સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
પૂજા કરો કે અભિષેક કરો, આરતી કરો કે સેવા કરો. આજના સમયમાં બધા ભક્તિમાં લાગેલા છે. પુરુષોત્તમ માસ આવે એટલે લોકો ભૂખ્યા પેટે તપસ્યા કરે, ઉપવાસ કરે, મંદિરે જાય. પણ સવાલ એ છે કે આ બધું કરવાથી ભગવાન રાજી થાય છે ખરો?
આપણે મંદિરમાં જઈને ફૂલ ચડાવીએ, નારિયેળ વધેરીએ, અભિષેક કરીએ. પણ ઘરે આવીને જો મનમાં માયા હોય, કોઈના માટે ઈર્ષા હોય, તો એ પૂજાનો શું અર્થ? ભગવાન મૂર્તિમાં નથી, ભગવાન આપણા કર્મમાં છે.
એક વાત યાદ રાખો – ભૂખ્યા પેટે તપસ્યા કરવી સહેલી છે, પણ ભૂખ્યાને જમાડવો અઘરો છે. આપણે પોતે ઉપવાસ કરીએ છીએ, પણ બાજુમાં કોઈ ભૂખ્યું સુતું હોય તો એની આપણને પડી નથી. આ તે કેવી ભક્તિ?
શાસ્ત્રો કહે છે – મનમાં માયા અને દિલમાં દયા ન હોય તો ભગવાન ક્યારેય રાજી ન થાય. માયા એટલે લોભ, સ્વાર્થ. દયા એટલે બીજાના દુઃખને સમજવું. જેના દિલમાં દયા નથી, એ ગમે એટલી માળા ફેરવે તોય ભગવાન દૂર જ રહે.
એના માટે સારા કર્મોની જરૂર પડે. કર્મ જ પૂજા છે. તમે કોઈ ગરીબને મદદ કરો, કોઈ રડતાને હસાવો, કોઈના કામ આવો – એ જ સૌથી મોટી પૂજા છે. ભગવાનને તમારા નારિયેળની જરૂર નથી, ભગવાનને તમારા સારા સ્વભાવની જરૂર છે.
ખેર, રખે એ યાદ કરો કે, શક્તિથી ભક્તિ તો રાવણ પણ ખૂબ જ કરતો હતો! અલબત, રાવણ જેવો શિવભક્ત કોઈ નહોતો. રોજ શિવલિંગને પોતાના માથા વાઢીને ચઢાવતો. વેદોનો જાણકાર, મહા પંડિત. પણ એના કર્મ સારા નહોતા. એના મનમાં અભિમાન હતું, બીજાની બહેન-દીકરી પર નજર હતી. એટલે એની શક્તિ – ભક્તિ બન્નેઊ નકામી ગઈ. અંતે એનું સર્વનાશ થયું.
એટલે જ ચુસ્ત અને મક્કમપણે ભારપૂર્વક કહું છું કે, પૂજા કરો, પણ સાથે સારા બનો. અભિષેક કરો, પણ સાથે બીજાને માફ કરતા શીખો. આરતી ગાવ, પણ સાથે કોઈનું દિલ ન દુઃભાવો. પુરુષોત્તમ માસમાં તપસ્યા કરો, પણ સાથે તપાસ કરો કે તમારા મનમાં કોઈના માટે કડવાશ કે, વેરઝેર અન્ય કોઈ બીજા પ્રત્યે તો નથી ને?!
ભગવાનને રાજીડા કરવા માટે અને રાજીપો મેળવવા વાસ્તે મોટા અને ખોટા ખર્ચની કોઈ જ જરૂર નથી. એક નાનું સારું કામ, એક મીઠું વચન, એક દયાનો ભાવ – ભગવાન એનાથી જ રાજી થઈ જાય છે! હરહર મહાદેવ! ૐ નમોઃ શિવાય!
