Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત સરકારના એક્શનથી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો

બાંગ્લાદેશને ૨૬૮૦ શંકાસ્પદની યાદી સોંપાઈ

દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ વિદેશીઓ સામે કાયદાના દાયરામાં રહીને કડક કાર્યવાહી કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ વિદેશીઓ સામે કાયદાના દાયરામાં રહીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દિશામાં એક મોટું પગલું ભરતા નવી દિલ્હી દ્વારા બાંગ્લાદેશ સરકારને ૨,૬૮૦ થી વધુ શંકાસ્પદ નાગરિકોની યાદી સોંપવામાં આવી છે, જેથી તેમની રાષ્ટ્રીયતાની સત્તાવાર પુષ્ટિ કરીને તેમને પરત મોકલી શકાય.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતે ૨,૬૮૦ થી વધુ કેસ બાંગ્લાદેશી સત્તાવાળાઓને સોંપ્યા છે. પ્રવક્તાએ ઉમેર્યું કે, “જેમ જ આ લોકોની રાષ્ટ્રીયતાનું વેરિફિકેશન પૂર્ણ થશે, અમે આ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ (પરત મોકલવા) કરવાની સ્થિતિમાં હોઈશું.” આમાંના ઘણા કેસો છેલ્લા ૫ વર્ષ કે તેથી વધુ સમયથી વેરિફિકેશન પ્રક્રિયામાં અટકેલા છે. દ્વિપક્ષીય કરારના આધારે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે.બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર રચાતા જ ગેરકાયદેસર પ્રવાસીઓ વિરૂદ્ધ ‘ઓળખો, હટાવો અને ડિપોર્ટ કરો’ ની કડક નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આ કડક કાયદા, જેલવાસ અને ભારે દંડના ડરથી પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદના હાર્કિમપુર ચેકપોસ્ટ પર શુક્રવારે બાંગ્લાદેશ પરત ફરવા ઈચ્છતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.વર્ષ ૨૦૧૭ થી બંગાળમાં રહીને રિક્ષા ચલાવતા અબ્દુલે જણાવ્યું કે, કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી નવી નીતિ હેઠળ જેલ જવાનો ડર સતાવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાર્યકાળમાં તેમને કોઈ તકલીફ નહોતી પડી, પરંતુ હવે સુરક્ષાને લઈને ચિંતા છે. આવી જ રીતે પ્રેમમાં પડીને દલાલને ૧૫,૦૦૦ રૂપિયા આપી સરહદ પાર કરનારી સુમૈયા ખાતુન પણ પતિ દ્વારા તરછોડાયા બાદ પોતાની ૨ વર્ષની પુત્રી સાથે દસ્તાવેજોના અભાવે બાંગ્લાદેશ પરત ફરી રહી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશોને પગલે પશ્ચિમ બંગાળના ગૃહ વિભાગે ૨૩ મે ના રોજ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સ ને સત્તાવાર આદેશ જાહેર કર્યા છે. આ આદેશ હેઠળ પકડાયેલા ગેરકાયદેસર વિદેશી નાગરિકો (ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા) તેમજ સજા પૂરી કરી ચૂકેલા વિદેશી કેદીઓને રાખવા માટે જિલ્લાઓમાં ‘હોલ્ડિંગ સેન્ટર’ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે, જેથી ડિપોર્ટેશનની પ્રક્રિયા ઝડપી બની શકે.

Related posts

કેદારનાથ યાત્રા પર જનાર માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ

Master Admin

પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ?

Master Admin

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો

Master Admin

Leave a Comment

Translate »