Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોંઘવારીનો મોટો વિસ્ફોટ, એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ૮.૩૦% પર પહોંચ્યો

૪૨ મહિનાનો રેકોર્ડ તોડ્યો

ઈરાન સંકટ અને ખાડી દેશોમાં તણાવને કારણે કાચા તેલની કિંમતોમાં જે ઉછાળો આવ્યો તેની સીધી અસર આ આંકડાઓમાં દેખાઈ રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ મે ૨૦૨૬ — દેશમાં મોંઘવારીનું દબાણ હવે ઝડપથી વધતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે WPI વધીને ૮.૩૦ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે માર્ચમાં આ આંકડો ૩.૮૮ ટકા હતો. આ છેલ્લા ૪૨ મહિના એટલે કે અંદાજે સાડા ત્રણ વર્ષનું સૌથી ઊંચું સ્તર માનવામાં આવી રહ્યું છે, જેનાથી આગામી સમયમાં રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતો પર વધુ અસર પડી શકે છે.

આ વધારામાં સૌથી મોટું યોગદાન ઇંધણ સેક્ટરનું રહ્યું છે. Fuel & Power મોંઘવારી માર્ચના ૧.૦૫ ટકાથી ઉછળીને એપ્રિલમાં ૨૪.૭૧ ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કાચા તેલની જથ્થાબંધ મોંઘવારી ૮૮ ટકાથી ઉપર નોંધાઈ છે.

પેટ્રોલની કિંમતોમાં ૩૨.૪૦ ટકા અને ડીઝલમાં ૨૫.૧૯ ટકાના વધારાએ પણ મોંઘવારીના દબાણને વધુ વધારી દીધું છે. LPG ની કિંમતોમાં પણ ૧૦.૯૨ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓથી સ્પષ્ટ જણાય છે કે, સામાન્ય લોકો પર મોંઘવારીનું દબાણ સતત વધી રહ્યું છે.

પ્રાઈમરી આર્ટિકલ્સની મોંઘવારી માર્ચના ૬.૩૬ ટકાથી વધીને એપ્રિલમાં ૯.૧૭ ટકા થઈ ગઈ. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્‌સમાં મોંઘવારી ૩.૩૯ ટકાથી વધીને ૪.૬૨ ટકા રહી.

સરકારે અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPG કિંમતોને સ્થિર રાખી છે જેથી સામાન્ય લોકોને રાહત મળી શકે. જોકે, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો વૈશ્વિક સ્તરે તેલની કિંમતો સ્થિર નહીં થાય, તો આગામી મહિનાઓમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારી બંને પર દબાણ વધી શકે છે.

Core WPI એટલે કે ખોરાક અને ઇંધણને બાદ કરતાં બાકીની વસ્તુઓની મોંઘવારી ૫ ટકા પર પહોંચી ગઈ છે, જે ૪૩ મહિનાનું ઊંચું સ્તર છે. માર્ચમાં તે ૩.૭ ટકા હતી. રાહતની વાત એ છે કે ખાવા-પીવાની વસ્તુઓ બહુ મોંઘી થઈ નથી. Food Inflation માર્ચના ૧.૮૫ ટકાથી વધીને માત્ર ૨.૩૧ ટકા રહી. ડુંગળી અને બટાકાના ભાવ જથ્થાબંધ બજારમાં હજુ પણ ગયા વર્ષ કરતા નોંધપાત્ર રીતે નીચે છે. DPIIT મુજબ, મે મહિનાના WPI આંકડા ૧૫ જૂને જાહેર કરવામાં આવશે.

માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇંધણ અને પાવર જૂથમાં મોંઘવારી દર ૧૮.૨૨ ટકા વધ્યો છે. જોકે, વીજળીના ભાવમાં ૨.૫૩ ટકાનો ઘટાડો થતાં સામાન્ય રાહત મળી છે. એપ્રિલમાં ફૂડ ઇન્ડેક્સ (અનાજ, કઠોળ અને ઉત્પાદિત ખાદ્ય ચીજો)માં માર્ચની સરખામણીએ ૨.૩૧ ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ૧.૮૫ ટકા પર સ્થિર રહ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ૬૪.૨૩ ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીમાં એપ્રિલમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. આ જૂથની ૨૨માંથી ૨૧ પ્રોડક્ટ્‌સના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ભારતનો છૂટક મોંઘવારી દર એપ્રિલમાં ૩.૪૮ ટકા નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં વીજળી, ગેસ અને અન્ય ઇંધણ માટેનો ફુગાવો ૧.૭૧ ટકાના નીચા સ્તરે જળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ વધવાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.

Related posts

આજ રોજ ૧૨ લાખથી વધુ મેડિકલ સ્ટોર્સની હડતાળ

Master Admin

૨૬૦ કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું

Master Admin

સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ

Master Admin

1 comment

Casey2752 May 15, 2026 at 7:22 pm Reply

Leave a Comment

Translate »