Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

કોહલીએ સ્પષ્ટ કર્યું કે, તે ૨૦૨૭નો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે

કિંગ કોહલીએ ૨૦૨૭નું વર્લ્ડ કપ રમવા મૂકી શરત!

વિરાટ કોહલી એવા વાતાવરણમાં નથી રહેવા માંગતો જ્યાં તેને વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરવી પડે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૫ મે ૨૦૨૬ –– ભારતીય ક્રિકેટ જગતના કિંગ વિરાટ કોહલી હાલમાં IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી શાનદાર ફોર્મમાં છે. ઓરેન્જ કેપની રેસમાં આગળ રહેલા કોહલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપમાં રમવા અંગે પોતાની મહત્વની શરત જાહેર કરી છે.

વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું હતું કે, તે ૨૦૨૭નો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે, પરંતુ તે એવા વાતાવરણમાં નથી રહેવા માંગતો જ્યાં તેને વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરવી પડે. કોહલીએ કહ્યું, જો મને એવું અનુભવ કરાવવામાં આવે કે મારે મારી કિંમત સાબિત કરવાની છે, તો તે જગ્યા મારા માટે નથી. હું મારી તૈયારી અને મહેનત બાબતે હંમેશા ઈમાનદાર રહ્યો છું. ૩૭ વર્ષીય કોહલીએ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને લઈને આડકતરો ઈશારો કરતા કહ્યું કે, કાં તો તમે પ્રથમ દિવસે કહી દો કે મારી જરૂર નથી, અથવા તો મારા પર ભરોસો રાખો. દરેક ખરાબ પ્રદર્શન પછી મૂલ્યાંકન બદલાય તે યોગ્ય નથી. જ્યાં સુધી ટીમને લાગે છે કે હું રમતમાં યોગદાન આપી શકું છું, ત્યાં સુધી હું રમવાનું ચાલુ રાખીશ. કોહલી આજે પણ દરેક બોલ એવી રીતે રમે છે જાણે તે તેના કરિયરનો છેલ્લો બોલ હોય. જો ટીમ કહે કે ૪૦ ઓવર સુધી બાઉન્ડ્રી પર દોડવાનું છે, તો પણ તે ફરિયાદ વગર કરવા તૈયાર છું.

કોહલીએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ તેનો અભિગમ બદલાઈ ગયો છે. હવે તે કોઈ રેકોર્ડ કે ટીકાકારોને જવાબ આપવા માટે નહીં, પણ રમત પ્રત્યેના પોતાના જૂના બાલ્યાવસ્થાના પ્રેમને કારણે મેદાન પર ઉતરે છે. તેણે કહ્યું કે, જ્યારે મેં દબાણ અને બહારની વાતો છોડી દીધી, ત્યારે મને મેદાન પર ફરી એવો જ આનંદ મળવા લાગ્યો જેવો નાનપણમાં મળતો હતો.
નોંધનીય છે કે, કોહલી પહેલેથી જ ટી૨૦ ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કોહલીનું લક્ષ્ય ભારત માટે વધુ એક વર્લ્ડ કપ જીતવાનું છે, પરંતુ તે સન્માનજનક વાતાવરણમાં રમવા ઈચ્છે છે.

Related posts

U Mumba Gear Up For Pro Kabaddi League Season 11 with 40-day Intensive Training Camp in Ahmedabad

Reporter1

હાર્દિક પંડ્યા ૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચમાં વાપસી કરી શકે

Master Admin

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે એ દબંગ દિલ્હીને અંતિમ ક્ષણોમાં જીત અપાવી

Reporter1

Leave a Comment

Translate »