં જાઓ. ત્યાં “સિનિયર સિટીઝન ભરણપોષણ અરજી” નું ફોર્મ મળે. ફોર્મ ભરો. તમારું આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, દીકરાની આવકનો પુરાવો – જો હોય તો – જોડો.
સ્ટેપ ૪ઃ મદદ લો
હેલ્પલાઇનઃ ૧૪૫૬૭ – આ “એલ્ડર હેલ્પલાઇન” છે. સવારે ૮ થી રાત ૮. ગુજરાતીમાં વાત થાય. એ તમને નજીકની ટ્રિબ્યુનલ, પોલીસ સ્ટેશન, વૃદ્ધાશ્રમની માહિતી આપે. ૧૦૯૦ – સિનિયર સિટીઝન હેલ્પલાઇન પણ છે.
યાદ રાખો ૩ વાતઃ
૧. તમે બોજ નથીઃ જેણે તમને ઉછેર્યા, એને ઉછેરવાની જવાબદારી એમની છે. આ ભીખ નથી, હક છે.
૨. મિલકતના નામે બ્લેકમેલ ન સહોઃ “ઘર મારા નામે કરી દે તો રાખીશ” એવું કહે તો પહેલા વિચારો. વકીલ વગર સહી ન કરો.
૩. એકલા નથીઃ ગુજરાતમાં દરેક તાલુકામાં “સિનિયર સિટીઝન એસોસિયેશન” છે. ત્યાં જાઓ. તમારા જેવા ૧૦૦ લોકો મળશે. ત્રાસ હળવો થઈ જશે.
અંતે,સિત્તેર વસંત જોયા પછી, ઘરમાં જ વનવાસ ન હોય, દીકરાની લાકડી બને તો દુઃખ!કિન્તુ કાયદાની લાકડી પાસે હોય! એ વાસ્તે પણ સાહેબ, તમારી ઉંમર માનને પાત્ર છે, ત્રાસને નહીં. હિંમત રાખો. કાયદો તમારી લાકડી બનવા તૈયાર છે!

Related posts

વડીલો આપણી અમૂલ્ય સંપત્તિ છે; તેમના અનુભવોનો ખજાનો આપણા યુવાનોનું ભવિષ્ય છે.

Master Admin

ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન (ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવાઓ) નિયમો, ૨૦૨૬ઃ ૨૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે – ડિજિટલ યુગ સાથે સુસંગત ભારતના પ્રસારણ ક્ષેત્રમાં નિયમનકારી ક્રાંતિ તરફ એક મોટું પગલું.

Master Admin

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

Reporter1

Leave a Comment

Translate »