Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

પ્રજા પર મોંઘવારીનો ડબલ માર!

ગુજરાત ગેસના ભાવમાં રૂપિયા ૨.૭૫ નો તોતિંગ વધારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૬ મે ૨૦૨૬ — ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. ગઈકાલે ૧૫ મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. ૩ નો વધારો થયા બાદ, હવે અદાણી અને ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. ગુજરાત ગેસે CNG માં રૂ. ૨.૭૫ અને અદાણીએ રૂ. ૨.૨૫ નો વધારો કર્યો છે. આ ભાવવધારાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ કિલોમીટર દીઠ ભાડામાં રૂ. ૫ નો વધારો કરવા માટે સરકારમાં રજૂઆત કરી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલ મધ્યરાત્રિથી જ બંને ગેસ કંપનીઓએ આ નવા ભાવ અમલી કરી દીધા છે. ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં રૂ. ૨.૭૫ નો વધારો કરાતા તેનો નવો ભાવ રૂ. ૮૩.૦૧ પર પહોંચી ગયો છે. બીજી તરફ, આજે ૧૬ મેના રોજ અદાણીએ પણ પોતાના CNG ના ભાવમાં રૂ. ૨.૨૫ નો વધારો કરતા, અમદાવાદમાં તેનો ભાવ રૂ. ૮૩.૭૭ થી વધીને હવે રૂ. ૮૬.૦૨ પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ પણ અદાણીએ રૂ. ૧.૫૦ નો વધારો કર્યો હતો, ત્યારબાદ પ્રજાને આ વધુ એક ફટકો પડ્યો છે.

આટલો મોટો ભાવવધારો થતાં સૌથી મોટી મુશ્કેલી રિક્ષા ચાલકોને પડી છે, કારણ કે તેઓ મોટાભાગે અદાણી CNG નો જ વપરાશ કરે છે. આ વધારાનો સખત વિરોધ કરતા રિક્ષા ચાલકોએ હવે ભાડામાં પણ વધારો કરવાની માંગણી ઉઠાવી છે. તેઓએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને ટ્રાન્સપોર્ટ કમિશનરને આ અંગે રજૂઆત કરી છે.

હાલમાં રિક્ષા ચાલકો ૧ કિલોમીટરના રૂ. ૧૫ ભાડું લે છે, જેમાં રૂ. ૫ નો વધારો કરીને તેને રૂ. ૨૦ કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત રેગ્યુલર ભાડા (મીટર વગરના) માં પણ રૂ. ૨૦ થી ૩૦ નો વધારો કરવાની રજૂઆત થઈ છે.

એક સમય હતો જ્યારે પેટ્રોલ અને CNG ના ભાવમાં ઘણો મોટો તફાવત હતો, જેથી લોકો સસ્તા વિકલ્પ તરીકે CNG વાહનો પસંદ કરતા હતા. પરંતુ હવે CNGના ભાવ પણ વધીને પેટ્રોલના ભાવની સમકક્ષ પહોંચી ગયા છે. મોંઘવારીના આ મારથી વાહન ચાલકોમાં ભારે નારાજગી છે અને રિક્ષા યુનિયનોએ અદાણી દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે.

Related posts

ખેતિકા અને IIM અમદાવાદે ભારતમાં સ્વચ્છ ખોરાક માળખાને આકાર આપવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે

Master Admin

વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી પોલીસ

Master Admin

આજથી ગુજરાતભરમાં ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ થશે

Master Admin

Leave a Comment

Translate »