વડોદરામાં ગિફ્ટ પાર્સલના નામે સાયબર ઠગાઈ
સ્કોટલેન્ડથી ગિફ્ટ મોકલ્યાની લાલચ આપી પાર્સલ અને કસ્ટમ ચાર્જના બહાને લાખોની છેતરપિંડી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — વડોદરા જિલ્લાના એક ગામમાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા સાથે ફ્રેન્ડશિપના નામે ૨૧ લાખ રૂપિયાની સાયબર ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. સ્કોટલેન્ડના ડૉક્ટર અમાનના નામે મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વિશ્વાસમાં લેવામાં આવી હતી. ત્યારબાદ ગિફ્ટ પાર્સલ મોકલ્યું હોવાનું કહી પાર્સલ છોડાવવા અને વિવિધ ચાર્જ ચૂકવવાના બહાને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ મામલે મહિલાએ સાયબર સેલને જાણ કરી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, ગત ૧૪ ફેબ્રુઆરીએ મહિલાને સ્કોટલેન્ડના ડૉક્ટર અમાનના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આરોપીએ મેસેજ દ્વારા વાતચીત શરૂ કરી હતી. તેણે પોતાની અંગત વાતો કરતાં જણાવ્યું હતું કે તેની પત્નીનું અવસાન થયું છે અને તે પોતાના પુત્ર સાથે એકલો રહે છે. આ રીતે મહિલાનો વિશ્વાસ કેળવ્યા બાદ તેણે મહિલાનો વોટ્સએપ નંબર લીધો હતો. આરોપીએ મહિલા સાથે વાતચીત દરમિયાન તેને પોતાની મિત્ર ગણાવી ગિફ્ટ પાર્સલ મોકલવાની વાત કરી હતી. ૨૦ ફેબ્રુઆરીએ તેણે મહિલાનું સરનામું લઈને પાર્સલ મોકલ્યું હોવાનો દાવો કર્યો હતો. પાર્સલમાં પર્સ, ઘડિયાળ અને ચોકલેટ હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ ૨૩ ફેબ્રુઆરીએ દિલ્હીની પાર્સલ ઓફિસમાંથી પ્રિયા નામની મહિલાનો ફોન આવ્યો હતો. સ્કોટલેન્ડથી પાર્સલ આવ્યું હોવાનું જણાવી તેને છોડાવવા માટે ૨૮,૯૦૦ રૂપિયા ચૂકવવા પડશે તેમ કહેવામાં આવ્યું હતું. મહિલાએ આ રકમ ચૂકવી દીધી હતી.થોડા સમય બાદ ફરી ફોન કરીને પાર્સલમાં ૨૨ હજાર પાઉન્ડ એટલે કે આશરે ૨૮ લાખ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાર્સલ મેળવવા માટે વધુ રૂપિયા ચૂકવવાનું કહેતાં મહિલાએ તે રકમ પણ ટ્રાન્સફર કરી હતી. આ દરમિયાન ડૉક્ટર અમાનના નામે વાત કરતો ઠગ સંપર્કમાં રહ્યો હતો. ત્યારબાદ જુદા જુદા ચાર્જ અને અન્ય કારણો દર્શાવીને મહિલાની પાસેથી કુલ ૨૧ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં પાર્સલ ન મળ્યું અને ઠગો દ્વારા રૂપિયાની માગણી ચાલુ રહેતાં મહિલાને શંકા ગઈ હતી. આથી તેણે સાયબર સેલને જાણ કરી હતી.
