Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે રૂપિયા ૧૫ લાખની ઠગાઈ

વૃદ્ધ સાથે કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે ઠગાઈ

ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વૃદ્ધના મકાનમાં ભાડે રહેતાં શખ્સે નિરમા કંપનીના ખોટા વાઉચરો આપી કરેલી છેતરપિંડી ઙ્મ કોર્ટના હુકમને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ, તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૬ — આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં મધુવન સોસાયટીમાં વર્ષ ૨૦૨૦માં ભાડેથી રહેવા આવેલા એક શખ્સે મકાન માલિક વૃદ્ધને નિરમા કંપનીમાં કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે રૂ.૧૫ લાખની છેતરપિંડી કરતા કોર્ટના આદેશ મુજબ ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે મધુવન સોસાયટીમાં રહેતા પ્રફુલકુમાર અમૃતલાલ પાઠક ખેતી તેમજ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગત વર્ષ ૨૦૨૦માં કોરોના કાળ દરમ્યાન પ્રફુલકુમાર પાઠકના ઘરના ઉપરના માળે વિશાલ ગોવિંદભાઈ વાળંદ (રહે.સર્વમંગલ સોસાયટી, ઉમરેઠ) ભાડેથી રહેવા માટે આવ્યો હતો. જેથી પ્રફુલકુમારે પોતાના મકાનના ઉપરનો માળ વિશાલને ભાડે રહેવા માટે આપ્યો હતો. વિશાલે પોતે નિરમા કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ વિશાલે નિરમા કંપનીમાં કામ કરતા માણસોને કંપનીથી સલુણ બ્રિજ સુધી લાવવા-લઈ જવા માટે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. જેથી આ કોન્ટ્રાક્ટ પ્રફુલકુમારને અપાવી દેવાની વાત કરી હતી. જેમાં એક ટાવેરા કાર અને પાંચ ઇકો કાર કોન્ટ્રાક્ટમાં મૂકવાનું જણાવ્યું હતું. જેની ડિપોઝીટ પેટે રૂ.૧૫ લાખ કંપનીમાં ભરવાના અને તે ડિપોઝીટ કામ શરૂ થવાના બે મહિના પછી પરત અપાવવાનું જણાવ્યું હતું. પ્રફુલકુમાર કોન્ટ્રાક્ટ લેવા માટે તૈયાર થઈ ગયા હતા અને નિરમા કંપનીમાં વિશાલ વાળંદ સાથે મેનેજર સાથે મુલાકાત કરવા માટે ગયા હતા ત્યારે વિશાલે અત્યારે મેનેજર હાજર નથી તેમ જણાવીને પરત ઉમરેઠ લઈ આવ્યો હતો. ત્યારબાદ ડિપોઝીટ પેટે અલગ અલગ તારીખે રૂ.૧૫ લાખ ચુકવી આપ્યા હતા. જે અંગેની પાવતીઓ નિરમા.પ્રા.લીના એચઆર મેનેજરની સહીસિક્કા વાળી આપી હતી સાથે સાથે રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરારની કોપી પણ આપી હતી. જોકે બે મહિના સુધી કોન્ટ્રાક્ટ ન મળતાં પ્રફુલકુમારે પોતાના આપેલા રૂ.૧૫ લાખ પરત માંગ્યા હતા જેથી વિશાલે છ મહિનામાં નાણાં પરત કરી દેવાનું જણાવ્યું હતું ત્યારબાદ વિશાલે રૂ. ૮.૭૫ લાખનો ચેક પણ આપ્યો હતો. ગત તારીખ ૨૦-૪-૨૦૨૩ના રોજ વિશાલ મકાન ખાલી કરીને જતો હોઈ પ્રફુલકુમારે વિશાલને પોતાના નાણાં આપી દેવાનો કહેતાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રફુલકુમારે તેના ચેક બેંક ખાતામાં ભરતા તે ચેક પરત કર્યો હતો.ત્યારબાદ ઉમરેઠ પોલીસમથકમાં ફરિયાદ કરતા પોલીસે અરજી લઈને કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી પ્રફુલકુમારે ઉમરેઠની કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે ઉમરેઠ પોલીસને ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેના આધારે પોલીસે પ્રફુલકુમાર અમૃતલાલ પાઠકની ફરિયાદ લઈ વિશાલ ગોવિંદભાઈ વાળંદ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

જ્યારે સિનેમા ભારતની ભાવના સાથે મળે છે

Master Admin

જવેલશીક એ અમદાવાદમાં ફ્લેગશિપ સ્ટોર ઓપન કર્યો

Master Admin

વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ

Master Admin

Leave a Comment

Translate »