Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

સુરતમાં બે અજાયબી : પહેલા માળે રેલવે સ્ટેશન અને અંબાજી મંદિર પણ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સુરતને જોવું હોય તો ઊંચું જોવું પડે, પહેલા માળે જોવું પડે. કારણ કે સુરતની બે સૌથી મોટી અજાયબી પહેલા માળે જ છે.
પહેલી અજાયબી — સુરત રેલવે સ્ટેશન. ૧૮૬૦માં બંધાયેલું. દસ્તાવેજો કહે છે કે તે જમીનથી પહેલા માળે છે. એશિયામાં આ પ્રકારનો પહેલો પ્રયોગ. તાપી કાંઠાનું શહેર, પૂરનો ભય, તેથી અંગ્રેજોએ સ્ટેશન ઊંચું બનાવ્યું. આજે ૧૬૫ વર્ષ પછી દુનિયા એલિવેટેડ સ્ટેશનની વાત કરે છે, સુરતે ત્યારે બનાવી દીધું હતું. આજે પણ અહીંથી રોજ ૧.૫૯ લાખ મુસાફરો પસાર થાય છે.
બીજી અજાયબી, એનાથી ૪૫૦ વર્ષ જૂની — ભાગળ સ્થિત પૌરાણિક શ્રી અંબાજી મંદિર.
૪૫૦ વર્ષથી આ મંદિર પહેલા માળે છે. નીચે બજારનો શોર, ઉપર ગર્ભ ગૃહમાં મા અંબાનો દરબાર. ઈતિહાસ કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજ સુરતની સવારી વખતે અહીં દર્શને આવી ચૂક્યા છે. ત્યારથી આ મંદિર માત્ર મંદિર નથી, ઈતિહાસનું સાક્ષી છે.
આ મંદિરની રીત જુદી છે. અહીં શ્રીફળ છોતરા સહિત, ઉભું વધેરવામાં આવે છે. લોખંડની છરી કે કુહાડીથી નહીં, બાવળના એક જ લાકડામાંથી બનેલી સીંગલ પીસ મોગરીની ગદાથી. એક ઘામાં આખું નાળિયેર ઉભું ફાટે. જોનારને લાગે કે આ હાથનો કમાલ નથી, આસ્થાનો કમાલ છે.
અહીંની બાધા પણ સમય સાથે બદલાઈ છે. જૂના વખતમાં બાળકને વાચા મોડી આવે તો માતા-પિતા અહીં મરઘાં મૂકી જતાં બાળક બોલતું થાય એ બાધા સાથે. આજે એ પરંપરા બદલાઈ છે. હવે નિઃસંતાન મહિલાઓ મા પાસે આવે છે. મંદિર તરફથી તેમને ૬૪ ખંડનો પ્રસાદ નિઃશુલ્ક ખવડાવવામાં આવે છે, સંતાન પ્રાપ્તિની બાધા સાથે.
અને આ મંદિરની સૌથી મોટી ઓળખ — ચાંદીના રથની નગરચર્યા.
છેલ્લા ૫૮ વર્ષથી આ પરંપરા અતૂટ છે. નવરાત્રીમાં ગર્ભ ગૃહમાં બિરાજતા માતાજી દશેરાના દિવસે ચાંદીના રથમાં બિરાજી નગરચર્યાએ નીકળે છે. મા જાતે ભક્તોના ઘર આંગણે દર્શન આપવા જાય છે. ભાગળ, ચૌટા, ગોપીપુરાની શેરીઓમાં જ્યારે રથ નીકળે ત્યારે આખું જૂનું સુરત દર્શને ઉમટે છે.
આ આખી પરંપરાને આજે પણ જે વ્યક્તિએ અડીખમ સાચવી છે તે છે ગાદીપતિ કૈલાશ બા. ૯૦ વર્ષની ઢળતી ઉંમરે પણ તેઓ રોજ સેવામાં હાજર છે. આવનાર દરેક માઈ ભક્તને આશીર્વાદ આપે છે.
એક પહેલા માળે ૧૮૬૦થી એન્જિન દોડે છે, જે સુરતને દુનિયા સાથે જોડે છે. બીજા પહેલા માળે ૪૫૦ વર્ષથી મા દોડે છે, જે સુરતને તેના મૂળ સાથે જોડે છે.
એક અજાયબી વિકાસની, બીજી અજાયબી વિશ્વાસની. અને બંને પહેલા માળે!

Related posts

IBM and BharatGen Collaborate to accelerate AI adoption in India powered by Indic Large Language Models

Reporter1

Final Call for SCMS Pune’s BBA Programme via Symbiosis Entrance Test (SET)

Reporter1

City to host Aabra Ka Dabra Kids Carnival: A unique blend of fun and social impact

Reporter1

Leave a Comment

Translate »