ફાયર સેફ્ટીના નામે માત્ર શોભાના ગાંઠિયા : તંત્રની પોલ ખુલી
ફાયર એક્સ્ટિંગ્યુશરની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવાનો ખુલાસો, બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોધરા, તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ | પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા હંગામી બસ સ્ટેશનમાં સોમવારે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસ સ્ટેશનનો કંટ્રોલ રૂમ અને પરિસરમાં આવેલી ૬ જેટલી દુકાનો આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આ આગની ઘટના બાદ એસ.ટી. તંત્ર અને ફાયર વિભાગની ફાયર સેફ્ટી અંગેની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે બસ સ્ટેન્ડમાં લગાવેલા ફાયર એક્સ્ટિંગ્યુશર (અગ્નિશામક યંત્રો) એક્સપાયર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે, ભુરાવાવ વિસ્તારમાં કાર્યરત હંગામી બસ સ્ટેશનમાં મુસાફરોની અવરજવર વચ્ચે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને નજીકમાં આવેલા કંટ્રોલ રૂમ તેમજ ૬ દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. અચાનક ભભૂકી ઊઠેલી આગ જોઈને બસ સ્ટેશન પર હાજર મુસાફરોમાં જીવ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત ૨ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ ભીષણ આગની ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આગ લાગ્યા બાદ સ્થળ પર તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, રોજિંદા હજારો મુસાફરોની અવરજવર ધરાવતા આ હંગામી બસ સ્ટેશનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્યુશરની એક્સપાયરી ડેટ ક્યારનીય પૂરી થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા તેને બદલવાની કે રિફિલ કરવાની તસ્દી લેવામાં આવી નહોતી.જો આગ લાગવાના પ્રાથમિક તબક્કે જ આ અગ્નિશામક સાધનો ચાલુ હાલતમાં હોત, તો આગને ફેલાતી અટકાવી શકાઈ હોત અને મોટું નુકસાન ટાળી શકાયું હોત. આ ઉપરાંત, જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવાની જવાબદારી જેમના શિરે છે તે ફાયર વિભાગ દ્વારા પણ આ અંગે કોઈ તપાસ કે કાર્યવાહી કેમ કરવામાં ન આવી, તે એક મોટો પ્રશ્ન છે.જવાબદારો સામે કડક કાર્યવાહી થશે ખરી?હાલમાં આ આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ, મુસાફરો અને સ્થાનિક વેપારીઓમાં તંત્રની આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોની સુરક્ષા સાથે આ પ્રકારે ખુલ્લેઆમ ચેડાં કરનાર એસ.ટી. વિભાગના અધિકારીઓ અને ફાયર સેફ્ટીની અવગણના કરનાર જવાબદાર તંત્ર સામે કોઈ કડક પગલાં લેવાશે કે પછી સમગ્ર મામલે તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવશે.
