Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા સાથે મિત્ર દેશે કરી ‘ગદ્દારી’!

૪ વર્ષ બાદ રશિયા પાસેથી ખરીદયું ક્રૂડ ઓઇલ

જાપાન તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૯૦ ટકાથી વધુ પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ મે ૨૦૨૬ — એશિયામાં અમેરિકાના સૌથી વિશ્વસનીય સાથી ગણાતા જાપાને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને ચોંકાવી દીધા છે. મધ્ય પૂર્વમાં હોર્મુઝની નાકેબંધીને કારણે ઓઇલ પુરવઠો ખોરવાતા જાપાને પોતાની જૂની મિત્રતાની સીમાઓ ઓળંગીને રશિયા તરફ હાથ લંબાવ્યો છે. વર્ષ ૨૦૨૨માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે જાપાને રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરી છે. આ નિર્ણય માત્ર ઊર્જાનો મુદ્દો નથી, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યૂહનીતિ અને રાજદ્વારી મજબૂરીનો પણ સંકેત આપે છે.જાપાન તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૯૦ ટકાથી વધુ પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે જાપાનની સપ્લાય લાઇન જોખમમાં મુકાઈ છે. જ્યારે દેશનું અસ્તિત્વ અને અર્થતંત્ર દાવ પર હોય, ત્યારે ભાવનાઓ કરતા રાષ્ટ્રીય હિત વધુ મહત્ત્વ ધરાવે છે. આ જ કારણ છે કે પીએમ સનાએ ટાકાઈચીએ સ્પષ્ટ કર્યું છે કે મે મહિના માટેની ૬૦ ટકા તેલની જરૂરિયાત હવે વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવશે.રશિયાની ન્યૂઝ એજન્સી TASS અનુસાર, જાપાને ‘સખાલિન બ્લેન્ડ’ ગ્રેડનું ઓઇલ ખરીદ્યું છે. ઓમાનનો ધ્વજ ધરાવતું ટેન્કર ‘વોયેજર’ ૩ મેના રોજ શિકોકુ ટાપુ પર આવેલા કિકુમા પોર્ટ પર પહોંચવાનું છે. આ ઓઇલ જાપાનની ‘તાઈયો ઓઇલ’ રિફાઈનરીને મળશે. જાપાન પાસે ૪૪ કરોડ બેરલનો વિશાળ ભંડાર હોવા છતાં, તે માત્ર તેના પર નિર્ભર રહેવા માંગતું નથી. લાંબા સમય સુધી ચાલનારા સંકટને પહોંચી વળવા માટે જાપાને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું જોખમ ઉઠાવ્યું છે, જે રશિયા માટે પ્રતિબંધો વચ્ચે નવો અવસર લઈને આવ્યું છે.જાપાન સરકાર ઓઇલના ભંડારમાંથી વધારાના ૨૦ દિવસનો પુરવઠો બજારમાં મુક્ત કરવાનો પણ નિર્ણય લીધો છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ફેરફાર છતાં અમેરિકાએ આ બાબતે મૌન સેવ્યું છે. જાપાન અને અમેરિકા વચ્ચેનું સંરક્ષણ ગઠબંધન આજે પણ મજબૂત છે, પરંતુ ઊર્જા સુરક્ષાના મામલે જાપાને સાબિત કરી દીધું છે કે તે પોતાની જનતા અને ઉદ્યોગોને બચાવવા માટે કોઈ પણ વ્યવહારિક ડગલું ભરતા અચકાશે નહીં.આ ઘટના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવો વળાંક દર્શાવે છે. હવે દુનિયાના અન્ય દેશો પણ હોર્મુઝ જેવા સંવેદનશીલ વિસ્તારો પરની નિર્ભરતા ઘટાડવા માટે નવા વિકલ્પો શોધશે. જાપાનનો આ નિર્ણય એ વાતની યાદ અપાવે છે કે જ્યારે ઊર્જા અને રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે, ત્યારે દરેક રાષ્ટ્ર માટે પોતાનું હિત સૌથી પહેલા હોય છે. રશિયા, ઇઝરાયલ, લેબેનોન અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જાપાનનું આ સંતુલન તેને એક સક્ષમ ખેલાડી તરીકે રજૂ કરે છે.

Related posts

ભારત-યુરોપ વચ્ચે મધર ઓફ ડીલ્સ પહેલા અમેરિકા અકળાયું

Master Admin

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં

Master Admin

સુનીતા વિલિયમ્સે NASA માંથી નિવૃત્તિ લીધી!

Master Admin

Leave a Comment

Translate »