Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

સંગમની કથા વિરામ પામી;આગામી-૯૫૧મી કથાનો  પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે

 

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે.

એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ!

દ્રષ્ટિની વક્રતા ખતમ થવાથી સમાનુભૂતિ થાય છે.

જગતને સહાનુભૂતિ કરતા સમાનુભૂતિની વધારે જરૂર છે.

ગંગા સત્ય છે,યમુનાજી પ્રેમ છે અને સરસ્વતી કરુણા છે.

“સંગમમાં સંકલ્પ કરજો કે:હું જેવો છું એવો જ મને રજૂ કરું”

ધર્મનો સંબંધ રીલિજીયસથી નહીં પણ સનાતન મૂલ્યો સાથે છે.

 

કથા બીજપંક્તિ:

માઘ મકરગત રબિ જબ હોઇ;

તીરથપતિહિં આવ સબ કોઇ

દેવ દનુજ કિંનર નર શ્રેની;

સાદર મજ્જહિં સકલ ત્રિબેની

-બાલકાંડ દોહા-૪૪

આજે કથાનાં પૂર્ણાહુતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ કહ્યું કે આ મહાકુંભમાં અનેક યજ્ઞો, સત્કર્મો,કથાઓ ચાલી રહ્યા છે.

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીજીની વિશેષ ઉપસ્થિતિ રહી.

કહ્યું કે ગણતંત્ર દિવસમાં ઘણી વાતોનો સંગમ થયો. સંવિધાન દિવસ,રાષ્ટ્રધ્વજ દિવસ અને આજે ગણતંત્ર દિવસ-આ સંગમ પર દુનિયાને અને દેશવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે:

ભારતનું લોકતંત્ર એક કિનારો છે અને વેદમંત્ર બીજો કિનારો છે,આ બંને કિનારાઓ વચ્ચે પરમાર્થ નિકેતન આશ્રમનો પ્રવાહ વહી રહ્યો છે.પરમાર્થ નિકેતન આશ્રમમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ છે ત્યારે વિનય કરતા કહ્યું કે:અહીં વટવૃક્ષ તો છે જ એને વિશ્વાસ વટ નામ આપીશું અને ડાબી બાજુ વાલ્મિકી અને જમણી બાજુ તુલસીદાસની મૂર્તિ પણ આ પ્રતિકૃતિમાં રાખીએ.

કથા બાબત વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી.સંસ્કૃત ગ્રંથમાં એક શ્લોક છે એ કહે છે કે:સમુદ્ર જેનું પદ પ્રક્ષાલન કરે છે,હિમાલય જેનો કિરીટ-મુગટ છે અને સમસ્ત ચેતનાઓ જેમાં નિવાસ કરે છે એવા ભારત માતરમને અમે પ્રણામ કરીએ છીએ.

અથર્વવેદમાં પણ લખ્યું છે કે પૃથ્વી એ ગાયનું સ્વરૂપ છે.બધાને પોષણ આપે છે,બધાનો સંગમ-મિલન અને સ્વિકાર કરે છે એવી ભૂમિને પ્રણામ કરીએ છીએ. સીતારામના વિવાહમાં જનક અને દશરથનો સંગમ થયો છે.અયોધ્યાકાંડમાં અયોધ્યાની ખૂબ જ વધારે સમૃદ્ધિ અને અતિસુખનાં અતિરેકને કારણે વનવાસનો સંકેત આપે છે.મંથરાને ત્રિભંગા કહી છે એના પગ અને ગરદન વાંકી છે એ તો હોય પણ, એની દ્રષ્ટિ પણ વક્ર છે એ વનવાસનું કારણ બને છે. વક્ર દ્રષ્ટિને સમ્યક કરવા માટે જ હરીકથા છે.દ્રષ્ટિની વક્રતા ખતમ થવાથી સમાનભૂતિ થાય છે.જગતને સહાનુભૂતિ કરતા સમાનુભૂતિની વધારે જરૂર છે.

હું જે નથી એ જગતને દેખાડવાની કોશિશ ન કરું

એવી પ્રાર્થના કરજો.સંગમમાં સંકલ્પ કરજો કે હું જેવો છું એવો જ મને રજૂ કરું.

રામને વનવાસ થયો અને ચિત્રકૂટમાં સ્થિર થયા. દશરથના પ્રાણ ત્યાગ વખતે લોકો અને મુની ભરતને રાજગાદી માટે વિનંતી કરે છે ત્યારે ભરત કહે છે કે હું પદનો નહીં પાદુકાનો માણસ છું.હું સત્તાનો નહીં પણ સતનો માણસ છું.

આથી જ બાલકાંડનો આરંભ,અયોધ્યાકાંડનો મધ્ય અને ઉત્તરકાંડનો અંત જે બરાબર સમજી લે છે એનું નામ જ સંત છે.ભરતમિલાપના પ્રસંગમાં આધાર માટે પાદુકા આપવામાં આવી.પાદુકા વિશે અનેક સંતોએ અનેક રીતે પ્રકાશ પાડ્યો છે.પણ જે યુવાનોને રામચરિત માનસમાં રુચિ હોય એ ચિત્રકૂટ પીઠાધીશ રામભદ્રાચાર્યજી-જેણે એક પુસ્તક લખ્યું છે:’પ્રભુ કરી કૃપા પાંવરી દિન્હી’-આ પુસ્તક ખાસ વાંચવું.

ચિત્રકૂટમાં મિથિલા અને અયોધ્યાનો સંગમ થયો, જાણે એક પ્રેમનગર વસી ગયું!

ધર્મનો સંબંધ રીલિજીયસથી નહીં પણ સનાતન મૂલ્યો સાથે છે એવું જણાવ્યું.ભરત નંદીગ્રામમાં રહેવાની વાત કરે છે એ કરુણ પ્રસંગ ભીની આંખોથી વર્ણવીને કહ્યું કે વૈરાગ્યનો જન્મદાતા પરમપ્રેમ છે.

એ પછી અરણ્યકાંડમાં અત્રિની સ્તુતિ,અનસુયા પાસેથી નારી ધર્મની શિખામણ,શરભંગ અને સુતિક્ષ્ણ તેમજ કુંભજ પાસે પ્રશ્ન પૂછીને ગોદાવરી પાસે પંચવટીમાં નિવાસ કર્યો.ગીધરાજ જટાયુને મળ્યા.એ પછી લક્ષ્મણ દ્વારા પુછાયેલા પાંચ પ્રશ્નોના ઉત્તર પછી સુર્પણખાનો પ્રવેશ થાય છે.અધ્યાત્મમાં જાગરણ થાય છે એ જ વખતે કોઈને કોઈ સુર્પણખા વિક્ષેપ કરે છે.એ દંડિત થઈ અને ખર-દુષણ પરસ્પર એકબીજામાં રામદર્શન કરીને મર્યા.

આપણે જ્યારે પરસ્પર રામદર્શન નહીં કરીએ ત્યાં સુધી રાગ-દ્વેષ મરશે નહીં.

અરણ્યકાંડમાં શબરીના આશ્રમમાં આવીને શબરી યોગ અગ્નિમાં પરમધામમાં ગઈ.કિષ્કિંધા કાંડમાં રામ અને સુગ્રીવના મૈત્રીનો સંગમ થયો.સીતાહરણ પછી હનુમાનજી દ્વારા લંકાદહનનો પ્રસંગ અને એ પછી સુંદરકાંડનાં સમાપન વખતે હનુમાન ચુડામણી લઇને પાછા આવે છે.રાવણના નિર્વાણનું વર્ણન અને લંકા કાંડના અંતમાં કલ્યાણ રાજ્યની સ્થાપના કરતા હોય એમ શિવનું સ્થાપન થયું.લંકામાં એક પણ શિવ મંદિર નથી.એક કિનારા ઉપર હરી મંદિર એક કિનારા ઉપર હર મંદિર-આ સંગમ બનાવ્યો.

ગાંધીજી રામચરિત માનસને બધા જ ગ્રંથોથી વધારે દિવ્ય માનતા એની અલગ-અલગ વાત પણ બાપુએ જણાવી.

સિતારામ પુષ્પક આરુઢ થઈને અયોધ્યામાં પ્રવેશ કરે છે અને આ રીતે તુલસીદાસજી રામચરિત માનસનો સાર સત્ય,પ્રેમ અને કરુણા બતાવીને માનસને પૂરું કરે છે.

બાપુએ કહ્યું કે ગંગા સત્ય છે,યમુનાજી પ્રેમ છે અને સરસ્વતી કરુણા છે.કરુણા હંમેશા ગુપ્ત હોય છે. અહીં એક નિષાદ અને પરમપાવન વશિષ્ઠનો મોટો સંગમ છે.

ખાસ એ વાત પણ કહી કે:એક ને જાણો,એકને ધ્યાવો એટલે કે ધ્યાન કરો,એકને સેવો અને એકના થઈ જાઓ!

આરામ કથાનું સુકૃત સતુઆ બાબાની પવિત્ર,પ્રવાહી અને પરોપકારી પીઠને અર્પણ કરી અને કહ્યું કે આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે સાથે સેવ્ય પણ છે. હનુમાનજીને વિદાય આપતા કહ્યું કે તમારું એક સ્વરૂપ આ કુંભમાં પણ રાખજો અને કુંભની રક્ષા કરજો.બધી જ વ્યવસ્થા માટે પોતાનો પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કરીને કથા અને વિરામ આપ્યો.

 

આગામી-ક્રમમાં ૯૫૧મી-રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડીઆદ ખાતે યોજાશે.જેનું નિયમિત જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલ પર નિયત સમયે સવારે ૧૦ વાગ્યાથી નિહાળી શકાશે.

Related posts

Elon Musk’s PayPal took everything from Sandeep Choudhary, Google gave him a second chance, and now he is on a mission to save the planet

Reporter1

ભ્રષ્ટાચાર એ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ સામાજિક વિશ્વાસનું ઉલ્લંઘન છે. નાગરિક સર્વોચ્ચ છે, અને તેમની સેવા કરવી એ આપણી સર્વોચ્ચ ફરજ છે.

Master Admin

અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન “સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે,પાછા આવો,જગાડવા આવ્યો છું” “જેને કોઈ બારણા કે દીવાલો નથી એવા ઘરમાં પાછા આવતા રહો!”

Reporter1
Translate »