Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“સબ કુછ હટને કા, ઈગો મત હટને કા – સ્વાભિમાન એ જ સૌથી મોટી મૂડી”!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

જિંદગી એક જુગાર છે. અહીં પૈસા આવે-જાય, હોદ્દા આવે-જાય, ઘર-ગાડી આવે-જાય, સંબંધો પણ આવે-જાય. પણ એક વસ્તુ જો જતી રહે તો માણસ જીવતા જ મરી જાય છે – એ છે “સ્વાભિમાન”.એટલે જ કહેવાય છે – “સબ કુછ હટને કા, ઈગો મત હટને કા.”

ઈગો એટલે શું? અહીં ગેરસમજ દૂર કરો.

ઈગો શબ્દ સાંભળીને લોકો તરત “ઘમંડ” સમજે છે. નાકે ચઢેલો અહંકાર, “હું જ સર્વસ્વ” ની ભાવના. પણ આ કટારમાં ઈગોનો અર્થ છે – સેલ્ફ રિસ્પેક્ટ, આત્મસન્માન, આત્મવિશ્વાસ.એ ભાવના કે “હું પડીશ તો ફરી ઉભો થઈશ”, “મારી પાસે આજે કંઈ નથી, પણ કાલે હું કમાઈ લઈશ”, “હું ભીખ નહીં માંગુ, મહેનત કરીશ.”

ભૌતિક વસ્તુઓ વિ. આત્મસન્માન
ધંધામાં ખોટ ગઈ, દેવાળું નીકળ્યું, બંગલો વેચવો પડ્યો, ગાડી ગીરવે મૂકવી પડી. આ બધું “સબ કુછ” છે. આ હટી શકે છે, વાંધો નથી. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. આજે દુનિયા એમને ઓળખે છે. કારણ? પૈસા ગયા, પણ “હું કરી શકું છું” એ ઈગો ન ગયો.

પણ જો માણસ એમ વિચારે – “હવે મારું કંઈ નહીં થાય”, “હું નાલાયક છું”, “લોકો શું કહેશે” – તો સમજો એનો ઈગો હટી ગયો. પૈસા કરતાં મોટી દોલત ગઈ. ભિખારી પૈસાથી નહીં, સ્વાભિમાન ગુમાવવાથી બને છે. રસ્તા પર સુતેલો માણસ પણ જો આંખમાં ચમક રાખે કે “હું મહેનત કરીને ઉભો થઈશ” – એ રાજા છે.

ઈતિહાસ સાક્ષી છે

૧. મહારાણા પ્રતાપઃ મેવાડ ગયું, રાજપાઠ ગયો, જંગલમાં ઘાસની રોટલી ખાવી પડી. બાદશાહ અકબરે કહેવડાવ્યું – “ઝુક જાવ, બધું પાછું મળશે.” પ્રતાપે કહ્યું – “સબ કુછ હટ ગયા, મેવાડ કા સ્વાભિમાન નહીં હટેગા.” આજે ૫૦૦ વર્ષ પછી પણ દુનિયા પ્રતાપને પૂજે છે.

૨. છત્રપતિ શિવાજીઃ આગ્રામાં કેદ થયા. દરબારમાં અપમાનિત થયા. પણ ઈગો ન તૂટ્યો. મિઠાઈના ટોપલામાં સંતાઈને નીકળી ગયા. કારણ કે શિવાજી જાણતા હતા – શરીર કેદ થાય, આત્મા નહીં.

૩. લાલ બહાદુર શાસ્ત્રીઃ પ્રધાનમંત્રી હોવા છતાં ઘરમાં ગરીબી. દીકરાની ફી ભરવા લોન લેવી પડી. પણ ક્યારેય ભ્રષ્ટાચાર ન કર્યો. કારણ? “સબ કુછ હટને કા, પર ઈમાનદારી કા ઈગો મત હટને કા.”

આજની સમસ્યા – અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની પાતળી રેખા
યુવાનો “એટીટ્યુડ” ના નામે અહંકાર પાળે છે. “મને કોઈની જરૂર નથી” – આ અહંકાર છે. “હું મારી મેહનતથી ઉભો થઈશ” – આ સ્વાભિમાન છે.
નેગેટિવ ઈગોઃ “હું જ સાચો, બાકી બધા ખોટા.” “મારી ભૂલ ન હોય.” “હું માફી ન માંગુ.” આ ઈગો માણસને એકલો પાડી દે, સંબંધ તોડાવે, બરબાદ કરે. રાવણ પાસે સોનાની લંકા હતી, પણ અહંકાર હતો. પરિણામ? ખાખ થઈ ગયો.
પોઝિટિવ ઈગોઃ “હું નિષ્ફળ જઈશ, પણ પ્રયત્ન કરીશ.” “લોકો હસશે, પણ હું ઝુકીશ નહીં.” “મારું કામ બોલશે.” આ ઈગો માણસને ઉભો કરે. અબ્દુલ કલામ સાહેબ અખબાર વેચતા હતા, પણ આત્મવિશ્વાસ હતો – “હું વૈજ્ઞાનિક બનીશ.” બન્યા. રાષ્ટ્રપતિ બન્યા.

સબ કુછ હટે ત્યારે શું કરવું?
૧. સ્વીકારઃ નુકસાન થયું એ સ્વીકારો. રડો નહીં. “મારી સાથે જ કેમ?” એ સવાલ ન પૂછો. તોફાન સૌના ઘરે આવે.
૨. આત્મમંથનઃ શું ખોટું થયું? શું શીખ્યા? ભૂલ કબૂલ કરો, પણ પોતાને ગાળ ન દો.
૩. શૂન્યથી શરૂઆતઃ ધીરુભાઈએ કહ્યું હતું – “હું પહેલી પેઢીનો ઉદ્યોગપતિ છું. મારી પાસે ગુમાવવા જેવું કંઈ ન હતું, એટલે મેં જોખમ લીધું.” તમારી પાસે આજે કંઈ નથી? સારું! હવે ગુમાવવાનો ડર નહીં.
૪. કર્મઃ ઉભા થાવ. એક કામ પકડો. નાનું કામ, પણ પોતાનું કામ. સ્વાભિમાન ભીખથી નહીં, મહેનતથી પાછું આવે.
ખેર, પૈસા કમાવા સહેલા છે, સ્વાભિમાન કમાવું અઘરું છે. હોદ્દો મળી જાય, ઈજ્જત કમાવી પડે. દુનિયા તમારી ગાડી જોશે, પણ તમે તમારી કરોડરજ્જુ સીધી રાખો એ જરૂરી છે.
યાદ રાખો – સાપ કરડે તો મંત્ર ભૂલાય, પણ સિંહ શિકાર કરવાનું ન ભૂલે. તકલીફ આવે તો બંગલો-ગાડી ભૂલાય, પણ “હું મર્દ છું, હું ફરી ઉભો થઈશ” એ ઈગો ન ભૂલાય.
જેની પાસે સ્વાભિમાન છે, એની પાસે સબ કુછ છે. જેની પાસે સ્વાભિમાન નથી, એની પાસે સબ કુછ હોય તો પણ ભિખારી છે!જય સ્વાભિમાન! જય આત્મવિશ્વાસ!

Related posts

Oxford University Press hosts a Teacher Training Workshop in Rajkot to Develop Critical Thinking Skills in the English Classrooms

Reporter1

Reddit Ignites Festive Spirit with Diwali Awards and Avatars Across 80+ Indian Communities

Reporter1

મોંઘવારીના બે ભાવ : ૫૦૦ રૂપિયાનો ગુનો!

Master Admin

Leave a Comment

Translate »