ચાર મહિના કતલખાના બંધ રાખવા સામે હાઈકોર્ટની ટકોર
રાધનપુર, પાટણમાં કતલખાના અને નોનવેજ શોપ્સ બંધ કરાવવાના વિવાદમાં હાઈકોર્ટમાં રિટ થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ , તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — રાધનપુરમાં કતલખાના અને પાટણમાં નોનવેજની દુકાનો બંધ રખાવવાના વિવાદમાં જુદી જુદી પિટિશનો હાઇકોર્ટ સમક્ષ થઇ છે. જેની સુનાવણીમાં રાધનપુર વાળા કેસમાં હાઇકોર્ટે તંત્રને એવી વેધક ટકોર સાથે સવાલ કર્યો હતો કે કોઇ ધર્મગુરુ ચાર મહિના માટે ત્યાં આવવાના હોવાથી ચાર મહિના સુધી કતલખાના કે નોનવેજની દુકાનોને કઇ રીતે બંધ કરાવી શકાય. આ નિર્ણયને કઇ રીતે વાજબી કે ન્યાયી ઠરાવી શકાય. સુપ્રીમ કોર્ટે પર્યુષણ પુરતાં નવ દિવસ માટે આવી દુકાનો બંધ રાખવાના હુકમ કર્યા છે, પરંતુ કોઇની આજીવિકાનું સાધન ચાર મહિના સુધી કઇ રીતે બંધ કરાવી શકાય. આ ચાર મહિના સુધી તેમને થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ હવે કોણ કરશે. શું રાધનપુર ન.પા. ૩૦થી વધુ લોકોને વળતર ચૂકવશે. આ સવાલનો જવાબ આવતી સુનાવણીમાં આપવાનો રહેશે.
હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરિઅલે કેસની સુનાવણીમાં એવી તંત્રના વલણની ટીકા કરતાં ટકોર કરી હતી કે, પર્યુષણ પુરતી નવ દિવસ લોકો શાકાહાર કરે અને નોનવેજની દુકાનો બંધ રહે એ સમજી શકાય એવું છે, પરંતુ કોઇ વ્યક્તિની કોઇ એક ચોક્કસ પ્રકારના આહારની પસંદગી બીજા સમુદાય ઉપર થોપી શકાય. બંધારણના કયા ભાગમાં આવી જોગવાઇ કરવામાં આવેલી છે કોર્ટને પણ બતાવો. તમે કોઇ કાયદાકીય જોગવાઇનો અમલ કર્યો નથી, પરંતુ રાધનપુર ન.પા.એ સીધી નોટિસ આપીને ચાર મહિના દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ મહિનાની તેમની આવકને જે નુકસાન થયું છે એની ભરપાઇ કોણ કરશે. આજે તમે ચાર મહિના માટે નોનવેજ દુકાનો બંધ રાખવાનું ફરમાન કર્યું છે, કાલ ઉઠીને તમે એવું ફરમાન લાવશો કે તમારે આવા જ કપડાં પહેરવા અથવા આ રંગનો જ પોષાક પહેરવો. તમે ન.પા.ના ચીફ ઓફિસરને પૂછીને કોર્ટને સ્પષ્ટ કરો કે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કઇ જોગવાઇ હેઠળ તેમણે સત્તાનો ઉપયોગ કર્યો છે.
નગરપાલિકાએ હાઇજીન સહિતના મુદ્દે દલીલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોર્ટે એવી તીખી ટકોર કરી હતી કે આવું કંઇ છે જ નહીં. કોઇ ધર્મગુરુ આવતાં હોવાથી તમે ચાર મહિના સુધી તેમનો ધંધો બંધ કરાવ્યો છે. હવે એમને વળતર કોણ આપશે એ જણાવો. જો તમારી પાસે કોઇ કાયદાકીય જવાબ હોય તો આપો અન્યથા વળતર ચૂકવવા તૈયાર રહો. જો ગેરકાયદેસર કતલખાનું હોય કે લાઈસન્સ વિના ધંધો કરતાં હોય તો એ મુદ્દો જ અલગ છે, પરંતુ અહીં તો એવું કશું છે જ નહીં.
