Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

હયાતીમાં જ શ્રાદ્ધ અને જીવત જગતિયું!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

આપણી સંસ્કૃતિ પિતૃઓને યાદ કરવાની સંસ્કૃતિ છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. પણ સવાલ એ છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય કયો? મૃત્યુ પછી કે જીવન દરમ્યાન?

આપણે ત્યાં એક દુઃખદ પરંપરા બની ગઈ છે. માણસ જીવે ત્યાં સુધી તેના હાલચાલ પૂછવા કોઈને સમય નથી. દીકરાને પિતા સાથે બેસવાનો સમય નથી, ભાઈને ભાઈ સાથે વાત કરવાનો સમય નથી. સગા-વહાલા વર્ષો સુધી મળતા નથી. અને જેવો માણસ આંખ મીંચે કે તરત જ મોટી જાન કાઢવામાં આવે છે, મોટા ભોજન સમારંભો થાય છે, મોટા બેનરો લાગે છે.
આ તે કેવો ન્યાય? જીવતાને ટિફિન નહીં અને મર્યા પછી પિંડદાન?

આપ મૂઆ જગ ડૂબા – જીવનનું અંતિમ સત્ય

આપણા વડીલો કહી ગયા છે “આપ મૂઆ જગ ડૂબા”. આ કોઈ સ્વાર્થી વાક્ય નથી, આ જીવનનું સૌથી મોટું તત્વજ્ઞાન છે. જે માણસ પોતાના જીવનમાં જ મુક્ત નથી થયો, તે મૃત્યુ પછી ક્યાંથી મુક્ત થશે? જે માણસે જીવતાં-જીવત પ્રેમ નથી કર્યો, તે મર્યા પછી કોને પ્રેમ કરશે?

સ્વર્ગ, નર્ક અને મોક્ષની વાતો આપણે સાંભળી છે. પંડિતો કહે છે સ્વર્ગમાં અપ્સરાઓ છે, નર્કમાં યાતના છે. પણ સત્ય કહો, કોણે જોયું છે? કોઈ પાછું આવીને સેલ્ફી મોકલી છે? કોઈએ ત્યાંથી પોસ્ટકાર્ડ કે, મેસેજ લખ્યું છે?

એક વાત નક્કી છે કે સ્વર્ગમાં ટિફિન સેવા નથી. ત્યાં કોઈ તમારા મનગમતા ઢોકળા, ખમણ કે ઉંધીયું પહોંચાડવા નથી આવતું. તમારા જીવતા મિત્રો સાથે બેસીને જે ચાની ચૂસકીનો આનંદ છે, તે આનંદ સ્વર્ગમાં ક્યાંથી મળે?

મુંબઈના ડબ્બાવાળા – જીવતા સ્વર્ગના દૂત

મુંબઈના પરા વિસ્તારના ડબ્બાવાળાઓની વાત જુઓ. કોઈ મેનેજમેન્ટ ડિગ્રી નથી, કોઈ મોટી ટેકનોલોજી નથી. છતાં રોજ ૪ લાખ ડબ્બા, એક પણ ભૂલ વગર, સમયસર લોકોના હાથમાં પહોંચે છે. ગરમાગરમ ભોજન, માઁ ના હાથની રસોઈ, પત્નીના પ્રેમવાળી રોટલી, બરાબર બપોરે ઓફિસમાં હાજર.

આ જ તો સાચું શ્રાદ્ધ છે. ભૂખ્યાને ભોજન આપવું, જીવતાને પ્રેમ આપવો. ડબ્બાવાળા કોઈ મંત્ર નથી ભણતા, પણ તેમનું કર્મ જ તેમનો મંત્ર છે. તેઓ જીવતા માણસોની ભૂખને સમજે છે, મરેલા માણસની ભૂખને નહીં.

આપણે પણ આ શ્રાદ્ધ માસમાં આ જ શીખવાનું છે.

હયાતીમાં શ્રાદ્ધ એટલે શું?

હયાતીમાં શ્રાદ્ધ એટલે બે વસ્તુનું શ્રાદ્ધ કરી નાખો.
૧. અહંકારનું શ્રાદ્ધઃ હું મોટો, હું સાચો, મારું જ સત્ય, આ અહંકારને તિલાંજલિ આપો. જેના કારણે તમે તમારા ભાઈ સાથે બોલતા નથી, તે અહંકારને આજે જ સળગાવી દો.
૨. વેર-ઝેરનું શ્રાદ્ધઃ કેટલા વર્ષોથી તમે કોઈના પ્રત્યે વેર રાખીને બેઠા છો? પાડોશી સાથે ઝઘડો, સગા સાથે અબોલા. આ વેરને પિંડદાન આપી દો.
જ્યારે આ બે વસ્તુનું શ્રાદ્ધ થશે, ત્યારે જ તમારા મનમાં જગ્યા થશે.

જીવત જગતિયું એટલે શું?
અને જગ્યા થાય એટલે તરત જ જીવત જગતિયું કરો. તમારા મિત્રોને ફોન કરો. તમારા સગા-સંબંધીઓને ઘરે બોલાવો. કોઈ કારણ વગર બોલાવો. કોઈ મરણ નથી, કોઈ લગ્ન નથી, બસ મળવું છે એટલે મળવું છે.
એક મોટી પંગત કરો. બધા એકસાથે બેસીને જમો. હસો, રડો, જૂની વાતો યાદ કરો. જે માણસને તમે પ્રેમ કરો છો તેને કહો કે હું તને પ્રેમ કરું છું. કાલે તે રહે કે ન રહે.
આજના ભાગદોડવાળા જીવનમાં આ જીવત જગતિયું ઓક્સિજનનું કામ કરશે.
પિતૃઓનું શ્રાદ્ધ તો આપણે કરીશું જ, તેમના આશીર્વાદ લઈશું જ. પણ જે માઁ -બાપ હયાત છે, જે વડીલો હયાત છે, તેમના ચરણોમાં બેસવું એ સૌથી મોટું તર્પણ છે. તેમને વૃદ્ધાશ્રમમાં મૂકીને પછી તેમના ફોટા પર હાર ચડાવવાનો કોઈ અર્થ નથી.
તો ચાલો મિત્રો, આ શ્રાદ્ધ માસમાં આપણે કાગડાની રાહ ન જોતા, માણસને જમાડીએ. હયાતીમાં જ એકબીજાના થઈ જઈએ. કારણ કે મોક્ષ ક્યાંય બીજે નથી, મોક્ષ અહીં જ છે, એકબીજાના પ્રેમમાં જ છે

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

Reporter1

બજેટ ૨૦૨૬-૨૭ @ વિઝન ૨૦૪૭ – લોકશાહી પર આત્મનિર્ભર, વિકસિત ભારત માટે એક આકર્ષક વૈશ્વિક રોડમેપ

Master Admin

Casio strengthens its retail presence in Gujarat, launches a new exclusive store in Vadodara

Reporter1

Leave a Comment

Translate »