Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત

NEET પેપર લીક મામલો

આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે મોટો એક્શન પ્લાન અમલમાં મૂકીને NSUIના કાર્યકરોની અટકાયતનો દોર શરૂ કરી દીધો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૯ મે ૨૦૨૬ –– નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા કાજે નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI) દ્વારા આજે (૧૯મી મે) ગાંધીનગરમાં મહાત્મા ગાંધીના ચીંધેલા માર્ગે શાંતિપૂર્ણ પરંતુ આક્રમક આંદોલન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અચોક્કસ મુદતના અમરણાંત ઉપવાસ યોજાવાના હતા. જોકે, આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે મોટો એક્શન પ્લાન અમલમાં મૂકીને NSUIના કાર્યકરોની અટકાયતનો દોર શરૂ કરી દીધો છે.

મળતી માહિતી અનુસાર, NEETના પેપર લીક મુદ્દે દેખાવો કરવા માટે NSUIના કાર્યકરો આજે ગાંધીનગર ઉપવાસ છાવણી ખાતે જવા રવાના થાય તે પહેલાં જ વિરમગામ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આંદોલનને ઉગ્ર બનતું અટકાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના હેતુથી પોલીસે વહેલી સવારથી જ વોચ ગોઠવીને મુખ્ય કાર્યકરોને કસ્ટડીમાં લઈ લીધા હતા.

પૂર્વ નિર્ધારિત જાહેરાત અને આયોજન અનુસાર, આજે (૧૯મી મે) સવારે ૯ વાગ્યાથી ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે આ અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થવાનું હતું. NSUI દ્વારા આ લડતમાં ન્યાયની અપેક્ષા રાખતા NEETના પીડિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે સત્તાવાર અપીલ કરવામાં આવી હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવી સંભાવના હતી.

આ સમગ્ર મામલે NSUIના પ્રવક્તા સુધીર રાવલે તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ’આજે વહીવટી તંત્રની યોગ્ય પરમિશન સાથે આ ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ છતાં, આંદોલન સ્થળ પર પહોંચીએ તે પહેલાં જ વિરમગામ ખાતે પોલીસ દ્વારા અમારી અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસની આ કડકાઈના પગલે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી શક્યા નથી. કાર્યકરોની અટકાયત થતાં અને પોલીસ દમનના ડરથી વાલીઓ પણ ત્યાં આવી શક્યા નથી, જેથી હાલ પૂરતું આ આંદોલન અટકાવી દેવામાં આવ્યું છે.’

Related posts

ગુજરાતમાં ૨૭ ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

Master Admin

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Master Admin

ડીઝલની અછતના દાવા, પેટ્રોલ પંપ પર લાંબી કતારો

Master Admin

Leave a Comment

Translate »