જમીનથી ૧૦૦ ફૂટ નીચે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ
આ હાઇ-સ્પીડ કોરિડોરમાં ૩૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન અને કુલ ૧૨ સ્ટેશનો પર થશે સ્ટોપેજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — દેશમાં પહેલી બુલેટ ટ્રેન ચલાવવાની મહત્ત્વાકાંક્ષી તૈયારીઓ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, અને એવી પ્રબળ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આવતા વર્ષ ૨૦૨૭ના આખરી ક્વાર્ટરમાં આ હાઇ-સ્પીડ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાઇ-સ્પીડ ટ્રેક પર દોડવા લાગશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર શેર કરેલી વિગતો મુજબ, ભારતની આ પ્રથમ બુલેટ ટ્રેન હવે માત્ર કાગળ પરની જાહેરાત નથી રહી પરંતુ જમીની સ્તરે આકાર લઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (મ્દ્ભઝ્ર) ખાતે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ (૩૨ મીટર) નીચે એક વિશાળ અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે ૧૦ માળની ઇમારત જેટલી ઊંડાઈ ધરાવે છે. આ ભૂગર્ભ સ્ટેશનમાં પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસિસ એરિયા એમ ૩ લેવલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી થોડા અંતરે થાણે ક્રીક નીચે ખડકોને કાપીને ભારતની પહેલી અંડર-સી (સમુદ્રની અંદર) રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આ કોરિડોર ૨૧ કિલોમીટર લાંબી સુરંગથી પસાર થશે, જેમાંથી ૭ કિલોમીટરનો હિસ્સો થાણે ક્રીક નીચે સમુદ્રની અંદર રહેશે. આ અત્યાધુનિક સુરંગના નિર્માણ માટે ૩,૨૦૦ ટન વજન ધરાવતી અને ૫૦૦ એશિયન હાથીઓના વજન સમાન વિશાળ ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ભારતમાં અત્યાર સુધી લગાવવામાં આવેલી સૌથી મોટી મશીનોમાં સામેલ છે. આ મશીનોનું કટરહેડ ૧૩.૬ મીટર ડાયામીટર એટલે કે ૪ માળની બિલ્ડિંગ જેટલું ઊંચું છે.
આ હાઇ-સ્પીડ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ અને સરેરાશ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડશે. મહારાષ્ટ્ર, ગુજરાત તથા દાદરા અને નગર હવેલીથી પસાર થનારા આ ૫૦૮ કિલોમીટર લાંબા રૂટ પર કુલ ૧૨ મુખ્ય સ્ટેશનો મુંબઈ (મ્દ્ભઝ્ર), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે નક્કી કરવામાં આવ્યા છે.
