ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર
૧૪ એપ્રિલે KKR સામેની મેચ દરમિયાન ઈજા થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ એપ્રિલ ૨૦૨૬ –– રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2026 વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. MS ધોનીની ઈજા પહેલાથી જ CSK માટે ચિંતાનું કારણ બની ગઈ છે, ચાહકો તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હવે ચેન્નાઈ માટે વધુ ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ કે IPL બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ ૧૮ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે IPLથી બહાર થયો છે. ખલીલ અહેમદ CSKની અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચમાં રમી ચૂક્યો હતો, તેને ૧૪ એપ્રિલે KKR સામેની મેચ દરમિયાન ઈજા થઈ હતી. ટુર્નામેન્ટના શરૂઆતના તબક્કા દરમિયાન તે CSK માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓમાંનો એક હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગ્રેડ ૨ ટીયર છે અને રિહેબિલિટેશનમાં ઓછામાં ઓછા ૧૦-૧૨ અઠવાડિયા લાગશે.
મીડિયા અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2026ની પહેલી મેચ ૨૩ એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમી શકે છે. CSKના સૂત્રો અનુસાર, ૪૪ વર્ષીય ધોની જે પ્રી-સીઝન કેમ્પ દરમિયાન પગની ઇજાને કારણે બહાર છે, હવે સંપૂર્ણ ફિટનેસ મેળવવાની નજીક છે. CSKની આગામી મેચ ૧૮ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આનો અર્થ એ છે કે ધોની આ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં.
CSKએ IPL 2026માં અત્યાર સુધીમાં ૫ મેચ રમી છે. તેને તેની પહેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેની છેલ્લી બે મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમણે ઘરઆંગણે જીત મેળવી હતી. CSK માટે સારા સમાચાર એ છે કે ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસનના બેટથી રન આવવા લાગ્યા છે. હવે એવું લાગે છે કે ચેન્નાઈનું અભિયાન પાછું પાટા પર આવી રહ્યું છે. તેમ છતાં તેઓ હાલમાં IPL 2026 પોઈન્ટ ટેબલ પર ૮મા સ્થાને છે.

