શેલ કંપનીઓ મારફતે મોટાપાયે છેતરપિંડી
કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું સંપૂર્ણ મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ મે ૨૦૨૬ — અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ ઓપ્શન્લ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમ હેઠળ કામ કરતા લગભગ ૧૦ હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરુ કરી છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા જોવા મળ્યા છે, જ્યાં હકીકતમાં કોઈ કામગીરી જ ચાલતી નહોતી.ટોડ લિઓન્સે OPT કાર્યક્રમને ગેરરીતિઓ માટેનું કેન્દ્ર ગણાવ્યો હતો. રિપોર્ટ મુજબ, તપાસ દરમિયાન અધિકારીઓને ઘણા સરનામાં પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળ્યા હતા. કેટલાક સરનામાં પર એક જ જગ્યાએ અનેક કંપનીઓ નોંધાયેલ હોવાનું પણ બહાર આવ્યું છે. ટેક્સાસ સહિતના વિસ્તારોમાં કરાયેલી સાઈટ વિઝિટ દરમિયાન ઘોસ્ટ ઓફિસ અને શેલ કંપનીઓ સામે આવી હતી. કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું હતું. OPTના નિયમો મુજબ તાલીમ અને દેખરેખ અમેરિકામાં જ હોવી જોઈએ. કેટલીક કંપનીઓ પાસે માત્ર ત્રણ કર્મચારીઓ હતા. પરંતુ, રેકોર્ડમાં ૫૦૦થી વધુવિદ્યાર્થીઓ જોડાયેલા જોવા મળ્યા.OPT કાર્યક્રમ અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ક વિઝા તરફ જવાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આંકડા મુજબ છેલ્લા વર્ષોમાં ૬૮ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ OPT હેઠળ અમેરિકામાં કામ કરતા હતા. એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ડેલોઈટ જેવી મોટી કંપનીઓ OPTઉમેદવારોને નોકરી આપતી રહી છે. તપાસ દરમિયાન વિઝા ગેરરીતિ ઉપરાંત નાણાકીય ગેરવહીવટ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પણ સામે આવ્યા છે. જોકે કેટલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે તેની માહિતી જાહેર કરાઈ નથી.આ મામલા બાદ ઘણા રિપબ્લિકન નેતા કાર્યક્રમ પર નિયંત્રણ કડક કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે ટેક ઉદ્યોગ અને યુનિવસટીઓ તેને આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટે મહત્વપૂર્ણ ગણાવી રહ્યાં છે.

