Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ભાડા કાયદાએ ઘર ધણીને ભાડૂઆત બનાવી દીધોઃ મકાનમાલિક ક્યાં જાય?!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

બાત પત્તે કી કરેગા, દર્પણ અને કર્મશીલ જૂઠ નહીં બોલે!આ બે વાક્યથી શરૂઆત કરું છું!
જૂની કહેવત છે – ઘર બાંધી જો અને ઘર માંડી જો. એટલે ઘર બાંધવું અને ઘર માંડવું બંને અઘરા. અને બીજી કહેવત – ડાહ્યા ઘર બાંધતા અને ગાંડા રહેવા જતા. સમજુ માણસ મકાન બનાવીને ભાડે આપે, અને ભાડૂઆત મોજ કરે.
પહેલાના જમાનામાં ઘર ધણીનો રુઆબ હતો. સાંજે દીવા બત્તીનો સમય થાય એટલે ઘર ચોખ્ખું, આંગણું વાળેલું, તુલસી ક્યારે દીવો. ઘર ધણી કહે – સારો કિરાયેદાર લાવો, જે ઘરને ઘર સમજે. લોકો ભાડે રહેવા માટે લાયકાત બતાવતા.
પછી આ દેશમાં બોમ્બે રેન્ટ એક્ટ આવ્યો. નામ સાંભળવામાં મીઠું લાગે – ભાડૂતને રક્ષણ આપતો કાયદો. પણ આ કાયદાએ આખું અર્થતંત્ર ઉલટાવી નાખ્યું.
થયું એવું કે ઘણા કિરાયેદારોએ દયાનત બગાડી. ભાડું નિયત કરતાં વધારે છે, એમ કહીને સ્મોલ કોઝ કોર્ટમાં સ્ટાન્ડર્ડ રેન્ટની અરજી કરી દીધી. એક વખત મામલો કોર્ટમાં ગયો એટલે તે દીવાની મેટર બની ગયો. હવે કોઈ પોલીસ કે કોઈ બીજો બાહુબલી તેને ખાલી કરાવી ન શકે. માત્ર કોર્ટનો હુકમ જોઈએ.
અને આપણી કોર્ટની સ્પીડ તો આપણે જાણીએ છીએ. તારીખ પે તારીખ. નીચલી કોર્ટમાં ૧૦ વર્ષ, અપીલમાં ૧૦ વર્ષ. ૨૦ વર્ષમાં મકાનમાલિક થાકી જાય. છોકરા પરણાવવાના હોય, દીકરીના લગ્ન હોય, પણ પોતાનું જ મકાન પોતાને નથી મળતું.
અંતે શું થાય? મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. મકાનમાલિક કંટાળીને કહે છે – ભાઈ તું જ રાખી લે. ચાર આની કિંમતમાં પતાવો. અને જે ભાડૂત ૫૦ રૂપિયા ભાડે રહેતો હતો તે જ મકાનનો ૨૫ % માં માલિક બની જાય.
તેથી જ ૫૦ વર્ષ પહેલાં મુંબઈના વકીલો કહેતા – માલદાર થવું હોય તો બે ચાર ભાડાના ઘર શોધી લ્યો. આ વાક્ય મજાક નથી, આ કાયદાની બલિહારી છે.
આ કાયદાના ડરથી આજે કોઈ ઘર ધણી ઘર ભાડે આપતો નથી. તે શું કરે છે?
તે કહે છે – હું ભાડે નથી આપતો, હું તો તમને મહેરબાની રાહે વાપરવા આપું છું. લિવ એન્ડ લાયસન્સ. ૧૧ માસનો કરાર. દર વર્ષે ૧૫% વધારો. તમે ભાડૂઆત નથી, તમે લાયસન્સી છો. ખાલી કરવાનું કહું ત્યારે ખાલી કરવું પડશે.
શબ્દો બદલાઈ ગયા, પણ ભાવના બદલાઈ ગઈ. પહેલા ઘર ધણી અને ભાડૂત વચ્ચે સંબંધ હતો, હવે માત્ર કરાર છે. વિશ્વાસ હતો, હવે શંકા છે.
એ વાસ્તે પણ સિદ્ધહસ્ત અનુભવી સંત સુરા કહે છે – કાયદો હોવો જોઈએ, પણ એકતરફી નહીં. ભાડૂતને રક્ષણ જોઈએ, પણ ઘર ધણીને પણ રક્ષણ જોઈએ. જેણે લોહી-પસીનાથી ઘર બનાવ્યું છે તેને જો પોતાના જ ઘર માટે કોર્ટના ધક્કા ખાવા પડે તો તેનાથી મોટો અન્યાય કોઈ નથી.
આજના નવા ભાડા વિધેયકમાં આ જ વિરોધ છે. વિરોધ ભાડાનો નથી, વિરોધ દગાનો છે. વિરોધ એ વાતનો છે કે કાયદો એવો હોવો જોઈએ કે ડાહ્યા ઘર બાંધે અને ડાહ્યા જ રહેવા જાય, ગાંડા નહીં!

Related posts

સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Reporter1

SUD Life Launches Viksit Bharat and New India Leaders Funds to Play the India Growth Story and Create Wealth for Policyholders

Reporter1

ડિજિટલ યુગમાં ગુમ વ્યક્તિની અફવાઓઃ ભય, તથ્યો, કાયદો અને લોકશાહી માટે ખતરો

Master Admin

Leave a Comment

Translate »