Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

અપચો અજીર્ણ થાય છે.

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

અજીર્ણના ચાર પ્રકાર છે. કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ. અજીર્ણ અથવા અપચો દુર કરવાના ઘણા ઉપાયો છે-એ થવાનાં કારણો અનુસાર. આજે એના ચાર પ્રકારો વીષે જોઈશું. આ પછી બીજા ઉપાયો અજીર્ણ-અપચો ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મુળા, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં ખોરાક ન પચવો, પેટમાં દુઃખાવો થવો વગેરે ફરિયાદો દિવસે-દિવસે વધતી જાય છે અને ઉપાય તરીકે ખોરાક પચાવવા માટે દારૂ પીવાની ફેશન પણ વધતી ચાલી છે. દારૂ અને સ્વાદિષ્ટ વાનગીઓ ઠોસી-ઠોસીને ખાઇને આજે લીવર, હોજરી અને આંતરડાનાં કેન્સર જેવા ગંભીર દર્દોને માણસ જાતે આમંત્રિત કરે છે ત્યારે તેની સામે તો બચાવના ઉપાયો મૂકવાનો અર્થ જ નથી. પરંતુ જે લોકો, પોષણનાં અભાવે, આર્થિક ભીંસની ચિંતાના કારણે, અનિયમિત લાઇફ સ્ટાઇલનાં કારણે પેટની ઉપરોક્ત ફરિયાદોનો ભોગ બને છે. તેમને તો બિનખર્ચાળ અને ખૂબ સસ્તા ઘરગથ્થુ પ્રયોગો ઉપકારક બનશે. કોઇ પણ કારણસર અજીર્ણની ફરિયાદ થાય તો તરત જ સાવ સરળ ઉપાયોથી તે નિવારી શકાય છે.

સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય તો ઉપવાસ છે. પેટને આરામ આપવો. લંઘન કરવું. માત્ર ગરમ પાણી પીને શક્તિ અનુસાર એક કે બે ઉપવાસ કરી લેવાથી પેટમાં જામેલો જૂનો મળ નીકળી જાય છે, અને દબાયેલું યંત્ર મુક્ત રીતે ચાલવાને સક્ષમ બને છે, પછી ધીમે-ધીમે પ્રવાહી ખોરાક અને ત્યારબાદ હલકો સુપાચ્ય ખોરાક… આમ એકાદ અઠવાડિયું કરી નોર્મલ ખોરાક લેવાનું શરૂ કરવું. ખોરાક ન પચવાથી પેટમાં દુઃખતું હોય તો, આદુનો રસ ૬થી ૧૦ ગ્રામ જેટલો પીવો. મધ મેળવીને પણ તે લઇ શકાય છે. જરાક સિંધાલૂણ મેળવીને પણ લઇ શકાય છે. આદુનું અથાણું પણ ખોરાક સાથે લઇ શકાય. આદું ખોરાકને સુપાચ્ય બનાવે છે. તેથી જમવામાં જે રીતે સુગમ પડે તે રીતે તેને લેવું. સુવાદાણા અને મેથી સમભાગ લઇ શેકી લેવા. તેનું ચૂર્ણ અડધા તોલા જેટલું ખાવાથી ગેસ-વાયુ-અપચો મટે છે. આથેલી ખારેકથી પણ અજીર્ણ મટે છે, ઉપરાંત ખોરાક પચી જાય છે, અને ભૂખ પણ ઉઘડે છે. ભૂખ સાવ જ મરી ગઇ હોય તો અડધી-અડધી ચમચી અજમો દિવસમાં બે વાર ચાવીને ખાવો. અજીર્ણ ક્યારેક વિરુધ્ધ આહારથી પણ થતું હોય છે, ત્યારે તે વિશે પણ થોડી વિગતો જાણવા જેવી છે. નાળિયેર પાણી સાથે બરાસકપૂર ન ખવાય. અડદની દાળ સાથે દૂધ, દહીં, કેરી કે આમલી ના ખવાય. તાડી સાથે છાશ ન લેવાય. યાદ રાખો કે જે દિવસે મૂળો ખાઓ તે દિવસે આખો દિવસ દૂધ ન પીઓ. દૂધની બનાવટ પણ ન જ ખાઓ.- દૂધ સાથે ખાટી ચીજો, દૂધ સાથે મૂળા, દૂધ સાથે ગોળ વિરુધ્ધ બતાવેલ છે. દૂધ સાથે અથાણું વગેરે ભૂલમાં પણ ન ખવાય. તે જ રીતે મૂળા સાથે અડદની કોઇ પણ વાનગી ન ખવાય. મધ અને ઘી સરખા વજને ન ખવાય. ઉપરોક્ત કોઇ પણ વિરુધ્ધ આહાર શરીરમાં ઝેર જેવાં વિકારો પેદા કરે છે અને રોગો માટે માર્ગ મોકળો બની જાય છે.

પીત્તથી થતું વીદગ્ધાજીર્ણ – એમાં છાતી, ગળુ, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમિયાન સાકર વાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ-રોટલી, દુધ-ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા. જમ્યા પછી અવિપત્તિકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરિયા, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.

વાયુથી થતું વીષ્ટબ્ધાજીર્ણ – એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતિ અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કિલોમીટર ચાલવું. ઔષધોમાં શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું. અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી. હિંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું. દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું. રસશેષાજીર્ણ : આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી- ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે. એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરિયા, ભાજી જેવાં શાક, મગનું સૂપ, ગરમ રોટલી વગેરે ખાવું.

ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું. ચિત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. સમભાગે સુંઠ અને જવખાર ઘી સાથે ચાટી ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે; ભુખ ઉઘડે છે. સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી અજીર્ણ અને ગૅસ મટે છે. કુમળા મૂળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચુર્ણ મેળવીને પીવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઉલટી કે ઝાડા મટે છે. ગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હીંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરુર જણાય તો આ મીશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય.

દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે. ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશૂળ મટે છે.
અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે. ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે. લસણની ચટણી ખાવાથી ભુખ ઉઘડે છે. ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. ચિત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચૂર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે.

હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મિશ્ર કરી, એ મિશ્રણથી બમણાં વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે. સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું. લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.

હિંગ્વાષ્ટક ચુર્ણઃ હીંગ, સુંઠ, મરી, પીપર-ગણદેવી લીંડીપીપર, અજમો, જીરુ, શાહજીરુ અને સીંધવ નું સરખા વજને મીશ્ર કરીને બનાવેલું ચુર્ણ એ હિંગ્વાષ્ટક ચુર્ણ. આ ચુર્ણ ખુબ બારીક બનાવી, વસ્ત્રગાળ કરી એરટાઈટ બોટલમાં ભરી લેવું. જેમને આહાર પર રુચિ જ થતી ન હોય, ગેસ થયા કરતો હોય, આહાર પચતો ન હોય, જઠરાગ્ની મંદ પડી ગયો હોય, કબજીયાત રહેતી હોય એવા દર્દીઓએ આવું તાજું જ બનાવેલું હિંગ્વાષ્ટક ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું તાજી મોળી છાશમાં અથવા ભાતમાં મીશ્ર કરી ખાવું.

Related posts

Turkish Technic Provides Redelivery Check for IndiGo’s Airbus A320neo

Reporter1

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશ ભાઈ પંચાલ

Reporter1

Miss P&I India 2025 Launch Press Conference Ahmedabad, Gujarat

Reporter1

Leave a Comment

Translate »