Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે ૪૨ હજાર કરોડ ખંખેર્યા

ગુજરાતની પ્રજા મોંઘવારીના ખપ્પરમાં

જો રાજ્ય સરકાર દ્વારા વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૮ મે ૨૦૨૬ — કલ્યાણકારી અને વિકસીત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર આજે પ્રજા માટે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે. વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ-સેસના નામે ૪૨ હજાર કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધાં છે. જો વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે. પણ ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ સરકાર સત્તા મેળવ્યા બાદ પ્રજાને જ ભૂલી ગઈ છે. ગુજરાતની પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર લાવવાની સરકારની દાનત જ નથી.

વર્ષે રૂ. ૧૮,૦૦૦ કરોડથી વધુની મલાઈ ખાતી સરકાર પ્રજાને મફતની શિખામણો આપે છે કે ’ખર્ચ ઘટાડો અને કરકસર કરો.’ પરંતુ ખુદ સરકાર તિજોરી ભરવાની ભૂખમાં એક રૂપિયાનો પણ ઘટાડો કરવા તૈયાર નથી. જ્યારે જનતા બે ટંકના રોટલા માટે અને વાહનમાં બે લિટર ઈંધણ પુરાવવા માટે ફાંફા મારી રહી છે, ત્યારે સરકાર પ્રજાના ખિસ્સા હળવા કરીને ઉત્સવો ઉજવવામાં મસ્ત છે. આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે, સરકારે મોંઘવારીનો આખો બોજ મધ્યમ અને ગરીબ વર્ગ પર ઢોળી દઈને સાબિત કરી દીધું છે કે તેમને જનતાની પીડા સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર પોતાના આંકડા અને નફા સાથે જ નિસ્બત છે.

વૈશ્વિક સ્તરે ચાલતી ઈંધણની કટોકટીથી મોંઘવારીનો માર પોતે ઝીલવાને બદલે રાજ્ય સરકારે ગુજરાતની જનતાના માથે નાંખી દીધો છે. લોકોને કરકસર કરવાની શિખામણ આપતી સરકાર વેટ ઘટાડી કમાણીમાં જરાય કરકસર કરવા માંગતી નથી!
આજે એક વાહન ચાલક લાઈનમાં ઉભા રહી પેટ્રોલ-ડીઝલ પુરાવે તો, પ્રતિ લિટરે રૂ. ૯૭ અને રૂ. ૯૩માંથી રૂ. ૧૭.૫ રૂપિયા સીધા સરકારના ખિસ્સામાં જાય છે. પેટ્રોલ અને ડીઝલ પર વાહનચાલકો પાસેથી વસૂલાતા વેટ તેમજ સેસમાંથી દર વર્ષે રાજ્ય સરકારને રૂ. ૧૮ હજાર કરોડથી વધુની કમાણી થઈ રહી છે.

પેટ્રોલ-ડીઝલ અસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં દર વર્ષે આશરે ૭૨૦ કરોડ લિટર ડીઝલ અને ૩૬૦ કરોડ લિટર પેટ્રોલનો વપરાશ થઈ રહ્યો છે. એટલે એક વર્ષમાં રાજ્યના લોકોએ કુલ ૬૪,૦૮૦ કરોડનું ડીઝલ અને ૩૩,૮૪૦ કરોડનું…પેટ્રોલ ખરીદ્યું હતું. રાજ્ય સરકાર વેટ અને સેસ તરીકે પેટ્રોલમાં ૧૭.૭ ટકા અને ડીઝલમાં ૧૮.૬ ટકા રકમ વસૂલે છે.
આ હિસાબ મુજબ પેટ્રોલ અને ડીઝલ પેટે ગુજરાતની પ્રજાએ એક વર્ષમાં ચૂકવેલી કુલ રૂ. ૯૭,૯૨૦ કરોડની રકમમાંથી ૧૮,૦૦૦ કરોડથી વધુ તો સીધા સરકારની તિજોરીમાં ગયા હતા. ટૂંકમાં, સરકારે લોકોના ખિસ્સા પર સર્જિકલ સ્ટ્રાઈક પાડી રહી છે. મુખ્યપૂર્વે ચાલતા યુદ્ધના લીધે ઈંધણની કટોકટી સર્જાતા કેન્દ્રસરકારે તો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પરંતુ રાજ્ય સરકાર પોતાની કમાણીમાં જરાય કાપ મૂકવા તૈયાર નથી. હકીકતમાં સરકાર પેટ્રોલ-ડીઝલ પરના વેરામાં ભલે હંગામી ધોરણે પણ થોડો ઘટાડો કરી વધતી મોંઘવારીને કાબૂમાં રાખી શકે તેમ છે પણ ગુજરાત સરકાર ને આ દિશામાં કામ કરવું નથી.

જો ગુજરાત સરકાર ઈંધણ પરના મૂલ્ય વર્ધિત વેરામાં ૪ ટકાનો ઘટાડો કરે, તો ભૂતકાળના ટ્રેન્ડ અને ગણતરી મુજબ પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે રૂ. ૪ પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાત સરકારે છેલ્લે ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના પગલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડીને રૂ. ૭ પ્રતિ લીટરની સીધી રાહત આપી હતી.

Related posts

ગુજરાતના ૨૦થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

Master Admin

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડથી બનાવતા હતા પનીર

Master Admin

નવસારી ભાજપમાં ભડકો, બે મહામંત્રીઓએ આપ્યા રાજીનામા

Master Admin

Leave a Comment

Translate »