Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રાજા-મહારાજા કદીયે કોઈપણ ચીજવસ્તુઓનો ભાવતાલ કરતા જ નથી!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

દિવાળીનો તહેવાર નજીક આવે એટલે બે પ્રકારના બજાર ભરાય છે. એક બજાર મોલમાં ભરાય છે, એસી વાળું, લાઈટો વાળું. બીજું બજાર ફૂટપાથ પર ભરાય છે, ધૂળ વાળું, તડકા વાળું.
મોલવાળા બજારમાં આપણે કાર લઈને જઈએ છીએ. કાર હોલ્ડર છીએ આપણે. અંદર જઈને ૩૦૦૦ રૂપિયાનું કપડું ૩૦૦૦માં લઈ લઈએ છીએ. કાઉન્ટર પર છોકરી કહે ૩૨૦૦ થયા. આપણે કાર્ડ આપી દઈએ છીએ. ક્યારેય નથી કહેતા કે ૨૫૦૦માં આપો.
પણ જેવા કારમાંથી ઉતરીને ફૂટપાથ પર આવીએ છીએ, આપણું ગણિત બદલાઈ જાય છે.
એક બાઈ બેઠી છે. ઉંમર ૫૦ વર્ષ. સવારના ૬ વાગ્યાથી બેઠી છે. સામે માટીના કોડિયા છે. નાના નાના દીવા. તેણે પોતાના હાથે બનાવ્યા છે. રાત્રે તેના ઘરે કદાચ લાઈટ પણ નથી. તેણે આખી રાત જાગીને આ કોડિયા બનાવ્યા છે. તેના હાથમાં માટી ચોંટેલી છે. ચહેરા પર પરસેવો છે.
તે કહે છે, ભાઈ ૧૦ના ૪.
આપણે કહીએ છીએ, ૧૦ના ૬ આપો તો લઉં.
આ પાંચ મિનિટનો સંવાદ નથી, આ આપણી માનસિકતાનો અરીસો છે.
આપણે ભાવતાલ કોની સાથે કરીએ છીએ? જેની પાસે કંઈ નથી તેની સાથે. અને જેની પાસે બધું છે તેની સામે ચૂપ રહીએ છીએ.
જરા વિચારો, તમે છેલ્લે ક્યારે ડોક્ટર સાથે ભાવતાલ કર્યો હતો? ડોક્ટરે કહ્યું કે ઓપરેશનના બે લાખ થશે. તમે કહ્યું કે દોઢ લાખમાં કરો? ના. તમે તરત પૈસા ભરી દીધા. કારણ કે તમને ડર હતો.
તમે છેલ્લે ક્યારે વકીલ સાથે ભાવતાલ કર્યો? વકીલે કહ્યું ફી ૫૦ હજાર. તમે કહ્યું ૨૦ હજારમાં કરો? ના.
તમે મોંઘી હોટલમાં જાઓ છો. ત્યાં એક પ્લેટ પાસ્તાના ૮૦૦ રૂપિયા લખ્યા છે. તમે વેઈટરને કહો છો કે ૪૦૦માં આપો? ના. તમે ૮૦૦ આપો છો અને ઉપરથી ૧૦૦ રૂપિયા ટીપ પણ આપો છો. જેથી તમારો વટ પડે.
તો પછી આ ગરીબો સાથે શા માટે આવો વ્યવહાર?
એક છોકરો જુઓ. ૧૨-૧૩ વર્ષનો. મેલા કપડા છે. સ્કૂલે જવાને બદલે ફૂટપાથ પર ફટાકડાની નાની દુકાન લગાવીને બેઠો છે. તેના બાપે કદાચ તેને કહ્યું હશે કે બેટા આ વેચી આવ તો ઘરમાં દિવાળી થશે.
તમે ત્યાં જઈને કહો છો, આ તો બહુ મોંઘા છે. બાજુમાં તો સસ્તા મળે છે.
તે છોકરો શું બોલે? તેને ભાવતાલ કરતા આવડતું પણ નથી. તે મૂંઝાઈ જાય છે. તે ૨૦ રૂપિયા ઓછા કરી દે છે. તમે ખુશ થઈને જતા રહો છો કે મેં ૨૦ રૂપિયા બચાવ્યા.
પણ તમે ૨૦ રૂપિયા નથી બચાવ્યા, તમે તેના ઘરની દિવાળીના ૨૦ રૂપિયા ઓછા કરી દીધા છે.
આપણે સમજતા નથી કે આ લોકો વેપારી નથી, આ લોકો શ્રમિક છે. વેપારી નફા માટે વેચે છે, શ્રમિક પેટ માટે વેચે છે.
વેપારી પાસે ગોડાઉન છે, શ્રમિક પાસે માત્ર આજનો દિવસ છે. આજે વેચાશે તો આજે ખાવાનું મળશે. નહીં વેચાય તો ભૂખ્યા સૂવું પડશે.
દિવાળી શું છે? દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. બધાના ઘરમાં પ્રકાશ હોવો જોઈએ. માત્ર તમારા ઘરમાં નહીં.
જો તમે ૫ રૂપિયા માટે તે બાઈના કોડિયાનો ભાવ કરશો તો તેના ઘરમાં અંધારું રહેશે. અને તમારા ઘરમાં તમે ગમે તેટલા દીવા કરશો, તે પ્રકાશ સાચો નહીં હોય.
રાજા કોણ છે?
રાજા એ નથી જેની પાસે કાર છે. રાજા એ છે જેની પાસે મોટું દિલ છે.
જૂના સમયમાં રાજા જ્યારે નગરચર્ચા કરવા નીકળતા ત્યારે ગરીબો પાસેથી વસ્તુ લેતા અને તેની કિંમત કરતા વધારે આપતા. જેથી પ્રજાને ખબર પડે કે રાજા આપણી સાથે છે.
આજે કાર હોલ્ડર એટલે આજના સમયનો રાજા છે. તમારી પાસે કાર છે એટલે તમારી પાસે પૈસો છે, સુવિધા છે. તમે રાજા છો.
અને રાજા ક્યારેય ભાવતાલ કરતો નથી.
રાજા તો કહે છે, બાઈ તારાં કોડિયાં બહુ સરસ છે. લે આ ૧૦૦ રૂપિયા, બધાં આપી દે. છૂટા નથી જોઈતા.
આ એક વાક્ય તે બાઈની આખી દિવાળી બદલી નાખશે. તે દોડતી ઘરે જશે. તેના છોકરાઓ માટે નવા કપડા લાવશે. તેના ઘરમાં પણ મીઠાઈ આવશે.
તમે વિચારો, તમે મોલમાં ૨૦૦૦ રૂપિયા વધારે આપી દો છો તો તમને કોઈ યાદ નથી રાખતું. પણ તમે આ બાઈને ૫૦ રૂપિયા વધારે આપશો તો તે તમને આખી જિંદગી યાદ રાખશે. તે દુઆ આપશે. તે દુઆ તમારા બાળકોને લાગશે.
આ દિવાળીએ એક નિયમ બનાવો.
મોલમાં જે ભાવ લખ્યો હોય તે આપો, પણ ફૂટપાથ પર ભાવ ન પૂછો. જે કહે તે આપી દો. અને બને તો થોડા વધારે આપો.
ફટાકડા વેચતા છોકરાને કહો, બેટા ભણવાનું કેટલું થયું? લે આ તારા બધા ફટાકડા હું લઉં છું. તું વહેલો ઘરે જા.
કોડિયાં વેચતી બાઈને કહો, મા આ બધાં કોડિયાં મને આપી દે. મારા ઘરમાં તારા હાથના દીવા પ્રગટશે.
આને દાન નથી કહેવાતું. આને માણસાઈ કહેવાય છે.
તમે દાનમાં ક્યાંક મંદિરમાં હજારો રૂપિયા આપી આવો છો. ભગવાનને તેની જરૂર નથી. ભગવાન તો આ બાઈમાં બેઠો છે, આ છોકરામાં બેઠો છે.
તમે જો તેને તહેવાર ઉજવવા દેશો તો તમારી દિવાળી સાચા અર્થમાં સફળ થશે.
યાદ રાખો, તમારી કારની કિંમત લાખોમાં છે. તે બાઈના કોડિયાની કિંમત રૂપિયામાં છે. લાખોવાળા રૂપિયાવાળા સાથે ભાવતાલ કરે તે શોભતું નથી.
આ દિવાળીએ ભાવતાલ બંધ કરો. ભાવ વધારે આપવાનું શરૂ કરો.ગરીબને પોષણક્ષમ નફો મળે અને તેનું શોષણ નહીં થાય તેની તકેદારી રાખો! હરહંમેશ આપવાવાળા બનો, લેવાવાળા નહીં, તેમાં જ કુદરત અને ગરીબ વ્યક્તિ કાયમ માટે ખુશ રહેશે તથા તેના અને ઈશ્વરનાં આશીર્વાદ તમને ફળશે!
ખેર, રાજા ભાવતાલ કરતો નથી! કેમ કે, એ મુક્ત બજારનો પણ રાજા છે માટે રાજા રૈયતને ભાવ વધારે આપે છે અને દિલ જીતે છે!

Related posts

ચીનની નવી રાજદ્વારી કે જૂની યુક્તિ? ભારતના ભવિષ્યનો વિશ્વાસ કે વિશ્વાસઘાત

Master Admin

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

Reporter1

કાળઝાળ ગરમી અને હીટવેવ સામે આરોગ્ય સુરક્ષા

Master Admin

Leave a Comment

Translate »