Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રંપે રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયાના ઊર્જા વ્યવસાય પર અમેરિકી નીતિ અને ઇંધણની ઊંચી કિંમતોને લઈને વહીવટીતંત્ર પર દબાણ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન | ૧૭મી ઓક્ટોબર ૨૦૨૬ | અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ભારે ટેરિફ લાદવાના નવા નિયમોમાંથી હાલ પૂરતી છૂટ આપી દીધી છે. આનાથી ભારત અને ચીન જેવા દેશો પર તોળાઈ રહેલો ૧૦૦% સુધીના ટેરિફનો ખતરો ટળી ગયો છે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતોને ટાંકીને લીધો છે. જોકે, આનો અર્થ એ નથી કે રશિયા પર લાદવામાં આવેલા તમામ અમેરિકી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે ભવિષ્યમાં જરૂર પડ્યે આ નિયમોને ફરીથી લાગુ કરવાનો અધિકાર પણ પોતાની પાસે અનામત રાખ્યો છે.ટ્રમ્પે શુક્રવારે સાંજે જારી કરેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ‘લિન્ડસે ઓ ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, ૨૦૨૬’ ની કેટલીક જોગવાઈઓમાંથી છૂટ આપવાની જાહેરાત કરી હતી. આ કાયદા પર ટ્રમ્પે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા કેટલાક દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાની જોગવાઈ છે. સાથે જ, રશિયાથી આવતા સામાન પર ૫૦૦% સુધી ચાર્જ લગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા મોટા દેશો અને રશિયન તેલ પર લાગેલા પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારાઓને નિશાન બનાવીને લેવામાં આવ્યો હતો. ભારત અને ચીન જેવા મોટા ખરીદદારો પર પણ આની અસર પડી શકતી હતી. હવે ટ્રમ્પે સંબંધિત જોગવાઈઓમાંથી છૂટ આપી દીધી છે, જેનાથી હાલ પૂરતો આ નવા ટેરિફનો ખતરો ટળી ગયો છે.જોકે, આ રાહતનો અર્થ એ નથી કે તમામ જૂના પ્રતિબંધો પણ સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. રશિયન સરકારની કેટલીક પ્રવૃત્તિઓને લઈને અગાઉ જારી કરાયેલા અમેરિકી આદેશો હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો પહેલાંની જેમ જ લાગુ રહેશે.ટેરિફ છૂટ આપવા છતાં અમેરિકન વહીવટીતંત્ર રશિયન તેલ અને ગેસની ખરીદી પર નજર રાખશે. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્‌સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય અને ઊર્જા મંત્રાલય સાથે મળીને આના પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ આવી કોઈપણ પરિસ્થિતિની માહિતી રાષ્ટ્રપતિને આપવાની રહેશે, જેમાં નવા પગલાં ભરવાની કે વર્તમાન છૂટમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે.આ કાયદામાં રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના પાંચ સૌથી મોટા ખરીદદારો પર પણ ટેરિફ લાદવાની જોગવાઈ છે, જો તેઓ ૧૮ ઑક્ટોબર ૨૦૨૬ કે ત્યારબાદ જાણીજોઈને નવી ખરીદી કરે છે. આ ઉપરાંત, રશિયા પર લાદવામાં આવેલા તેલ પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારા પાંચ મુખ્ય દેશો અથવા પક્ષોને નિશાન બનાવવાની જોગવાઈ પણ છે. આ નિયમો પર આદેશમાં અપાયેલી છૂટ અને અપવાદો લાગુ પડશે.ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયાના ઊર્જા વ્યવસાય પર અમેરિકી નીતિ અને ઇંધણની ઊંચી કિંમતોને લઈને વહીવટીતંત્ર પર દબાણ છે. કેટલાક અમેરિકી સાંસદોનું માનવું છે કે રશિયન તેલની ખરીદી પર રાહત મળવાથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાને કમાણી ચાલુ રાખવામાં મદદ મળી શકે છે.

Related posts

છોકરાએ ChatGPTથી સર્ચ કરી માતા-ભાઈની કરી હત્યા

Master Admin

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકોઃ ૧૦% ગ્લોબલ ટેરિફ રદ

Master Admin

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ

Master Admin

Leave a Comment

Translate »