Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પીએમ મોદી અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે બેઠક થઈ

વિદેશ મંત્રી બન્યા બાદ માર્કો રૂબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ

સુરક્ષા, વેપાર, ક્રિટિકલ ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર મંથન થયું : મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ મે ૨૦૨૬ — ફેબ્રુઆરી ૨૦૨૫માં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક; સુરક્ષા, વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી પર થઈ વ્યાપક ચર્ચા થઇ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસે નવી દિલ્હી આવી પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી હતી. વિદેશ મંત્રી બન્યા બાદ માર્કો રૂબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આગામી ૨૬ તારીખે યોજાનારી ક્વાડ (Quad) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં યોજાયેલી આ દ્વિપક્ષીય મુલાકાતને ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

સુરક્ષા, વેપાર, ક્રિટિકલ ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર મંથન થયું હતું. આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે અમેરિકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં ભારતીય પક્ષ તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. દિલ્હી બાદ યુએસ વિદેશ મંત્રી જયપુર, આગ્રા અને કોલકાતાની પણ મુલાકાત લેશે.

અમેરિકી વિદેશ મંત્રી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને આ બેઠક અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “ભારત અને અમેરિકા દુનિયાની ભલાઈ માટે આગળ પણ સાથે મળીને કામ કરતા રહેશે.”

આશરે એક કલાક સુધી ચાલેલી આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં મુખ્યત્વે અનેક મુદ્દાઓ પર સહમતી અને રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા અને દ્વિપક્ષીય વેપારને નવી ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભવિષ્યની નવી અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.
હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોના નૌકાદળ અને વ્યૂહાત્મક સહયોગને વધારવા પર વાત થઈ.

અમેરિકી વિદેશ મંત્રીનો આ પ્રવાસ માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ ભારતના અન્ય સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રોની પણ મુલાકાત લેવાના છે. પીએમ મોદી સાથે મુલાકાત અને રવિવારે દ્વિપક્ષીય વાર્તાનો બીજો રાઉન્ડ. ત્યાર બાદ જયપુર અને આગ્રાની વિવિધ સંસ્થાઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત. કોલકાતામાં પ્રવાસના ભાગરૂપે પૂર્વ ભારતના આ મુખ્ય શહેરની મુલાકાત. ૨૬ મે (ક્વાડ બેઠક)માં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની પરિષદમાં ભાગ લેશે, જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા પર મોટી ચર્ચા શક્ય છે.

ટ્રમ્પ પ્રશાસન દ્વારા માર્કો રૂબિયોને ભારત મોકલવા અને પીએમ મોદીને વોશિંગ્ટનનું આમંત્રણ આપવું એ દર્શાવે છે કે બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે અમેરિકા ભારત સાથેની દોસ્તીને ટોચની પ્રાથમિકતા આપી રહ્યું છે.

Related posts

ડ્રીમ ટેક્નોલોજીએ એફોર્ડેબલ હાઈ-પર્ફોર્મન્સ L50 Plus અને L50 રોબોટિક વેક્યૂમ ક્લીનર્સ લોન્ચ કરીને ભારતમાં સ્માર્ટ લિવિંગ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો

Reporter1

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Master Admin

ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવ પર જીવલેણ હુમલો

Master Admin

Leave a Comment

Translate »