હરભજન સિંહે જણાવ્યું AAP છોડવાનું કારણ
પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ –– પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પંજાબના મુખ્યમંત્રી પર રમતગમતને પ્રોત્સાહન આપવામાં કોઈ રસ ન દાખવવાનો અને ક્યારેય મુલાકાતનો સમય ન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાવા માટે પંજાબના મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવ્યા છે. વર્ષ ૨૦૨૨માં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભામાં ગયેલા હરભજન સિંહે અન્ય ૬ સાંસદો સાથે એપ્રિલ ૨૦૨૬માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
હરભજન સિંહે જણાવ્યું કે, જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ તેમને પાર્ટીમાં જોડાવા કહ્યું હતું, ત્યારે તેમનો મુખ્ય હેતુ રમતગમતના મુદ્દાઓને વાચા આપવાનો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ માત્ર રમતગમત પર જ વાત કરશે અને રાજકારણથી દૂર રહેશે. પંજાબ તેમજ રાષ્ટ્રીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવાની તક મળી રહી હોવાથી તેઓ પાર્ટીમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાવાનું ખરું કારણ આપતા તેમણે ઉમેર્યું કે, પાર્ટીમાં રજૂ કરેલા તેમના વિચારો અને વિઝનને સતત નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. તેમના સૂચનો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું. જો તેમના સૂચવેલા માર્ગ પર એક નાનું કદમ પણ ઉઠાવવામાં આવ્યું હોત, તો તેઓએ આજે પાર્ટી છોડી ન હોત. જે કામ માટે તેઓ જોડાયા હતા તે કામ ન થતાં આખરે કંટાળીને તેમણે આ નિર્ણય લીધો હતો.
તેમના ઘર બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનની ઘટના પર તેમણે કહ્યું કે, પ્રદર્શનકારીઓ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે સૌ કોઈ જાણે છે. દેશની જનતા તેમને ક્રિકેટના કારણે પ્રેમ કરે છે, તેથી સામાન્ય જનતા તેમનો વિરોધ ન કરે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પંજાબની જનતા સાથે કરેલા મોટા-મોટા વાદાઓનું શું થયું? વાસ્તવિકતામાં ગદ્દાર કોણ છે?
પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈના કહેવાથી તેઓ ગદ્દાર કે, ચોર બની જતા નથી. તેમનું દિલ ભારત અને પંજાબ માટે ધડકે છે અને તેમની દેશભક્તિ સાબિત કરવા માટે તેમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. આવી બાબતોથી ધ્યાન ભટકાવ્યા વિના તેઓ પોતાનું કામ ચાલુ રાખશે.
પંજાબમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ડ્રગ્સ યુવાનોને બરબાદ કરી રહ્યું છે. એક સમયે પંજાબ રમતગમતમાં દેશમાં પ્રથમ ક્રમાંકે હતું. તેમણે જાલંધરની સુરજીત સિંહ હોકી અકાદમી અને સંસારપુર ગામનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક નાના ગામમાંથી ૯ ખેલાડીઓ હોકી ટીમમાં રમતા હતા. પરંતુ આજે દરેક ઘર સુધી ડ્રગ્સ પહોંચી જવાથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે.

