Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AgriculturebusinessGujaratnational

ભારતીય કૃષિમાં મહિલાઓના સશક્તિકરણ માટેની કોર્ટેવાની #2MillionWomen પહેલનાં બે વર્ષ પૂરા થયા

ગ્રામીણ ભારતમાં કૌશલ્ય નિર્માણ, આજીવિકા મજબૂતીકરણ અને પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે નારી સશક્તિકરણ

નવી દિલ્હી, ભારત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | કોર્ટેવા એગ્રીસાયન્સ દ્વારા બે વર્ષ પહેલાં એક સરળ માન્યતા સાથે, #2MillionWomen પહેલ શરૂ કરવામાં આવી હતી. આ માન્યતા હતી: જ્યારે મહિલાઓનો વિકાસ થાય છે, ત્યારે ખેતી વિકસે છે. આજે, તે માન્યતા વાસ્તવિકતા બની રહી છે.

સમગ્ર ગ્રામીણ ભારતમાં, મહિલાઓ મજબૂત આજીવિકા નિર્માણ રહી છે. તેઓ વધુ સારી કૃષિ પદ્ધતિઓ અપનાવી રહી છે, નવા ઉદ્યોગો શરૂ કરી રહી છે. તેઓ નેતૃત્વની ભૂમિકામાં પ્રવેશી રહી છે અને તેમના સમુદાયોમાં પરિવર્તન લાવી રહી છે. મહિલાઓને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા તરીકે શરૂ કરવામાં આવેલી આ પહેલ એક એવી ચળવળમાં ફેરવાઈ ગઈ છે જે ભારતની કૃષિ મૂલ્ય શૃંખલા પર સદાકાળ અસર છોડી રહી છે.

સપ્ટેમ્બર 2024માં કોર્ટેવા દ્વારા શરૂ કરવામાં આવેલી, #2MillionWomen પહેલનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતની કૃષિ મૂલ્ય શૃંખલામાં મહિલાઓને સશક્ત બનાવવાનો છે. કૃષિમાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રથમ મોટાપાયાની કોર્પોરેટ પહેલોમાંથી એક આ પહેલ પણ છે. મહિલાઓને ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સમુદાયના અગ્રણીઓ તરીકે સફળ થવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને તકોથી સજ્જ કરવાનો તેનો હેતુ છે.

તકને નેતૃત્વમાં પરિવર્તિત કરવી

સમગ્ર દેશમાં, મહિલાઓ તકને કામગીરીમાં ફેરવી રહી છે.

તેઓ ખેતીની કામગીરીમાં સુધારો કરી રહી છે. આવકની તકોનું વિસ્તરણ કરી રહી છે. નવા બજારો સુધી પહોંચી રહી છે. મજબૂત વ્યવસાયોનું નિર્માણ કરી રહી છે. તેમના ઘરો, સમુદાયો અને ખેડૂત સંગઠનોમાં વધુ જવાબદારી નિભાવી રહી છે.

ઘણી મહિલાઓ તો અન્ય મહિલાઓ માટે રોલ મોડેલ બની રહી છે. કેટલીક અન્ય મહિલાઓ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે માર્ગ ઘડવામાં મદદ કરી રહી છે.

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાની મહિલાઓ પેઢીઓથી મહુઆના ફૂલો ભેગા કરીને સ્થાનિક દેશી દારૂ બનાવનારાઓને વેચીને માંડ થોડી કમાણી કરતી હતી જેના કારણે તેઓ ગરીબી અને સામાજિક કલંકના ચક્રમાં ફસાયેલી હતી. મહિલા-નેતૃત્વ હેઠળના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)માં સંગઠિત થઈને તેમણે આખા ગાથાને સંપૂર્ણપણે ફરી લખી. આ ફૂલોનો ઉપયોગ દારૂમાં કરવાના બદલે પ્રીમિયમ, પોષક તત્વોથી ભરપૂર TRIBO મહુઆ લાડુ બનાવીને આ મહિલાઓ સંવેદનશીલ વન પેદાશ વીણનાર તરીકેની તેમની ઓળખ બદલીને આત્મવિશ્વાસુ ઉદ્યોગસાહસિકો તરીકેની ઓળખ મેળવી છે.

વધુ મજબૂત થઈ રહેલી મહિલાઓ વધુ મજબૂત પરિવારો, મજબૂત ખેડૂત સંગઠનો અને મજબૂત ગ્રામીણ સમુદાયોના નિર્માણમાં મદદ કરી રહી છે.

પ્રભાવ પર એક નજર

છેલ્લા બે વર્ષમાં, #2MillionWomen પહેલથી ગ્રામીણ ભારતમાં વ્યાપક પ્રભાવ પડ્યો છે. 22 રાજ્યોમાં 795,000થી વધુ લોકો સુધી આ પહેલ પહોંચી છે, જેમાં 637,000 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. લગભગ 49,000 મહિલાઓ હવે અગ્રણીઓ અને સામુદાયિક હિમાયતી તરીકે સેવા આપી રહી છે, જે તેમના સમુદાયોમાંથી પરિવર્તન લાવવામાં મદદ કરી રહી છે.

માત્ર પહોંચવા પર નહીં પરંતુ લાંબાગાળાની અસર પડે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 90,000થી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, 154,000થી વધુ આજીવિકાને મજબૂત બનાવવામાં આવી છે અને 171,000 હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં અપનાવવામાં આવેલી કૃષિ પદ્ધતિઓમાં સુધારો કરવામાં આવ્યો છે.

દરેક આંકડાની પાછળ વિકાસ, સ્થિતિસ્થાપકતા અને તકની ગાથા છુપાયેલી છે.

કાયમી અસર ઊભી થાય તેવી કામગીરી

બાંધવગઢ કૃષિ વનોપજ ઉત્પાદક કંપની, મધ્યપ્રદેશના પૂનમ તિવારીએ જણાવ્યું છે કે: “સૌથી મોટું પરિવર્તન એ છે કે, મહિલાઓમાં નેતૃત્વ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો છે. નિર્ણય લેવામાં વધુ મહિલાઓ સહભાગી થઈ રહી છે, બજારો સાથે જોડાઈ રહી છે અને નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી રહી છે. તેઓ પોતાના માટે અને પોતાની આસપાસના અન્ય લોકો માટે તકોનું સર્જન કરી રહી છે. કોર્ટેવાના સમર્થનથી અમને અમારું સંગઠન મજબૂત બનાવવામાં અને ખેડૂત સમુદાયોમાં અમારા પ્રભાવને વધુ વિસ્તૃત કરવામાં મદદ
મળી છે.”

ટોચના હોદ્દેદારોનો દૃષ્ટિકોણ

નાના ખેડૂતોના કૃષિ વ્યવસાય કન્સોર્ટિયમ (SFAC), ભારત સરકારના ભૂતપૂર્વ MD શ્રી પ્રવેશ શર્માએ જણાવ્યું હતું કે, “મહિલાઓ ભારતીય કૃષિ અને ગ્રામીણ વિકાસનો અભિન્ન ભાગ રહી છે. જ્ઞાન, કૌશલ્ય અને તકો સુધી તેમની પહોંચને મજબૂત બનાવવાથી આજીવિકામાં સુધારો થઈ શકે છે અને વધુ સ્થિતિસ્થાપક સમુદાયોનું નિર્માણ થઈ શકે છે. #2MillionWomen જેવી સહયોગી પહેલ મહિલાઓને કૃષિના ભવિષ્યમાં ભાગ લેવા, નેતૃત્વ સંભાળવા અને યોગદાન આપવા માટે સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.”

સમુન્નતી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેશન એન્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શ્રીધર ઈશ્વરને જણાવ્યું હતું કે, “મહિલાઓ ભારતીય કૃષિના હાર્દમાં છે અને ગ્રામીણ આજીવિકા, ખાદ્ય સુરક્ષા તથા સામુદાયિક વિકાસને મજબૂત બનાવવામાં તેઓ મહત્વની ભૂમિકા નિભાવે છે. જ્ઞાન, કૌશલ્ય અને નેતૃત્વની તકોથી મહિલાઓને સશક્ત બનાવવાથી એવા ફાયદા થાય છે જે વ્યક્તિગત ખેતરોથી ઘણા આગળ ફેલાયેલા હોય છે. #2MillionWomen જેવી પહેલ પરથી જોઈ શકાય છે કે, સતત સહયોગ કેવી રીતે આત્મવિશ્વાસ વધારવામાં, આજીવિકાને મજબૂત બનાવવામાં અને ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ અને સ્થિતિસ્થાપકતામાં યોગદાન આપવા માટે મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવામાં મદદ કરી શકે છે.”

કોર્ટેવા એગ્રીસાયન્સના APAC પ્રમુખ સુબ્રતો ગીડે કહ્યું હતું કે: “મહિલાઓ લાંબા સમયથી ભારતીય કૃષિનો આધારસ્તંભ રહી છે અને #2MillionWomen પહેલ દ્વારા, અમે તેમના યોગદાનને ઓળખવા અને સમર્થન આપવાનું કામ કર્યું છે. કૌશલ્ય, તકો અને નેટવર્ક્સની સુલભતા પૂરી પાડીને અમે મહિલાઓને અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને પરિવર્તનકર્તાઓ તરીકે ઉભરી આવતી જોઈ છે. તેની અસર માત્ર ખેતી પૂરતી નથી પરંતુ તેનાથી ઘણી આગળ વધે છે. તેમની સફળતા આજીવિકાને મજબૂત બનાવવા, પરિવારોને સહકાર આપવા અને સમુદાયોમાં પરિવર્તન લાવવામાં મદદ કરી રહી છે.

છેલ્લા બે વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તેના પર અમને ગૌરવ છે, પરંતુ મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવાની અને ભારતની કૃષિ મૂલ્ય શૃંખલામાં તેમની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવામાં મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અમે હજુ પણ અડગ છીએ.”

ભવિષ્ય પર નજર

ખેતીના ભવિષ્યનો આધાર ઇનોવેશન પર છે. તેનો આધાર સ્થિતિસ્થાપકતા પર છે. અને તેનો આધાર સમાવેશીતા પર છે. એવા ભવિષ્યમાં મહિલાઓની ભૂમિકા નિર્ણાયક રહેશે.

#2MillionWomen પહેલ તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે, ત્યારે કોર્ટેવા મહિલાઓના નેતૃત્વ હેઠળની સંસ્થાઓ અને પહેલો સતત સમર્થન આપવાનું ચાલુ રાખશે અને એવી તકો ઊભી કરશે જે વધુ મહિલાઓને કૃષિ મૂલ્ય શૃંખલામાં સફળ થવામાં મદદ કરે.

== સમાપ્ત ==

Related posts

આજથી ગુજરાતભરમાં ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ થશે

Master Admin

Toyota Kirloskar Motor Sales up 5% in June 2025, first-half 2025 numbers grow by 16%

Reporter1

Fashion Business Summit 2025 Empowers Entrepreneurs with Insights from Industry Leaders

Reporter1

Leave a Comment

Translate »