ભાજપની રાજ્યસભામાં સંખ્યા વધીને ૧૧૩ થઈ
રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ — આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે.
રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદોએ બળવો કરી આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આપ છોડનાર સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે- આ સાંસદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહ માટે ચૂંટાયા છે, પરંતુ બાદમાં તેમણે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો.
સંજય સિંહે કહ્યુ હતું કે આપના સાતેય સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું પક્ષપલટા સમાન છે. આ પંજાબની જનતા અને ભારતના બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું કે જરૂર પડવા પર આમ આદમી પાર્ટી આ મામલામાં કાયદાકીય પગલાં ભરશે.

